Thu Apr 30 2026

Logo

રાપરના અમરાપરમાં તળાવમાં ન્હાવા પડેલા 15 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ કચ્છ જિલ્લામાં ગરમીના પ્રકોપ વચ્ચે જળાશયોમાં ન્હાવા જવાનું જોખમી સાબિત થઈ રહ્યું છે. રાપર તાલુકાના પલાંસવા નજીક આવેલા અમરાપર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં તળાવમાં ન્હાવા ગયેલા ૧૫ વર્ષીય કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. અંદાજે ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કિશોરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. 15 વર્ષીય કિશોરનું અકાળે મોત થતા સમગ્ર પંથકમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. 

પ્રાપ્ત વિગતો અનુસાર, અમરાપર ગામના તળાવમાં ચાર મિત્રો ન્હાવા માટે ગયા હતા. ગરમીથી રાહત મેળવવા પાણીમાં ઉતરેલા આ કિશોરો પૈકી ૧૫ વર્ષીય કિશોરનો અચાનક પગ લપસી ગયો હતો. પગ લપસતાની સાથે જ તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેની સાથેના અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા.

ત્રણ કલાકની ભારે જહેમત બાદ કિશોરનો મૃતદેહ મળ્યો

ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી, જેના પગલે ભચાઉ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કિશોરને શોધવા માટે ફાયર વિભાગ દ્વારા આધુનિક કેમેરા અને સાધનોની મદદ લેવામાં આવી હતી. અંદાજે ત્રણ કલાકની ભારે જહેમત બાદ કિશોરનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. માસૂમ પુત્રના અકાળે મોતના સમાચાર મળતા જ અમરાપર ગામમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારે વ્હાલસોયા પુત્રને ગુમાવતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)