Tue May 26 2026

Logo

નવસારીના પહેલા મેયર તરીકે સૌરાષ્ટ્રવાસી પાટીદારની નિમણૂક, પાટીલના છે ખાસ

2 hours ago
Author: Mayur Patel
Article Image

નવસારીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન થયું હતું. જેના એક મહિના બાદ વિવિધ મહાનગરોના પદાધિકારીઓની નિમણૂક થઈ રહી છે. નવસારીના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની વરણી થઈ હતી.  જ્યારે પ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત અને દંડક તરીકે રાકેશ પટેલ ના નામ જાહેર કરાયા હતા. 

કોણ છે અશોક ધોરાજીયા

અશોક ધોરાજીયાની નવસારી ભાજપ સંગઠન અને સ્થાનિક રાજકારણમાં મજબૂત પકડ છે. તેઓ સૌરાષ્ટ્રના પાટીદાર છે, તેમજ સી આર પાટીલના ખાસ માનવામાં આવે છે.  અશોક ધોરાજીયા 1984માં ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય બન્યા હતા. 1990માં જિલ્લા મહામંત્રી બન્યા હતા. 1996માં અવિભાજિત વલસાડ જિલ્લાના પ્રમુખ બન્યા હતા. 2011માં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા હતા. આ ઉપરાંત જાણીતા વીરવાડી મંદિરના તેઓ છેલ્લા 21 વર્ષથી પ્રમુખ છે. આદિવાસી પટ્ટામાં ભાજપને વિજય બનાવવામાં તેમનો સિંહ ફાળો છે. 

અશોક ધોરાજીયા નવસારી જીલ્લા ભાજપના સંગઠનમાં મહામંત્રી  જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. નવસારી શહેર અને જીલ્લાના ભાજપના શાસન અને ચૂંટણી વ્યૂહરચનામાં તેમની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. રાજકારણ ઉપરાંત તેઓ નવસારીમાં વસતા સૌરાષ્ટ્ર પંથકના પાટીદાર સમાજ અને અન્ય સામાજિક સંગઠનોમાં પણ મોભી તરીકે સેવાઓ આપે છે. શૈક્ષણિક અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં તેઓ અવારનવાર અગ્રેસર રહે છે.