Sun Jul 19 2026

Logo

આજે આટલું જ: સર્વનાશ અને સર્જન

2026-07-19 09:22:00
Author: Shobhit Desai
Article Image

 

- શોભિત દેસાઈ

સમય એવો ચાલે છે કે કોઈ કરતાં કોઈ પોતાના અહમના ત્યાગ માટે એક તસુભર તૈયાર નથી, અહીં ભારતમાં દરેક આંદોલન શરૂ થયાં ત્યારે જે હતાં એ જ્યારે અંત પામ્યા કે સફળ થયાં ત્યારે એવા નથી જ રહી શક્યા એ વાત એટલી બધી સર્વવિદિત છે કે મારે કોઈ હઝારે કે કોઈ રામદેવનાં સંદર્ભ કહેવાની જરૂર નથી જ. દરેક સત્તા પક્ષ કાં તો કોઈ મજબૂરી કે કાં તો વિચારધારાના સાચાખોટા પ્રચંડ પરિવર્તનને કારણે પહેલાં નમવાનો દેખાડો તો મુકતો! હવે તો ભારતીયોના નસીબમાંથી એ દેખાડાનું ‘સુખ’ પણ ગાયબ છે અને રોજબરોજની બકવાસ ખબરોથી ‘સુસજ્જ’ રાખતું આખાય ભારત દેશનુું સ્ક્રીન મીડિયા જ્યારથી ગજવાઓમાં ખણખણવા માંડ્યું ત્યારથી કોઈ સંવાદ, કોઈ અલગ અલગ માન્યતા વિષેની ચર્ચા કે કંઈ પણ, આંદોલનના સંદર્ભે, ગાયબ છે. જય હો તાબોટાની... જય હો મીડિયાની... જય હો એકતરફી ઓવારણાની. 
* * *
રાહ, રસ્તો, પથ...            
જ્યાં મેં સ્વશોધના રસ્તે ડગ ભર્યાં.
મને દરેક વસ્તુ બદલાતી હોવાનો અહેસાસ થાય છે.

બદલાવ હંમેશાં સ્વસ્થતાનો દુશ્મન જ રહ્યો છે અને રહેશે. બદલાવ જે છીએ એને મુક્ત કરવાનું કહે છે જેથી આપણે જેવા હોવા જોઈએ એ બની શકીએ... બદલાવથી આનંદ અને વેદના, જિંદગીના બંને ચહેરા અનુભવી શકાય છે. આપણે જીતના ઉત્સવ પણ ઉજવીએ, હાર પચાવીએ અને નામશેષ થઈ જવાની એવી ક્ષણ પાસેથી ડહાપણ પણ મેળવીએ જે કદાચ આપણને આસાનીથી ગળી ગઈ હોત.

લગભગ તો આપણે આપણા ભીતરી દાનવથી એવા મુશ્કેટાટ છીએ કે આપણામાંનો દેવ રડવા માંડે છે. જમા થાય છે આ આંસુઓ વર્ષો સુધી અને પછી પરિવર્તિત થાય છે નિરાશામાં જેનાંથી જન્મે છે નિંદાભાવ. કથિત આંસુઓનો વર્ષો સુધીનો સંગ્રહ એક શાંત નકારાત્મક અવાજ બનીને આશાઓ ત્યાગવાનું અને સ્વપ્નો દફનાવવાનું સતત કહ્યા કરે છે...

અને છતાં રાહ, રસ્તો, પથ તો ચાલે જ છે. અને જો આપણામાં હામ હોય ડગ ભરવાની તો ભલે ધીમેથી, ભારે દર્દ સાથે પણ કશુંક અદ્ભુત બને છે.

નિર્માલ્ય બનવાને લીઘે ઊપડેલા આપણાં ખુદના ઘાવ શક્તિનાં સ્રોત બની જાય છે.

વંટોળિયા, જેણે આપણને થરથર કાંપતા કરી નાંખ્યા હતા, બની જાય છે એ આપણા ગુરુવર્ય
આપણે સહન કરેલી દરેક કારમી પળ ભેગી થઈને અચાનક કરુણા જન્માવવા માંડે છે આપણામાં...

બુદ્ધને મન આ જ તો છે શાંતિ...
જીસસને મન માફી...
શિવ અહીંથી પરિવર્તનના બીજ રોપે છે
રાહ ત્રણ, સત્ય એક,
કડવાશને આધીન થવાનું જ નથી
નિરાશાને પૂજવાની જ નથી
અર્થપૂર્ણતાને હાડમારી ગણવાની જ નથી
હૃદય બંદીવાન હોઈ જ ન શકે
રોકાયા વગર ચાલતો રહે.
ડરની ખૂબ ઉપર સમજદારી વસે છે
જુદાઈની ખૂબ ભીતરે અનંત મિલન છે.
 અને કદાચ આપણે નીરવ શાંતિ સફરની અંતે નથી પામતાં
કદાચ શાંતિ એ ક્ષણનું નામ છે જ્યારે આપણે તય કરીએ છીએ ચાલું રાખવાનું...
- એડ્વોકેટ સુરિલ દેસાઈ
અહીં જિંદગી છે બહુ સીધી સાજી
નડે એને ‘હું’ નામનો એક પાજી
 રહ્યો છું જીવનભર પ્રયત્નોમાં હાજી
મેં સામાન્ય પળ તક ગણીને નવાજી
ગમે છે ફકત પ્રેમ ઠાકોરજીને
બધા છોડી પકવાન આરોગે ભાજી!
નથી છોડવાનો તને આ વખત હું
હવે નહીં  ચલાવું કોઈ ચાલબાજી
પ્રણયમાં સફળતાનો કીમિયો બતાવું ?
તમે હારી ખુદને જીતી જાવ બાજી
પુરુષાર્થ પ્રારબ્ધ સાથે થયાં છે
ને  બોલાઈ રહી છે સમયની હરાજી
કુદી જો શક્યો હોત છેલ્લેથી ત્રીજું
તો જીતી લીધી  હોત મેં સાપબાજી
સહારાના વાદળ ગગડતાં હતાં જે
ગયાં છે હજી હાશહમણાં એ ગાજી
અણુબોંબથી વિશ્વ તો નાશ પામ્યું
મને આવી રહી છે ગઝલ એક તાજી

- શોભિત દેસાઈ

આજે આટલું જ