(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં આજે પણ વહેલી સવારથી વાદળીયું વાતાવરણ હોઈ અમુક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું‘ હતું. આ દરમ્યાન અર્નબ’ વાવાઝોડાની અસર હેઠળ રવિવારે સતત ત્રીજા દિવસે મુંબઈના અમુક વિસ્તારોમાં સવારના વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા.
હવામાન વિભાગના અંદાજ મુજબ ‘અર્નબ’ બાદ બંગાળ ઉપસાગરમાં નવા વાવાઝોડાની શકયતા વચ્ચે રાજ્યમાં ફરી એક વખત હળવાથી મધ્યમ સ્વરૂપના વરસાદની શકયતા છે. રાજ્યના છ જિલ્લા માટે યલો અલર્ટ પણ આપવામાં આવ્યું છે.
ચોમાસાની જલદી વિદાય બાદ મુંબઈગરા આકરા ઑક્ટોબરનો અનુભવ કરી રહ્યા છે. જોકે ઑક્ટોબરની વિદાયની સાથે જ મુંબઈના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રવિવારે સતત ત્રીજા દિવસે સવારના અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડયા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારથી આગામી ત્રણ દિવસ સુધી મુંબઈ સહિત મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને મરાઠવાડામાં વરસાદની શકયતા છે.
હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં તૈયાર થયેલા ‘અર્નબ’ વાવાઝોડા બાદ બંગાળના ઉપસાગરમાં ફરી એક વખત લો પ્રેશર તૈયાર થયું હોઈ શનિવારે તેનું કેન્દ્ર બંગાળના ઉપસાગર અને તેની નજીક રહેલા આંદામાન નિકોબાર દ્વીપ તેમ જ આંદામાન દરિયા નજીક હતું. દરમ્યાન રવિવારે મોડી રાતના તેની તીવ્રતા વધીને તે વાવાઝોડામાં ફેરવાઈ જવાની શક્યતા છે. આ વાવાઝોડું મંગળવારના સવારના ૧૦૦થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધ્ર પ્રદેશની કિનારપટ્ટી પરથી પસાર થવાનો હવામાન વિભાગે અંદાજો વ્યક્ત કર્યો છે. તેની અસર હેઠળ રવિવારથી આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ઑક્ટોબરના અંતમાં બંગાળના ઉપસાગરના ‘અર્નબ’ વાવાઝોડાની અસર હેઠળ રાજયના અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. ખાસ કરીને રાજ્યના દક્ષિણ વિસ્તારમાં વરસાદની અસર વધુ રહી છે. આ દરમ્યાન સિંધુદુર્ગ, કોલ્હાપુર, નાશિક, સાંગલી, અહિલ્યા નગર, ગોંડિયા, ગઢચિરોલી, ચંદ્રપુર તેમ જ વિદર્ભના મોટાભાગના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. તેમ જ છેલ્લા બે દિવસથી મુંબઈ શહેર અને ઉપનગરના અનેક વિસ્તારમાં પણ મધ્યમ સ્વરૂપનો વરસાદ પડી રહ્યો છે.