Thu Apr 30 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ સઉદીને માપમાં રાખવા અમેરિકાના ઈશારે યુએઈએ ઓપેક છોડ્યું

13 hours ago
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

અમેરિકા અને યુએઈ વચ્ચેના યુદ્ધવિરામના કારણે હમણાં દુનિયામાં શાંતિ છે ત્યારે યુએઈએ ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક)માંથી બહાર નીકળવાનો નિર્ણય લઈને મોટો આંચકો આપી દીધો. ઓપેક દુનિયામાં જંગી પ્રમાણમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતા દેશોની કાર્ટેલ  છે. આ કાર્ટેલ ક્રૂડનો કેટલો જથ્થો દુનિયામાં પહોંચાડવો એ નક્કી કરે છે ને એ રીતે ક્રૂડના ભાવો પર તેમનું નિયંત્રણ છે. 

સઉદી અરેબિયાની ઓપેકમાં દાદાગીરી છે. અમેરિકા વર્સીસ ઈરાનના યુદ્ધના કારણે દુનિયાભર માં ક્રૂડના સપ્લાયને અસર થતાં ભાવ વધ્યા છે ત્યાં સઉદી તકનો લાભ લઈને ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટાડીને હજુ ભાવ ઊંચે લઈ જવાની ફિરાકમાં છે. યુએઈ તેની સામે પડેલું તેથી બંને વચ્ચે વિખવાદ ચાલતો જ હતો ત્યાં  યુએઈએ  ઓપેકમાંથી જ નીકળી જવાનું એલાન કરીને સૌને મોટો આંચકો આપી દીધો.

યુએઈએ સત્તાવાર રીતે કરેલી જાહેરાત પ્રમાણે, છેલ્લાં કેટલાંક વરસોમાં ક્રૂડ ઓઈલના ઉત્પાદન માટેની સગવડો વધારવા જંગી રોકાણ કર્યું છે તેથી કમાણી કરવા માટે ક્રૂડનું ઉત્પાદન વધારવા માગે છે પણ ઓપેકના બંધનોના કારણે પોતે પોતાની રીતે નિર્ણય નથી લઈ શકતું. પોતે ઓપેકનાં બંધનોને ફગાવી દેવા માગે છે કે જેથી ઉત્પાદન વધારીને વધુ કમાણી કરી શકાય અને આર્થિક વિકાસ માટે નાણાં વાપરી શકાય. 

યુએઈ માટે આ નિર્ણય મોટો આંચકો છે કેમ કે યુએઈ છેલ્લાં 60 વર્ષથી ઓપેકનું સભ્ય હતું. સઉદી અરેબિયા અને ઈરાન પછી વિશ્વમાં સૌથી મોટો ક્રૂડનો અનામત જથ્થો ધરાવતા યુએઈ સાઉદી અરેબિયા, ઈરાક અને ઈરાન પછી ક્રૂડ ઉત્પાદનમાં ચોથો સૌથી મોટો દેશ હતો. તેના કારણે ઓપેકના દેશો ક્રૂડના ભાવ અને ઉત્પાદન બંને મનફાવે એમ નક્કી કરીને આખી દુનિયાને પોતાના ઈશારે નચાવી શકતા હતા. હવે યુએઈ જેવો મોટો ઉત્પાદક દેશ સાથે નહીં હોય તેથી ઓપેકનાં વળતાં પાણી શરૂ થશે એવી ધારણા છે.

ભારતીય મીડિયા યુએઈના નિર્ણય માટે સઉદી અરેબિયા અને પાકિસ્તાનની વધતી નિકટતાને જવાબદાર ગણાવે છે પણ વાસ્તવમાં યુએઈના નિર્ણય પાછળ અમેરિકાનો દોરીસંચાર છે. એક સમયે ઓપેક અમેરિકાનું બગલબચ્ચું હતું કેમ કે સઉદી પૂરેપૂરું અમેરિકાના પડખામાં ભરાયેલું હતું. 

અમેરિકાના ઈશારે સઉદી સહિતના ઓપેકના સભ્ય દેશો ભેગા મળીને ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ નક્કી કરતા તેથી અમેરિકા ઈચ્છે ત્યારે ભાવ ઘટાડે ને ઈચ્છા થાય ત્યારે વધારે. ઉત્પાદન ઘટાડીને કૃત્રિમ અછત ઊભી કરે એટલે ભાવ ઊંચકાય. તગડી કમાણી થાય પછી ઉત્પાદન વધારીને ભાવ થોડા ઘટાડી દે. આ ખેલ વરસોથી ચાલે છે. તેના કારણે ઓપેક દેશો અમીર થયા જ્યારે બીજા દેશો લૂંટાય છે.

છેલ્લાં કેટલાંક વરસોમાં સમીકરણો બદલાયાં છે કેમ કે સાઉદી અરેબિયા અમેરિકાને છોડીને ચીન અને રશિયાના પડખામાં ભરાવા લાગ્યું છે. રશિયા ઓછી વસતી ધરાવતો દેશ હોવાથી તેની ક્રૂડ ઓઈલની બહુ જરૂરિયાત નથી જ્યારે ચીનની જરૂરિયાતો સઉદી અરેબિયા પાસેથી સંતોષાય છે તેથી રશિયા-ચીને ક્રૂડના ભાવો નક્કી કરવા સાઉદીને છૂટ આપી છે. તેનો લાભ લઈને સાઉદીની દાદાગીરી વધી છે અને સઉદી અમેરિકાને પણ ગણકારતું નથી. 

અમેરિકા માટે ઓપેક દુનિયા પર દાદાગીરી કરવાનું મોટું શસ્ત્ર હતું. આ શસ્ત્ર છિનવાઈ રહ્યું છે તેથી ભડકેલા અમેરિકાએ દુનિયાના ક્રૂડ ઓઈલના ભંડારો પર પોતે જ કબજો કરવાનું નક્કી કર્યું છે. તેના ભાગરૂપે વેનેઝુએલા પર આક્રમણ કર્યું ને પછી ઈરાન પર આક્રમણ કર્યું.

વેનેઝુએલાના ભંડારો હવે અમેરિકાના નિયંત્રણ હેઠળ છે જ્યારે ઈરાને મચક આપી નથી તેથી અમેરિકાએ નવી વ્યૂહરચના અપનાવી છે. અમેરિકાએ હવે પોતાના આંગળિયાત એવા ગલ્ફના દેશોને ઓપેકથી અલગ કરીને સઉદીનું વર્ચસ્વ ઘટાડવાનો ખેલ શરૂ કર્યો છે. તેના ભાગરૂપે યુએઈ ઓપેકમાંથી નીકળી ગયું ને ભવિષ્યમાં કુવૈત પણ નીકળી શકે છે. આ બંને દેશોની એક્ઝિટના કારણે ઓપેક સાવ પાંગળું બની જાય. 

બીજી તરફ યુએઈ કે કુવૈત જેવા દેશો પોતાના જોરે ટકી શકે તેમ નથી. પોતાના રક્ષણ માટે તેમને અમેરિકા જેવા જગત જમાદારની જરૂર છે જ અને આ દેશો તેના ઈશારે જ નાચવાના છે તેથી ક્રુડના બજાર પર અમેરિકાનું સીધું નિયંત્રણ થઈ જશે.

યુએઈ ઓપેકની બહાર નીકળે તેના કારણે ભારત સહિતના દેશોને ફાયદો થઈ શકે છે. યુએઈ ઓપેકમાં ના હોય એટલે રોજ કેટલું ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરવું તેની ટોચમર્યાદા તેને લાગુ ના પડે તેથી એ ધારે એટલું ક્રુડ બહાર કાઢી શકે ને દુનિયાભરમાં વેચી શકે. આ ક્રૂડના ભાવ પણ એ પોતાની રીતે નક્કી કરી શકે કેમ કે ઓપેકનાં બંધનો તેને ના નડે. જેની સાથે પોતાનાં આર્થિક હિતો જોડાયેલાં હોય ને સારા સંબંધો હોય એવા દેશોને ઓછા ભાવે ક્રૂડ ઓઈલ આપી શકે. 

યુએઈએ હવે ક્રૂડ ઓઈલના ઉત્પાદન માટે કોઈને જવાબ નથી આપવાનો તેથી પોતાની આર્થિક જરૂરિયાતો પ્રમાણે ક્રૂડ ઉત્પાદન કરી શકે છે. સઉદી અરેબિયા પોતાની મનમાની ચલાવીને ક્રૂડનું ઉત્પાદન ક્યારે વધારવું ને ક્યારે ઘટાડવું એ નક્કી કરી નાખે છે. આ જોહુકમીમાંથી છૂટ્યા પછી યુએઈ પોતાનાં હિતો અને આર્થિક ફાયદા માટે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારી શકે છે. યુએઈ ઉત્પાદન વધારે તેના કારણે બજારમાં વધારે પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ થાય તેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ કાબૂમાં રહે એ પણ મોટો ફાયદો છે.

ભારત અને યુએઈના આર્થિક સંબંધો અત્યંત મજબૂત છે તેથી યુએઈનો નિર્ણય ભારત માટે તો વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભારત અને યુએઈ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તેથી ભારત મોટા પ્રમાણમાં યુએઈમાં નિકાસ કરે છે. સામે ભારત યુએઈ પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ પણ ખરીદે છે પણ યુએઈ ઓપેકનું સભ્ય હોવાથી ભારતે ફરજિયાતપણે અમેરિકન ડૉલરમાં ચૂકવણી કરવી પડતી. 

યુએઈને ઓપેકનાં ધારાધોરણ લાગુ ના પડે એ સંજોગોમાં ભારત અને યુએઈ ભારતીય માલના બદલામાં ક્રૂડ ઓઈલની ગોઠવણ કરી શકે. જે કંપનીઓ યુએઈમાં નિકાસ કરતી હોય એ કંપનીઓને કરવેરામાં જે બીજી રીતે રાહત આપીને ભારત સરકાર યુએઈની કંપનીઓ પાસેથી લેવાનાં થતાં નાણાં સીધાં રૂપિયામાં ભારતમાં જ મળી જાય એવી ગોઠવણ પણ કરી શકે. તેના કારણે ભારતનું વિદેશી હૂંડિયામણ બચી જાય એ ફાયદો થાય. આ ગોઠવણ બંને માટે ફાયદાકારક છે કેમ કે તેના કારણે યુએઈનો વિદેશી હૂંડિયામણ ભંડાર પણ ખાલી ના થાય. આ સંજોગોમાં યુએઈ ભારત પાસેથી નિકાસ વધારે ને ભારતને મોટો ફાયદો કરાવી દે એવું બને.