Sat May 02 2026

Logo

આખા દિવસના ડ્રામા બાદ ઉદ્ધવ ઠાકરે સમક્ષ કૉંગ્રેસ, ભાજપ, શિવસેના નતમસ્તક

2 days ago
Author: Vipul Vaidya
Article Image

ઉદ્ધવ ન લડે તો ઉમેદવાર આપવાની જાહેરાત, પરંતુ અંબાદાસ દાનવેના ઉમેદવારી ભર્યા પછી પારોઠનાં પગલાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની 10 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. વિધાનસભા પરિષદની 9 બેઠકો માટે નિયમિત ચૂંટણી અને એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણી હવે બિનવિરોધ થશે એવું લગભગ નક્કી થઈ ગયું છે ત્યારે આખા દિવસના હાઈ ડ્રામા પછી ઉદ્ધવ ઠાકરેના નિર્ણય સામે કૉંગ્રેસ, ભાજપ અને શિવસેનાને પણ નતમસ્તક થવું પડ્યું તેની ચર્ચા રાજકીય વર્તુળોમાં સૌથી વધુ થઈ રહી છે. 

અહીં ઉલ્લેખનીય છે કે ગયું આખું અઠવાડિયું કૉંગ્રેસ જ નહીં, ભાજપ અને શિવસેનાએ એવું ગાણું ગાયું હતું કે ઉદ્ધવ ઠાકરે ચૂંટણી લડશે તો જ બિનવિરોધ ચૂંટણી થશે અન્ય કોઈપણ ઉમેદવાર આપવામાં આવશે તો તેની સામે અમે ઉમેદવાર ઊભા રાખીશું. બુધવારે ઉદ્ધવ ઠાકરેએ શિવસેના (યુબીટી) તરફથી ઉમેદવાર તરીકે વિધાન પરિષદના ભૂતપૂર્વ વિપક્ષી નેતા અંબાદાસ દાનવેનું નામ જાહેર કર્યું ત્યારપછી વિધાન પરિષદની ચૂંટણીમાં ઉમેદવાર આપવાની જાહેરાત સૌથી પહેલાં કૉંગ્રેસે કરી હતી. 

આવી સ્થિતિમાં વિધાન પરિષદની ચૂંટણીમાં રંગ જામે એવી શક્યતા જોવાઈ રહી હતી. એકનાથ શિંદે પણ આ ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉતારવા માગે છે એવા પણ અહેવાલો ફરતા થયા હતા અને જાણે બધા જ ઉદ્ધવ ઠાકરેને પછડાટ આપવા સજ્જ થયા હતા, પરંતુ ગુરુવારનો દિવસ અલગ જ ઉગ્યો હતો. 
ઉદ્ધવ ઠાકરેના સંદેશવાહકો કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળ અને અન્યો સાથે ચર્ચા કરવા પહોંચ્યા હતા અને ઉદ્ધવ ઠાકરેએ પોતે પાર્ટીના દિલ્હીના નેતાઓ રમેશ ચેન્નીથલા અને ખર્ગે સાથે વાત કરી હતી. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં કૉંગ્રેસ આગામી વર્ષે ખાલી થનારી રાજ્યસભાની બેઠકનો આગ્રહ રાખી રહી હતી અને આ બેઠક સંજય રાઉતની હોવાથી સમાધાન થઈ રહ્યું નહોતું. 

આ બધાની વચ્ચે કૉંગ્રેસના સિનિયર નેતા વિજય વડેટ્ટીવાર ઉમેદવાર માટેનું આવશ્યક એબી ફોર્મ લઈને વિધાનભવન પહોંચી ગયા હતા, જ્યાં ઉમેદવારીપત્રકો સ્વીકારવામાં આવી રહ્યા હતા. આખરે  ઉમેદવારી પત્રક ભરવાની મુદત પૂરી થવાને અડધો કલાક બાકી હતો ત્યારે હર્ષવર્ધન સપકાળે એવી જાહેરાત કરી હતી કે કૉંગ્રેસ ઉમેદવાર નહીં આપે અને અંબાદાસ દાનવે એમવીએના સત્તાવાર ઉમેદવાર રહેશે. 

કૉંગ્રેસની જાહેરાત બાદ એકનાથ શિંદેએ પણ વધારાના ઉમેદવાર આપવાના ન હોવાની જાહેરાત કરી હતી, તેમ જ ભાજપે પણ વધારાના ઉમેદવાર આપવાના ન હોવાની જાહેરાત કરી હતી. આ બધા પરથી ઉદ્ધવ ઠાકરેના નિર્ણય સામે બધાને ઝૂકવું પડ્યું હોવાનું દર્શાવે છે.