Tue Nov 10 2026

Logo

ખુશી માતમમાં ફેરવાઈ: સગાઈમાંથી ઘરે પરત ફરતા નડ્યો અકસ્માત, વેન-ટ્રેલરની ટક્કરમાં 6નાં મોત

2026-11-02 09:36:00
Author: Mumbai Samachar Team
ખુશી માતમમાં ફેરવાઈ: સગાઈમાંથી ઘરે પરત ફરતા નડ્યો અકસ્માત, વેન-ટ્રેલરની ટક્કરમાં 6નાં મોત

લખનઉ: ખુશી હજુ ઓસરી પણ નહોતી ત્યાં એક ભયાનક અકસ્માતે પરિવારની ખુશીઓ છીનવી લીધી, મોડી રાત્રે ઘરે પરત ફરી રહેલી વેન સામેથી આવતા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે છ લોકોનાં મોત થયાં, જ્યારે એક કિશોર ગંભીર રીતે ઘાયલ થયો છે. ઉતરપ્રદેશના  કુશીનગર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વેનમાં સવાર તમામ લોકો દેવરાજ પિપરા ગામમાં એક સંબંધીના ઘરે સગાઈમાં હાજરી આપવા ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ મોડી રાત્રે પોતાના ગામ ભલુહી પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન હાટા કોતવાલી વિસ્તારમાં સામેથી આવી રહેલા ટ્રેલર સાથે તેમની વેનની ભયાનક ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વેનનો બૂકડો બોલી ગયો હતો અને વાહનને ભારે નુકસાન થયું હતું, અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસમાતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. 

બીજી તરફ, અકસ્માત બાદ ટ્રેલર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી છે. અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.