નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ રાજીનામાને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની શરૂઆત ગણાવી દીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભવિષ્યની સુરક્ષામાં અડગ રીતે ઊભા રહેનારા દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે,ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપણી એજ્યુકેશન સિસ્ટમને ફરીથી સુધારવાની દિશામાં એક મોટું પગલું છે. શાબાશ..દેશભરના વિદ્યાર્થીઓ. આપ સૌના પર મને ગર્વ છે. રસ્તા પર ઊતરીને લોકતંત્ર, સંવિધાન અને પોતાના ભવિષ્યની રક્ષામાં અડગ રહી, વિરોધ કરનારા દરેક યુવાન, વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
કોંગ્રેસે પણ સમર્થન આપેલું
આ સમાજના બીજા વર્ગો, ખેડૂતો, શ્રમિકો, ગરીબો દરેક એ વ્યક્તિ જેનાથી આ સરકાર પર દબાણ વધ્યું. આપ સૌના સન્માનમાં બંધારણીય રીતે અડગ રીતે ઊભા રહેવામાં જે અસલી સાહસ છે એને સલામ છે. તેમણે જણાવ્યું હતું કે બે માંગણીઓ અધૂરી રહી છે, વિદ્યાર્થીઓ અને ભારતના ભવિષ્ય પ્રત્યે આદર રાખીને વડા પ્રધાને પણ માફી માંગવી જોઈએ અને વિદ્યાર્થીઓ સામે હિંસા માટે જવાબદાર લોકો સામે પગલાં લેવા જોઈએ.
યુવાનોને ડરવાની જરૂર નથી તેવી પણ વિનંતી કરી. વર્તમાન સરકારને હટાવવાની હાકલ કરી. રાહુલ ગાંધીએ જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનને ટેકો આપ્યો હતો અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો સાથે મળીને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણા કર્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાજીનામાની જાહેરાત કરતા ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા દસ દિવસની ઘટનાઓથી દુઃખી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજીનામું સુપરત કર્યું છે.
રાજીનામા પત્રમાં શું કહેવામાં આવ્યું છે?
બે પાનાના રાજીનામા પત્રમાં તેમણે લખ્યું છે કે, આ તેમના માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી. મંત્રીએ જણાવ્યું હતું કે, ચાર દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારણા માટે પોતાને સમર્પિત કર્યા છે અને હંમેશા માન્યું છે કે એક મજબૂત, સમાવેશી અને દૂરંદેશી શિક્ષણ પ્રણાલી એક મજબૂત રાષ્ટ્રનો પાયો બનાવે છે.
યુવાનોને સંબોધતા તેમણે કહ્યું, હું દેશના યુવાનોની આકાંક્ષાઓ, લાગણીઓ અને કાયદેસર અપેક્ષાઓનું ખૂબ સન્માન કરું છું. ભારતની યુવા પેઢીના સપનાઓને સાકાર કરવા એ આપણા બધા રાજકીય અને સામાજિક જીવનમાં નૈતિક પ્રતિબદ્ધતા રહી છે. હું વડા પ્રધાનને તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાષ્ટ્રની સેવા કરવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કરું છું. રાહુલ ગાંધીએ કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાન ભ્રષ્ટાચારના પ્રતીક હતા, તેથી તેમનું વિદાય અનિવાર્ય હતી. સરકારે શિક્ષણ અંગે કડક પગલાં લેવા જોઈએ. આ સરકાર માટે ચેતવણી સમાન છે. અમે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો મુદ્દો સંસદમાં ઉઠાવીશું.