Fri May 01 2026

Logo

સંજય લીલા ભણસાલીને હાર્ટ એટેક આવ્યો કે શું, ડાયરેક્ટરની ટીમે સ્પષ્ટતા કરી

2 months ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોલીવુડના માસ્ટર ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી વિશે સોશિયલ મીડિયા પર ફેલાયેલી એક ચોંકાવનારી ખબરે ચાહકો અને સેલેબ્સના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. 24 ફેબ્રુઆરીએ પોતાનો 63મો જન્મદિવસ ઉજવ્યાના ગણતરીના કલાકોમાં જ અફવા ફેલાઈ હતી કે ભણસાલીને હાર્ટ એટેક આવ્યો છે અને તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા મનોરંજન જગતમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો અને લોકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા.

ભણસાલીના સ્વાસ્થ્યને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે તેમની સત્તાવાર ટીમે મૌન તોડ્યું છે. એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરતા ટીમે જણાવ્યું કે સંજય લીલા ભણસાલીને હોસ્પિટલમાં દાખલ કરવાની વાતો તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. તેમને કોઈ હાર્ટ એટેક આવ્યો નથી. તેઓ માત્ર રુટીન ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલ ગયા હતા." ટીમે વધુમાં વિનંતી કરી છે કે લોકો આવી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને તેને હવા ન આપે. હાલ ડાયરેક્ટર એકદમ સ્વસ્થ છે અને પોતાના કામમાં વ્યસ્ત છે.

સંજય લીલા ભણસાલી હાલમાં તેમની મહત્વકાંક્ષી ફિલ્મ 'લવ એન્ડ વોર' (Love and War) પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. 

જોકે, આ ફિલ્મની રિલીઝમાં અડચણો આવી રહી છે. શૂટિંગમાં વિલંબ, કલાકારોની ડેટ્સમાં ફેરફાર અને રી-શૂટને કારણે ફિલ્મ તેના નિર્ધારિત સમયે રિલીઝ થઈ શકશે નહીં. ભણસાલીની ફિલ્મો તેની ભવ્યતા માટે જાણીતી છે, તેથી તેઓ ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી.

અભિનેતા રણબીર કપૂરે તાજેતરમાં જ એક લાઈવ સેશન દરમિયાન ચાહકોને ફિલ્મો વિશે અપડેટ આપ્યું હતું. રણબીરે કન્ફર્મ કર્યું હતું કે તેની આગામી ફિલ્મ 'રામાયણમ્' પહેલા રિલીઝ થશે અને ત્યારપછી ભણસાલીની 'લવ એન્ડ વોર' થિયેટરોમાં આવશે. 

અગાઉ આ રોમેન્ટિક પીરિયડ ડ્રામા ઓગસ્ટ 2026માં રિલીઝ થવાની શક્યતા હતી, પરંતુ હવે તે વર્ષના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં ખસી શકે છે. આ સિવાય ભણસાલી તેમની લોકપ્રિય નેટફ્લિક્સ સિરીઝ 'હીરામંડી'ની બીજી સીઝન માટે પણ તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલ છે.