ડૉ. બળવંત જાની
દુહાની વિષયસામગ્રી આમ તો જીવનકાળની એકાદ ક્ષણને જ સમાવતી હોય, પરંતુ આ ક્ષણ ભારે ચોટદાર, મોહક અને મનહર હોય છે. દુહાની બે પંક્તિમાં આવા મર્મપૂર્ણ ભાવને આલેખીને પૂરો કરવાનો હોય છે. જે કંઈ કહેવાનું હોય એમાંનો ગહન-ગૂઢ સંદેશ ખુલી જવો જોઈએ. કંઈ પણ અસ્પષ્ટ રહે તો દુહો સફળતાપૂર્વક રચાયો ન ગણાય. દુહાગીરે આમ ભાવને, અને એમાંના અર્થને મનભર રીતે આલેખવાનું કૌશલ્ય પ્રદર્શિત કરવાનુંં હોય છે. આવા નારી ચિત્તની અનુભૂતિની ક્ષ્ાણને આલેખતા થોડાં દુહા આસ્વાદીએ.
‘વીજળી તું નિરલજ થઈ, મેવલા તુંય ન લાજ;
મારો ઠાકર ઘરર નહિ, મધરો મધરો ગાજ.’
નારી ચિત્તની વિરહાનુભૂતિને અહીં દુહામાં ભંડારી છે. મારો ઠાકર અર્થાત્ ઠાકોર-ધણી ઘેર નથી. વિજળી તું લાજ-શરમ વગરની થઈને ઝબકાર કરે છે. મેઘ-વરસાદ તું પણ શરમ-લાજ ન અનુભવીને વરસી રહ્યો છે. તમે ધીમે-ધીમે ગરજોે-ઝબકો અને વરસો.
વર્ષાૠતુની રાત્રીએ ધણીની અનુપસ્થિતિની પીડાને વાચા આપતી નાયિકા કથિત દુહો અંત:કરણની અરજ છે. પ્રકૃતિના સત્ત્વોને એમનો અંગુલિનિર્દેશ તો પતિ વિરહમાં તરફડતી નારીના ચિત્તનો પરિચય કરાવવાનું છે. બીજા એક દુહામાં આલેખાયેલી નારી ચિત્તની અવસ્થિતિને આસ્વાદીએ.
‘ભોં બીજી ભાળેલ નહિ, કો જાવું કીસે;
તેં મેલ્યાં તીસે, બેઠાં છીએ બાનરા.’
બાનરા નામના પ્રેમીને કે જે તરછોડીને ચાલ્યો ગયો છે, એને કારણે નિરાધારપણાનો ભાવ અહીં દુહામાં સ્થાન પામ્યો છે. નાયિકા કહે છે કે, હે પ્રેમી-બાનરા અમે કોઈ બીજું સ્થાન જાણતા નથી. ધરતીનો બીજો કોઈ ભાગ છે, એ મને ખબર જ નથી. એટલે હવે ક્યાં-કઈ તરફ જવું એની મોટી મૂંઝવણ છે. આ કારણથી તે જયાં છોડયા-રાખ્યા હતા ત્યાં જ અમે બેઠા છીએ.
ત્યક્તા નારી, તરછોડાયેલી નારીનું નિરાધાર ચિત્ત, એની અંગત પીડા અહીં અભિવ્યક્તિ પામી છે. આવા નારી ચિત્તના બીજા એક આગવા વિશિષ્ટ એવા ભાવરૂપને પ્રગટાવતો દુહો અવલોકીએ.
‘મુખડું વેણ ન વદી શકે, કરથી ન સાન કરાય;
લોચનિયાં લાજે ભર્યાં, લેત ન દેત વિદાય.’
પ્રિયપાત્રના મિલન પછીની વિદાયની સ્થિતિને અહીં વાચા સાંપડી છે. દુહાગીર ગાય છે કે મોઢેથી એક શબ્દ નીકળતો નથી અને હાથ વડે કંઈ સંકેત કરવાની હોંશ -હિંમત હોતી નથી. પ્રિયપાત્રને મળ્યાની લજજાથી લોચન-આંખ પણ કંઈ કહી શકવા સમર્થ નથી. આમ શ્રવણ, સ્પર્શ અને દર્શન એમ ત્રણેય ઈન્દ્રીયો પ્રિયપાત્રની વિદાય વખતે કંઈ લેવા-દેવા કે કહેવા અસમર્થ હોય છે. નારી ચિત્તની આવી આગવી પીડાને અહીં દુહાગીરે નારીમુખ બનીને ગાઈ છે - રજૂ કરી છે. નારીચિત્તની ગૂઢ અનુભૂતિનો બીજો એક વિશેષ દુહો અવલોકીએ.
‘ખળહળ વાદળિયાં વચ્ચે, વીજળિયાં, વ્રળકંત;
રાધા માધા કંથ વિણ, ખણ નવ રિયણ ખસંત.’
ખળભળ-ખળભતા-ગર્જના વાદળોનાં ઝૂંડ વચ્ચે વીજળી ઝબકાર કરતી ઝબૂકી રહી છે. રાધાની માધવ વગર રાત્રીની એક ક્ષણ પણ પસાર થતી નથી. માધવની અનુપસ્થિતિમાં વિરહભાવમાં વર્ષાૠતુમાં ચૈતસિક પીડા પ્રગટાવતી રાધાની હૃદયવ્યથા ભારે અસરકારક રીતે અહીંથી ઉદ્ઘાટિત થાય છે. રાધા અને માધવ તો માત્ર દૃષ્ટાંત છે પરંતુ પ્રિયતમ વગરની નારીની વિરહ વ્યથાનું નિરુપણ દુહાના માધ્યમથી અહીં આલેખાયું છે.
પીડાને, વ્યથાને અને વિરહને અસરકારક રીતે દુહામાં સ્થાન મળતું હોઈને દુહા માણસને સ્પર્શી જતા હોય છે. હૈયામાં જકડાઈ રહેતા હોય છે. યાદગાર બની રહીને યથાસમયે કોઈ અન્ય માણસ દ્વારા એ રજૂ થઈ જતા હોય છે. જેમ મકોડાનો નાનકડો-ટચૂકડો ચટકો આખા શરીરને હલબલાવી મૂકે એમ એક નાનુકડો બે લીટીનો દુહો માનવમનને હચમચાવી મૂકતો હોઈને યાદગાર બની રહે છે.