અમદાવાદ: શહેરમાં ફિલ્મી કહાણી જેવી એક સત્ય ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વટવાના કુતુબનગર વિસ્તારમાં વર્ષો જૂના રહસ્ય પરથી પડદો ઊંચક્યો છે. 34 વર્ષ પહેલા થયેલી એક હત્યાનો ભેદ ત્યારે ઉકેલાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે વટવાના કુતુબનગર વિસ્તારમાંથી પોલીસે એક બંધ મકાનમાં ૨૦ ફૂટ ઊંડો ખાડો ખોદીને માનવ કંકાલ બહાર કાઢ્યું છે. ચાલા જોઈએ શું છે સમગ્ર મામલો....
શું હતો સમગ્ર મામલો?
ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, કથિત રીતે ફરજાના નામની મહિલાનું કંકાળ મળી આવતા સમગ્ર મામલે કુતુહલ સર્જાયો છે. આ મહિલા કથિત રીતે દેહવ્યાપાર સાથે સંકળાયેલી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. દેહવ્યાપાર સાથે સંકળાયેલી હોવાના કારણે પરિવારે તેનાથી સંબંધ તોડી નાખ્યો હતો. ત્યાર બાદ ફરજાના નામની યુવતીના લગ્ન સમસુદ્દીન સાથે થયા હતા. જોકે, લગ્ન બાદ પણ ફરજાનાએ તેની પ્રવૃત્તિઓ ચાલુ રાખતા સમસુદ્દીને તેને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો.
આ રીતે ઘડાયું હત્યાનું કાવતરું
સમસુદ્દીને તેના ભાઈ ઇકબાલ અને મિત્ર અબ્દુલ કરીમ સાથે મળીને હત્યાનું આયોજન કર્યું હતું. સાલિયા બીબીના ઘરમાં અગાઉથી જ ખાળકૂવાને બહાને 20 ફૂટ ઊંડો ખાડો ખોદાવ્યો હતો. એક રાત્રે ફરજાના ઊંઘતી હતી ત્યારે તેનું ગળું દબાવી હત્યા કરી લાશને એ જ ખાડામાં દફનાવી દીધી અને ઉપર પ્લાસ્ટર કરી દીધું જેથી કોઈને શંકા ન જાય. પરંતુ આ પાપ આખરે ક્યાં સુધી છુપાઈ શકે! કોઈ પણ ગુનો કર્યો હોય પણ એક દિવસ તો એ પાપ પ્રકાશમાં આવી જ જતું હોય છે.
'ભૂતિયા' મકાનનું રહસ્ય
વટવાના કુતુબનગરના પ્લોટ નંબર 10ના આ મકાનમાં છેલ્લા 5-7 વર્ષથી કોઈ રહેતું નહોતું. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા હતી કે અહીં મૃતકનો આત્મા ભટકે છે અને રહેવા આવનારને પરેશાન કરે છે. આ અંધશ્રદ્ધા કે માન્યતા વચ્ચે ક્રાઈમ બ્રાંચને સચોટ બાતમી મળી અને ખોદકામ કરતા સત્ય સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યાં પ્રમાણે કંકાળના DNA ટેસ્ટ દ્વારા આગળની સત્ય હકીકત જાણવા મળશે. ક્રાઈમ બ્રાંચના ACP ના જણાવ્યાં પ્રમાણે, મળી આવેલું હાડપિંજર ફરજાનાનું જ છે તેની ખાતરી કરવા DNA ટેસ્ટ કરવામાં આવશે. મૃતકના ભાઈના DNA સાથે નમૂના સરખાવવામાં આવશે. ત્યાર બાદ આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. અત્યારે પોલીસ દ્વારા જેને સિવિલ હૉસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. ડીએનએની તપાસ કરવામાં આવે તેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચોંકાવનારી વાત એ છે કે, આ કેસમાં ચાર આરોપી છે અને તેમાંથી બે આરોપીઓનું મૃત્યું થઈ ગયું છે. જ્યારે બે આરોપી હજી પણ જીવત છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આરોપીઓ સાલિયા બીબી અને અબ્દુલ કરીમ કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે. જ્યારે સમસુદ્દીન અને ઇકબાલ હજી જીવત છે. DNA ટેસ્ટ કર્યાં બાદ આ કેસમાં કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.