વોશિંગ્ટન: ફરી એકવાર વિદેશમાં ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના રહેવાસી મેઘના પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ઘટના પાછળ લૂંટનો ઇરાદો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો અનુસાર, મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના રહેવાસી મૃતક મેઘના પટેલ તેના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતાં. અહેવાલો અનુસાર, જાહેરમાં જ એક દુકાનની અંદર તેના પર એક અજાણ્યા શખ્સે આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. બાદમાં ગોળી વાગવાથી તેનું મોત નીપજ્યું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ ગ્રાહક તરીકે દુકાનમાં પ્રવેશતો જોવા મળ્યો છે. તે ટ્રેકસૂટ, જેકેટ, મોજા, ફેસ માસ્ક અને ટોપી પહેરેલો જોવા મળ્યો હતો.
સીસીટીવી ફૂટેજ મુજબ, તે વ્યક્તિએ થોડીવારમાં ગોળીબાર કરતા પહેલા મેઘના પટેલ સાથે ટૂંકી વાત કરી હતી. બાદમાં તે ટેબલ પરથી કંઈક લેતો અને પછી સ્થળ છોડીને નાસી છૂટ્યો હતો. આ અંગે પોલીસ અધિકારીઓને લૂંટના ઈરાદાથી ગોળીબાર કરવામાં આવ્યો હોવાની આશંકા છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.