Sat Oct 03 2026

Logo

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન ‘ભારત પ્રથમ’ના મંત્ર અને ગરીબ કલ્યાણ માટે સમર્પિત : અમિત શાહ

2026-09-17 17:03:20
Author: Pooja Shah
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન ‘ભારત પ્રથમ’ના મંત્ર અને ગરીબ કલ્યાણ માટે સમર્પિત : અમિત શાહ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને જનસેવાથી રાષ્ટ્રસેવાના અવિરત ૨૫ વર્ષના ઉપલક્ષમાં મહેસાણાના વડનગર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત મહાઆરતીમાં સહભાગી થઈને વડા પ્રધાનના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી. 

અમિત શાહે સંબોધનમાં જણાવ્યું હતું કે આઝાદી પછી અત્યાર સુધી કોઈપણ રાજનેતાએ સતત ૨૫ વર્ષ સુધી રાજ્ય અને દેશના વડા તરીકે સેવા આપવાનો વિક્રમ સ્થાપ્યો નથી. વડા પ્રધાને એક પણ દિવસની રજા લીધા વિના 25 વર્ષ રાષ્ટ્રની સેવામાં વ્યતીત કર્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ૨૫ વર્ષના જાહેર જીવનમાં તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ ડાઘ લાગ્યો નથી. વિરોધ પક્ષો પણ તેમના પર વ્યક્તિગત ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી શકતા નથી. તેમણે ૧૪૦ કરોડ ભારતીયોને જ પોતાનો પરિવાર માન્યો છે અને ‘ભારત પ્રથમ’ના મંત્ર સાથે દેશને નવી દિશા આપી છે.

દેશના વિકાસના ચિત્રને રજૂ કરતા શાહે જણાવ્યું હતું કે ૧૨ વર્ષના કાર્યકાળને ગરીબ કલ્યાણના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવશે. ૨૫ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય આ શાસનમાં થયું છે. ૮૦ કરોડ ગરીબોને નિ:શુલ્ક અનાજ, આવાસ, શૌચાલય, વીજળી, ગેસ સિલિન્ડર અને ૫ લાખ સુધીની મફત સારવારની સુવિધા પૂરી પાડીને છેવાડાના માનવીનું જીવન સ્તર સુધારવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે ભારતને ‘ફ્રેઝાઈલ ફાઈવ’માંથી બહાર કાઢીને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનાવવાનું શ્રેય નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વને જાય છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના ગાળાને યાદ કરતા અમિત શાહે જણાવ્યું કે ૨૪ કલાક વીજળી, જ્યોતિગ્રામ યોજના, વનબંધુ અને સાગરખેડૂ કલ્યાણ યોજના જેવા મોડેલ્સ દ્વારા ગુજરાતનો સર્વસ્પર્શી વિકાસ થયો હતો. આજે એ જ ગુજરાત મોડેલ દેશના વિકાસનો આધાર બન્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદી, ટ્રિપલ તલાકની સમાપ્તિ, સર્જિકલ સ્ટ્રાઈક અને ડિજિટલ ઈન્ડિયા જેવા સાહસિક નિર્ણયોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે વડા પ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મવિશ્વાસને નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે. ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનો જે સંકલ્પ લેવાયો છે, તેને પૂર્ણ કરવા માટે આ સેવા સંકલ્પ અભિયાન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનશે.અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે વડનગર હાટકેશ્વર મંદિર ખાતે વડનગરથી આધ્યાત્મિક નગરી વારાણસી સુધીની બાઈક યાત્રાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.