Sat May 02 2026

Logo

ડૉલરની પીછેહઠ સાથે વૈશ્વિક સોનું એક મહિનાના તળિયેથી પાછું ફર્યું

2 days ago
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિક સોનામાં રૂ. 2290નો અને ચાંદીમાં રૂ.4031નો ચમકારો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળવાની સાથે સાથે અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવમાં વધારો થવાની ભીતિને ધ્યાનમાં લેતા સોના અને ચાંદીમાં સલામતી માટેની માગનો ટેકો મળ્યો હતો, જેમાં સોનાના ભાવ એક મહિનાના તળિયેથી પાછાં ફર્યા હતા અને ચાંદીના ભાવમાં પણ ત્રણ ટકા આસપાસનો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2281થી 2290નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 4031નો ચમકારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4031ના ઉછાળા સાથે રૂ. 2,40,331ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2281 વધીને રૂ. 1,49,661 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2290 વધીને રૂ. 1,50,263ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી, પરંતુ રોકાણકારોની છૂટીછવાઈ રોકાણલક્ષી માગનો ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. .

ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે સોનાના ભાવ ગત 31મી માર્ચ પછીની નીચી સપાટી સુધી ગબડી ગયા બાદ આજે ક્રૂડતેલ અને ડૉલરમાં વધ્યા મથાળેથી નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ 1.9 ટકા વધીને આૈંસદીઠ 4629.83 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 1.8 ટકા વધીને 4642.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.9 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 73.57 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

જાપાનીઝ યૅનને ડૉલર સામે તૂટતો અટકાવવા માટે બજારમાં હસ્તક્ષેપ કરવામાં આવશે, એવાં બૅન્ક ઑફ જાપાનના અધિકારીએ સ્પષ્ટ સંકેતો આપ્યા હોવાથી આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું તેમ જ ક્રૂડતેલના ભાવમાં પણ વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો.

વધુમાં મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તણાવની સ્થિતિ જળવાઈ રહી હોવાથી સોના અને ચાંદીમાં સલામતી માટેની માગનો પણ ટેકો મળ્યો હોવાથી આજે ભાવમાં બાઉન્સબૅક જોવા મળ્યું હોવાનું વિશ્લેષક રોસ નોર્મને જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત 28મી ફેબ્રુઆરીથી અથવા તો અમેરિકા-ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલા કર્યા ત્યારથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 12 ટકા જેટલો ઘટાડો નોંધાઈ ગયો છે. 

વધુમાં ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્‌‍ રાખ્યા હતા. જોકે, હવે બજાર વર્તુળોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા ગત માર્ચ મહિનાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટા પર સ્થિર થઈ છે.