રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની 300 કિલોગ્રામ સોનાની ખરીદી
મુંબઈઃ વર્તમાન કેલેન્ડર વર્ષ 2026ના પહેલા ત્રિમાસિકગાળામાં અર્થાત્ ગત જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભૂરાજકીય તણાવ વધતાં મુખ્યત્વે સોનાની લગડી અને કોઈનની માગ 42 ટકા વધીને 474 ટનની સપાટીએ રહેતાં સોનાની કુલ માગ બે ટકા વધીને 1231 ટનના સ્તરે રહી હોવાનું તાજેતરમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે એક અહેવાલમાં જણાવ્યું હતું. તેમ જ આ સમયગાળામાં ભારતીય રિઝર્વ બૅન્કે 300 કિલોગ્રામ સોનાની ખરીદી કરી હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું.
ગત બુધવારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જાહેર કરેલા ક્યુ વન-2026 ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ અહેવાલમાં જણાવ્યું હતું કે વર્ષ 2026ના પહેલા ત્રિમાસિકગાળામાં ઓટીસી સહિત સોનાની માગ વર્ષ 2025ના સમાનગાળાના 1205 ટન સામે બે ટકા વધીને 1231 ટનની સપાટીએ રહી હતી. તેમ જ સમીક્ષા હેઠળના સમયગાળામાં સોનાના વૈશ્વિક ભાવ ગત વર્ષ 2025ના સમાનગાળાના આૈંસદીઠ 2860 ડૉલર સામે 81 ટકા વધીને 4873 ડૉલરની સપાટીએ રહ્યા હોવાથી મૂલ્યની દૃષ્ટિએ માગ વિક્રમજનક 74 ટકા વધીને 193 અબજ ડૉલરના સ્તરે રહી હતી.
વર્ષ 2026ના પહેલા ત્રિમાસિકગાળામાં ભૂરાજકીય તણાવને કારણે સોનામાં રિટેલરોની સલામતી માટેની માગ પ્રબળ રહેતાં સોનાની લગડી અને કોઈન અથવા તો સિક્કાની માગમાં 42 ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાનું કાઉન્સિલના ભારત ખાતેનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સચિન જૈને જણાવ્યું હતું.
કાઉન્સિલની આંકડાકીય માહિતી અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળામાં ચીન ખાતે લગડી અને કોઈનની માગમાં વર્ષાનુવર્ષ ધોરણે 67 ટકા વધીને 207 ટનના સ્તરે રહી હતી. આ સિવાય પૂર્વની અન્ય બજારો જેમ કે ભારત, દક્ષિણ કોરિયા અને જાપાનમાં પણ આભૂષણોને સ્થાને રોકાણલક્ષી માગમાં બદલાવ જોવા મળ્યો હતો.
તેમ જ અમેરિકા અને યુરોપ ખાતે પણ સોનાની લગડી અને કોઈનની માગમાં અનુક્રમે 14 ટકા અને 50 ટકાનો વધારો થયો હતો. વધુમાં આ સમયગાળા દરમિયાન સોનાના એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડોમાં ખાસ કરીને એશિયામાં લિસ્ટેડ ફંડોમાં 84 ટનનો ઉમેરો થતાં ફંડોના કુલ હોલ્ડિંગમાં 62 ટનનો વધારો થયો હતો. જોકે, અમેરિકી લિસ્ટેડ ફંડોમાં ખાસ કરીને માર્ચ મહિનામાં નોંધપાત્ર બાહ્યપ્રવાહ રહ્યો હતો.
કાઉન્સિલના જણાવ્યાનુસાર ગત જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સોનાની ભાવસપાટી ઊંચી રહી હોવાથી આભૂષણો માટેની માગ વર્ષાનુવર્ષ ધોરણે 23 ટકાના ઘટાડા 300 ટનની સપાટીએ રહી હતી. જેમાં મુખ્યત્વે ચીન, ભારત અને મધ્યપૂર્વના દેશોમાં આભૂષણો માટેની માગમાં અનુક્રમે 32 ટકાનો, 19 ટકાનો અને 23 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
તેમ છતાં ઊંચા ભાવને કારણે સમીક્ષા હેઠળના સમયગાળામાં મૂલ્યની દૃષ્ટિએ આભૂષણો માટેની માગમાં વૃદ્ધિ જોવા મળી છે. બજારના વિશ્લેષકોના મતાનુસાર ચીન અને ભારતની બજારોમાં જે અગાઉ મૂળભૂતપણે આભૂષણો માટેની માગ રહેતી હતી તેમાં બદલાવ આવ્યો છે અને હવે લગડી અને કોઈનની માગ વધી છે અને આભૂષણો માટેની માગ ઘટી છે.
વધુમાં સમીક્ષા હેઠળના સમયગાળામાં કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલીનો ટેકો મળતાં વૈશ્વિક અનામતોમાં 244 ટનનો ઉમેરો થયો હતો. આ સમય દરમિયાન સેન્ટ્રલ બૅન્ક ઑફ રિપબ્લિક ઑફ તુર્કી, સેન્ટ્રલ બૅન્ક ઑફ રશિયન ફેડરેશન અને અઝરબાઈજાનના સ્ટેટ ઑઈલ ફંડ દ્વારા સોનામાં થોડીઘણી વેચવાલી રહી હોવા છતાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી આગલા ત્રિમાસિકગાળા અને છેલ્લાં પાંચ વર્ષની સરેરાશ કરતાં વધુ ખરીદી જોવા મળી છે. તેમ જ ગત જાન્યુઆરીથી માર્ચ, 2026 દરમિયાન રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની 300 કિલોગ્રામ સોનાની નવી ખરીદી રહી હોવાનું કાઉન્સિલે ઉમેર્યું હતું.
વધુમાં કાઉન્સિલના અહેવાલ અનુસાર આ સમયગાળામાં સોનાનો પુરવઠો વર્ષાનુવર્ષ ધોરણે બે ટકા વધીને 1231 ટનના સ્તરે રહ્યો હતો. તેમ જ પહેલા ત્રિમાસિકગાળામાં ખાણોમાં ઉત્પાદન વિક્રમ સપાટીએ રહ્યું હતું, જ્યારે ભાવમાં ઉછાળો આવ્યો હોવા છતાં રિસાઈકલિંગમાં માત્ર પાંચ ટકાનો વધારો થયો હતો જે દર્શાવે છે કે બજારની સ્થિતિ તંગ હોવા છતાં પુરવઠા સ્થિતિ જળવાઈ રહી હતી.
કાઉન્સિલના વરિષ્ઠ વિશ્લેષક લુઈસ સ્ટ્રીટે જણાવ્યું હતું કે વર્ષ 2026માં ભાવમાં ચંચળતાનું વલણ જોવા મળ્યું હતું કે જાન્યુઆરીના આરંભમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 5400 ડૉલર સુધી પહોંચ્યા બાદ કરેક્શન જોવા મળ્યું હતું, પરંતુ પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ વધવાની સાથે સલામતી માટેની માગ અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો ટેકો જળવાઈ રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. જોકે, ભવિષ્યમાં ભૂરાજકીય જોખમોને ધ્યાનમાં લેતા રોકાણલક્ષી માગ જળવાઈ રહેશે, પરંતુ ઊંચા વ્યાજદરને કારણે ભાવમાં વધારો મર્યાદિત રહેશે. તેમ જ આગામી દિવસોમાં ઊંચી ભાવસપાટીને કારણે આભૂષણો માટેની માગ દબાણ હેઠળ રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.