Mon Nov 02 2026

Logo

ફ્રેન્ડશિપ ફાઈલ્સઃ રાજ ઠાકરેએ મોદી-અદાણી પરની ડોક્યુમેન્ટરીની પોસ્ટ કરી ડિલીટ, કારણ ચર્ચામાં?

2026-10-25 19:29:33
Author: Mumbai Samachar Team
ફ્રેન્ડશિપ ફાઈલ્સઃ રાજ ઠાકરેએ મોદી-અદાણી પરની ડોક્યુમેન્ટરીની પોસ્ટ કરી ડિલીટ, કારણ ચર્ચામાં?

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના સંબંધો પર આધારિત ડોક્યુમેન્ટરીનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ડિલીટ કરી દીધો છે. 

મુંબઈ પોલીસ કમિશનરની વિનંતી બાદ તેમણે આ પગલું ભર્યું હોવાનું સ્પષ્ટીકરણ રાજ ઠાકરેએ આપ્યું છે. જો કે સાચા કારણ અંગે લોકોમાં તર્ક વિતર્કની ચર્ચા છે. સબીર ભાટિયા દ્વારા બનાવવામાં આવેલી આ 36 મિનિટની ફિલ્મ ‘ધ ફ્રેન્ડશિપ ફાઈલ્સ’ને એક્સ પર 48 લાખથી વધુ વખત જોવામાં આવી હતી.

રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમનો વિરોધ કોઈ વ્યક્તિ વિશેષ સામે નહીં, પરંતુ એકાધિકારવાદ સામે છે. તેમના મતે, વડા પ્રધાને દેશના અનેક ઉદ્યોગપતિઓને આગળ વધવાની તક આપવી જોઈએ, જેથી રોજગાર અને સંપત્તિનું સર્જન થાય, પરંતુ જો માત્ર એક જ ઉદ્યોગપતિને વિશેષ લાભ આપવામાં આવે અને તે દેશના હિત માટે જોખમરૂપ બને તો તેઓ તેનો વિરોધ કરશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અદાણી હોય કે અન્ય કોઈ ઉદ્યોગપતિ, એકાધિકારવાદ સામેની તેમની લડત ચાલુ રહેશે.

રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટરી શેર કરવાનો તેમનો હેતુ આ મુદ્દાને લોકો સુધી પહોંચાડવાનો હતો અને તે હેતુ પૂરો થઈ ગયો છે. તેમણે દાવો કર્યો કે જાન્યુઆરી 2026માં મુંબઈના શિવતીર્થ ખાતે તેમણે આ જ મુદ્દે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું. 

તેમાં તેમણે અદાણી જૂથના વધતા પ્રભાવ અને આર્થિક એકાધિકાર અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર તે પ્રેઝન્ટેશનના કેટલાક ભાગોનો ઉપયોગ ડોક્યુમેન્ટરીમાં પણ કરવામાં આવ્યો હતો.

પોતાની પોસ્ટ હટાવવા અંગે રાજ ઠાકરેએ મુંબઈ પોલીસ પ્રત્યેના સન્માનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મુંબઈ અને મહારાષ્ટ્ર પોલીસ પ્રત્યે તેમને હંમેશાં સન્માન રહ્યું છે અને પોલીસ કમિશનરની વિનંતીનું માન રાખીને તેઓ પોસ્ટ ડિલીટ કરી રહ્યા છે. 

જોકે, તેમણે મહારાષ્ટ્રમાં જમીન ફાળવણી અને ઉદ્યોગપતિઓને મળતા લાભ અંગે તેમને સરકાર પર નિશાન સાધ્યું હતું. ભીમાશંકર વિસ્તારની વનજમીન ગુજરાતની ટોરન્ટ કંપનીને સોંપવાના કથિત પ્રયાસો અંગે તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

રાજ ઠાકરેએ પોતાની પોસ્ટના અંતમાં કહ્યું, ‘જે આગ લગવાની હતી, તે લાગી ચૂકી છે.’ તેમણે ઉમેર્યું કે ડોક્યુમેન્ટરીની પોસ્ટ હટાવવામાં આવી હોવા છતાં એકાધિકારવાદ સામેની તેમની લડત અટકશે નહીં અને જાન્યુઆરીમાં રજૂ કરેલા તેમના વિચારો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ રહેશે. 

આ દરમિયાન, ડોક્યુમેન્ટરી અંગે મુંબઈ પોલીસે અગાઉ અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટધારકોને પણ નોટિસ ફટકારી હતી. અહેવાલો અનુસાર, પોલીસને ડોક્યુમેન્ટરીમાં એક જ કંપનીને નિશાન બનાવતા વાંધાજનક અને કથિત રીતે ભ્રામક દાવાઓ અંગેની ફરિયાદ કરાઈ હતી.