અચાનક હવામાન પલટાતા સર્જાયો અકસ્માતઃ એજન્સી દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન જારી
જબલપુરઃ મધ્ય પ્રદેશના જબલપુરમાં નર્મદા નદીમાં ક્રૂઝ ડૂબી જવાની મોટી હોનારત ઘટી છે. બરગી ડેમમાં ક્રૂઝ ડૂબી જવાના અહેવાલ છે. ક્રૂઝમાં લગભગ 30થી વધુ પર્યટક હતા. દુર્ઘટના બાદ અનેક પર્યટકો ગુમ થયા છે. આ દુર્ઘટનાની જબલપુરના કલેક્ટરે પુષ્ટિ કરી છે, જ્યારે અનેક લોકો બચાવીને બહાર પણ કાઢવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન જારી છે. બચાવ કામગીરી માટે તાકીદે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમને તહેનાત કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી પ્રશાસન અને પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. વહીવટી પ્રશાસને જણાવ્યું છે કે ક્રૂઝમાં 31 પર્યટક હતા, જ્યાં પંદર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ચાર જણના મૃતદેહ કાઢવામાં આવ્યા છે.
जबलपुर- BIG BREAKING
— Abhishek Dwivedi /अभिषेक द्विवेदी 🇮🇳 (@Dubeyjilive) April 30, 2026
बरगी डैम में बड़ी क्रूज पलटी,नर्मदा नदी में डूबा क्रूज,30 से 40 लोग क्रूज में थे सवार
स्थानीय लोगों और SDRF टीम ने 15 लोगों को डूबने से बचाया,3 महिला सहित 4 का निकाला गया शव,बरगी थाना पुलिस मौके पर#Madhyapradesh #Jabalpur pic.twitter.com/5nBPkS8PKJ
અધિકારીએ જણાવ્યું છે કે જ્યારે ક્રૂઝ નર્મદા નદીના બેકવોટરમાં હતી, ત્યારે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો, ત્યારે જોરદાર પવન ફૂંકાયો હતો. પાણીની ઊંચી લહેરો અને જોરદાર પવનના દબાણને કારણે ક્રૂઝે સંતુલન ગુમાવ્યું હતું, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
આ દુર્ઘટના પછી તાત્કાલિક સ્થાનિક નાવિકો અને પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરાવામાં આવી છે, જેમાંથી અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે ચાર જણનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હજુ અમુક લોકો પણ ગુમ થયા છે, જેને એસડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગુમ થયેલા લોકોને યુદ્ધના ધોરણે બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર અચાનક આવેલા તોફાનને કારણે ક્રૂઝચાલકે સંતુલન ગુમાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે બરગી ડેમ મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લામાં નર્મદા નદી પર બનવેલો પ્રથમ વિશાળ અને મહત્વપૂર્ણ ડેમ છે. ડેમનું નિર્માણ કાર્ય 1974માં શરૂ થયું હતું, જે છેક 1990માં પૂર્ણ થયું હતું. તેને 'રાણી અવંતીબાઈ લોધી સાગર પ્રોજેક્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. 5.4 કિલોમીટર લાંબા આ ડેમની ઊંડાઈ અને વિસ્તાર તેને અત્યંત સુંદર પણ સાથે-સાથે જોખમી પણ ગણાય છે.
આ ડેમ માત્ર સિંચાઈ અને 90 મેગાવોટ વીજળી ઉત્પાદન માટે જ કામ નથી આવતો, પરંતુ તે જબલપુરનું સૌથી મોટું ટૂરિઝમ સ્પોટ પણ છે. અહીં મધ્ય પ્રદેશ પ્રવાસન વિભાગનો રિસોર્ટ છે, જ્યાં લોકો ક્રૂઝ સફારી, બોટ રાઈડ અને વોટર સ્પોર્ટ્સ માટે આવે છે.