Tue Nov 03 2026

Logo

કહો, આમાં વાંક કોનો...?

2026-10-22 09:22:00
Author: Neela Sanghvi
કહો, આમાં વાંક કોનો...?

નીલા સંઘવી

પુત્રવધૂ સાલુ, પુત્ર સુબ્રતો અને જેમની હત્યા થઈ એ પિતા વિનીત... 

તાજેતરની  આ  એક હૃદયદ્રાવક ઘટનામાં કાનપુરના વિનીત મિનોયાની હત્યા થઈ. નોકર વિશાલની ધરપકડ થઈ. વિનીતની હત્યા માટે વિશાલે કહ્યું, ‘શીલુભાભીએ સોપારી આપેલી.’ 

શીલુ એટલે વિનીતભાઈની પુત્રવધૂ, પણ પછી તપાસ કરતાં ખબર પડી કે આમાં તો વિનીતભાઈના પુત્ર સુબ્રતોનો હાથ છે. પાછળથી સુબ્રતે પણ કબૂલ કર્યું કે પિતા વિનીત મિનોયાની હત્યાનો પ્લાન પોતે જ કર્યો હતો. આપ સૌ વાચકોએ આ કેસ ફૉલો કર્યો જ હશે. આપ સૌના મનમાં એ પ્રશ્ર્ન પણ ઊઠ્યો હશે કે આજે ‘સંધ્યા-છાયા’માં ખૂન-ખરાબા વાત ક્યાંથી આવી ગઈ? આ હત્યાનો કેસ હું પણ ધ્યાનપૂર્વક ફૉલો કરતી હતી. આવું બધું જોઈએ ત્યારે દિલમાં અરેરાટી થઈ જાય છે. મનમાં પ્રશ્ર્ન થયો છે કે કેવો સમય આવ્યો છે? કાનપુરના અતિ ધનવાન, ફાર્માસ્યુટિક્લ બિઝનેસમાં અગ્રગણ્ય વેપારીનું ખૂન તેનો જ પુત્ર કરાવે? ને દીકરાને પિતાએ પોતાના ખભે બેસાડીને ફેરવ્યો હશે, પ્રેમથી રમાડ્યો હશે, તેના માટે રમકડાં, કપડાં, પુસ્તકો લાવ્યા હશે, ભણાવ્યો હશે અને હોંશે હોંશે પરણાવ્યો હશે એ જ દીકરાએ બાપને મોતને ઘાટ ઉતારવાનો કારસો રચ્યો. આ બનાવની મારા મન પર ઊંડી અસર થઈ. ઘણા દિવસો સુધી આ ઘટના મનમાંથી જતી જ ન હતી. આવું કેમ થયું? એવું કેટલું ખુન્નસ દીકરાના મનમાં ભરાયું કે સગાં બાપને ખતમ કરવા તૈયાર થઈ ગયો? પિતા વિનીતનો એવો તે શું વાંક હતો કે ખુદ પુત્ર સુબ્રત આટલી હદ સુધી ગયો? 

હા, ઉપર ઉપરથી વિચારીએ તો મિલકત માટે આમ થયું એમ કહી શકાય. આમ પણ આપણે કહીએ છીએ કે ‘જર, જમીન અને જોરું, કજિયાના છોરું.’ મિલકત માટે, પૈસા માટે આટલી હદે જવાનું? આટલું નીચે ઊતરી જવાનું? શું વાતચીત કરીને કોઈ સ્નેહી-વડીલ મિત્રને મધ્યસ્થી રાખીને પ્રૉબ્લેમનું સૉલ્યુશન ન લાવી શકાય? કોઈ પણ બાબતનો ઉકેલ કોઈનો જાન લેવાથી કઈ રીતે આવી શકે? અને ન જ આવ્યો ને ઉકેલ. આખો પરિવાર તહસનહસ થઈ ગયો. પિતાનો જીવ ગયો, પુત્ર જેલમાં ગયો જેની અસર નાનકડા પૌત્ર પર પણ પડશે, આટલો મોટો બિઝનેસ હવે કોણ સંભાળશે? આ બધું લખવાનું કારણ એ જ છે કે પ્રૉબ્લેમનો ઉકેલ, સંવાદ સાધીને લાવવાનો હતો. પ્રૉબ્લેમનું સોલ્યુશન શોધવાનું હતું. દીકરાએ હત્યા કરાવી એ તો મોટો ગુનો છે જ, પણ વિનીત પણ સાવ નિર્દોષ ન જ ગણાય.

પરિવારમાં બાપ-દીકરા વચ્ચે એટલું વૈમનસ્ય થઈ જાય કે ખૂનામરકી પર આવી જવું પડે એ કેવું? આટલી બધી નફરત જો પિતા-પુત્ર વચ્ચે હોય તો પરિવારની કોઈ વ્યક્તિએ એમની વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયાસ કેમ ન કર્યો? જો કર્યો હોય તે આપણને તો ખાતરી ન જ હોય પણ વાત આટલી હદ સુધી વકરી જાય ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ ન નીકળે એ કેવું? વળી આ કોઈ હાલી-મવાલી પરિવાર તો હતો નહીં. ધનાઢય, શિક્ષિત પરિવાર હતો. આ પરિવારને સુસંસ્કૃત ન કહી શકાય, કારણ કે અખબારી રિપોર્ટ અને ટી. વી. ચૅનલો દ્વારા જાણવા મળ્યું કે પિતાશ્રી રંગીલા મિજાજના આદમી હતા. તેમના આ રંગીલા સ્વભાવના કારણે જ સુબ્રતને ડર હતો કે કેટલીયે સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવનાર પિતા જો ઘરમાં કોઈ સ્ત્રીને પત્ની બનાવીને લાવશે તો પત્ની મિલકત અને પોતાનો હિસ્સો ખતરામાં પડી જશે.

આટલો શ્રીમંત પરિવાર હોવાને કારણે સમજી શકાય છે કે તેમની લાઇફ સ્ટાઇલ પણ હાઇ-ફાઇ જ હશે. તેમની ઊઠ-બેસ પણ હાઈ સોસાયટીના લોકો સાથે હશે. તેથી તેમનો ખર્ચ વધારે હોય. અહીં પાપા વિનીત  પુત્ર  સુબ્રતને મહિને 40,000 રૂપિયા પગારરૂપે આપતા હતા અને પુત્રવધૂને ઘરખર્ચ ચલાવવા માટે માત્ર 15,000 રૂપિયા, 15,000 રૂપિયામાં આજના જમાનામાં સામાન્ય માનવીનું ઘર પણ ન ચાલે તો શ્રીમંત ઘરની પુત્રવધૂ આટલા પૈસામાં કેવી રીતે ઘર ચલાવે? વળી સસરાને પાઈ પાઈનો હિસાબ આપવો પડતો હતો. આવી તાનાશાહી તો કોઈને ન ગમે,  છતાં વહુ તો ડાહી હતી. ગમે તેમ ચલાવતી હતી. પુત્ર સુબ્રત પણ કંઈ દૂધે ધોયેલો નથી. નોકર પાસે પોતાના જ ધંધામાંથી ચોરી કરાવે, જુગાર રમે અને જુગારમાં મોટું દેવું થઈ ગયું હતું એટલે પણ પૈસાની જરૂર હતી.

મૂળમાં ઘર પરિવારમાં કાંઈ જ ઠીક ન હતું. બહુ જ તકલીફ હતી. આનો ઉકેલ લાવવાની જરૂર હતી. આખા પરિવારે સાથે બેસીને સંવાદ સાધવાનો હતો. કોઈ યોગ્ય વ્યક્તિને વચ્ચે રાખીને ઉકેલ લાવવાનો હતો. વિનીતભાઈ પાસે આટલો પૈસો હતો તો દીકરાને અને વહુને વધારે પૈસા ખર્ચ માટે આપવાની જરૂર હતી,  પણ તેમણે એમ ન કર્યું.  વિનીતની પત્ની પણ અલગ રહેતી હતી. પરિવાર જ્યારે સંપથી એકજૂટ ન રહી શકે ત્યારે આવા કિસ્સા બને છે.

હકીકતમાં તો વિનીતે દીકરા-વહુને અલગ કરી દેવાના હતા. જયારે તમારી વચ્ચે બિલકુલ લાગણી નથી, ફકત નફરત જ છે ત્યારે સાથે રહેવાનો કોઈ અર્થ નથી. દીકરા વહુને અલગ ઘર લઈ આપીને યોગ્ય કહી શકાય તેવી રકમ તેમના ખર્ચ માટે આપવી જોઈતી હતી. ઘણા વડીલોને નાગની માફક ધનના ઢગલા પર બેસવાની ટેવ હોય છે. વિનીતને પોતાની આ ટેવ ભારે પડી. જો દીકરા વહુને જુદા કરીને મહિને બે-ત્રણ લાખ (તેમના સ્ટેટસ પ્રમાણેે) આપ્યા હોત તો સુબ્રતને પિતા પ્રત્યે જે નફરત હતી તે ઓછી થાત અને આ દિવસ આવ્યો ન હતો  માટે ખાસ કહેવું છે કે આમાં સુબ્રતનો એકલાનો વાંક નથી. વિનીતનો પણ એટલો જ વાંક છે. જોકે એને કારણે સુબ્રતનો ગુનો ઓછો નથી થતો, પણ એના એકલાનો વાંક નથી... તો કહો, આ કિસ્સામાં વાંક કોનો!