Sat Nov 07 2026

Logo

પ્રદૂષણ મુદ્દે બબાલઃ દિયા મિર્ઝાનો વીડિયો ફરી અપલોડ કરવાનો આદેશઃ હાઈ કોર્ટે કહ્યું ભારત એક ધર્મનિરપેક્ષ દેશ...

2026-11-03 15:06:29
Author: Mumbai Samachar Team
પ્રદૂષણ મુદ્દે બબાલઃ દિયા મિર્ઝાનો વીડિયો ફરી અપલોડ કરવાનો આદેશઃ હાઈ કોર્ટે કહ્યું ભારત એક ધર્મનિરપેક્ષ દેશ...

મુંબઈ: દિવાળીમાં ફટાકડા ફોડવાથી થતા હવા અને ધ્વનિ પ્રદૂષણ સામે જાગૃતિ ફેલાવવા અભિનેત્રી દિયા મિર્ઝાએ બનાવેલા વીડિયો પર થયેલા વિવાદમાં બોમ્બે હાઈ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. બોમ્બે હાઈ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ને દિયા મિર્ઝાનો હટાવેલો વીડિયો ફરીથી અપલોડ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, કોર્ટે વીડિયો દૂર કરવાના નિર્ણય મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરતા એ હરકતને પણ કમનસીબ ગણાવી હતી.

ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણી અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેની બેન્ચે આ મામલે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે પર્યાવરણ અને પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી બનાવાયેલા વીડિયોને અલગ રંગ આપવો અત્યંત કમનસીબ છે. કોર્ટે કહ્યું હતું કે જાહેર પ્રતિનિધિઓ સહિત કેટલાક લોકોની માનસિકતા અને ટિપ્પણીઓથી તેને દુઃખ થયું છે. બીએમસી કમિશનરે પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા માટે જાણીતા કલાકારોની પસંદગી કરી હતી, એ યોગ્ય પગલું હતું. 

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બીએમસીએ દિવાળી દરમિયાન ફટાકડા નહીં ફોડવા અને પ્રદૂષણથી બચવા અપીલ કરતો દિયા મિર્ઝાના વીડિયોનો ઝુંબેશમાં ઉપયોગ કર્યો હતો. મુંબઈના મેયર રિતુ તાવડેએ પણ અભિનેત્રીની ઝુંબેશમાં ભાગીદારી સામે ટીકા કરી હતી. આ વાંધાઓ બાદ બીએમસીએ પોતાના સોશિયલ મીડિયા પેજ પરથી વીડિયો હટાવી દીધો હતો. મેયર રિતુ તાવડેએ દિયા મિર્ઝા પર હિન્દુ વિરોધી અને સરકાર વિરોધી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.

હાઈ કોર્ટે એ પણ સવાલ કર્યો હતો કે વીડિયો સામે વાંધો ઉઠાવનારા રાજકીય નેતાઓએ પોતે પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે આવા વીડિયો કેમ બનાવ્યા નથી. બેન્ચે જણાવ્યું કે જાહેર પદ પર બેઠેલા લોકો પાસેથી આવી વર્તણૂકની અપેક્ષા રાખવામાં આવતી નથી. કોર્ટે બંધારણની ધર્મનિરપેક્ષ ભાવનાને જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને બીએમસીને વીડિયો ફરી અપલોડ કરવા જણાવ્યું હતું. 

દિયા મિર્ઝાએ પણ પોતાના વીડિયો અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ અપીલ બોમ્બે હાઈ કોર્ટના નિર્દેશો અનુસાર જાહેર જાગૃતિ માટે કરવામાં આવી હતી. તેણે લખ્યું હતું કે હવા પ્રદૂષણ જાહેર આરોગ્યનો મુદ્દો છે અને તેને ઘટાડવા માટેનો દરેક પ્રયાસ સમગ્ર સમાજના હિતમાં છે. હાઈ કોર્ટના આદેશ બાદ હવે પાલિકાએ વીડિયો ફરીથી મૂકવાનો છે, જેથી દિવાળીની ઉજવણી દરમિયાન પર્યાવરણ અને પ્રદૂષણ અંગેનો સંદેશ ફરી લોકો સુધી પહોંચે.

વધુ જુઓ...