મુકેશ પંડ્યા
ગયે અઠવાડિયે આપણે વાત કરી હતી તે મુજબ હવે આપણે જોઈએ કે સનાતન ધર્મની યોગ પરંપરા અને હનુમાન વચ્ચે શું સંબંધ છે?
આપણે અગાઉ પણ એ વાતની ચર્ચા કરી હતી કે સનાતન ધર્મને અનેક સાધુ, સંતો અને ઋષિ મુનિઓએ પાળ્યો, પોષ્યો અને સિંચ્યો છે. વેદ ઉપનિષદના જ્ઞાન ગ્રહણ કરીને તેને અનેક પ્રયોગો દ્વારા સામાન્ય લોકો માટે સુલભ બનાવ્યું છે. આવા જ એક ઋષિ એટલે પતંજલિ ઋષિ. તેમને આધુનિક વિશ્વમાં ‘યોગના જનક’ તરીકે ઓળખવામાં આવે છે.
આજે તેમનું ‘યોગસૂત્ર’ માત્ર ભારત જ નહીં પૂરા વિશ્વમાં પ્રસિદ્ધિ પામી રહ્યું છે. ઈ. સ. પૂર્વે બીજી સદી એટલે કે આજથી લગભગ 2200 વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશના ગોંડા (ગોર્નાધ) ખાતે જન્મ થયો હતો અને પાછળથી કાશીમાં નિવાસ કર્યો હોવાનું મનાય છે. તેમને શેષનાગનો અવતાર પણ માનવામાં આવે છે.
માનસિક શક્તિઓ, યોગાભ્યાસ, સમાધિ અને કૈવલ્ય જેવા ચાર પાદોમાં વહેંચાયેલા આ પતંજલિ રચિત ‘યોગસૂત્ર’ ગ્રંથમાં તેમણે અષ્ટાંગ યોગ (યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ)નું વર્ણન કર્યું છે.
હવે ખાટલે મોટી ખોડ એ છે કે આજનો ફાસ્ટ યુગનો માણસ માત્ર યોગના એક જ અંગ એટલે કે આસન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે તેને ફક્ત શરીર ચુસ્ત રાખવું છે. વધુમાં વધુ એ થોડો પ્રાણાયામ કે મેડિટેશન કરી લે છે. ચાલો સારું છે એટલું કરવાથી પણ તેને સ્વસ્થ તનમનના લાભ તો મળે જ છે.
જોકે જેને અશક્યતાને શક્યતા માં ફેરવી શક્તિ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે કે પરમાત્માની સમીપ જવું છે તેમને માટે તો અષ્ટાંગ યોગના આ આંઠે યોગની સમજણ મેળવવી અને એ પ્રમાણેનું આચરણ કરવું જરૂરી છે. હનુમાનજી આ યોગસૂત્રના આ આઠે અંગોને જીવનમાં ઉતારતા વ્યક્તિત્વનું સર્વોચ્ચ ઉદાહરણ છે.
પતંજલિ યોગસૂત્રના ત્રીજા અધ્યાય ‘વિભૂતિ પાદ’માં આધ્યાત્મિક સાધના અને સંયમ દ્વારા પ્રાપ્ત થતી અલૌકિક શક્તિઓ એટલે કે સિદ્ધિઓનું વર્ણન છે. હનુમાનજીને ‘અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ કે દાતા’ કહેવામાં આવે છે. પતંજલિએ દર્શાવેલી અણિમા (નાનું સ્વરૂપ ધારણ કરવું), મહિમા (મોટું સ્વરૂપ ધારણ કરવું), ગરિમા (શરીરનું વજન વધારવું ) લઘિમા (શરીર હળવુ ફૂલ બનાવવું ), પ્રાપ્તિ (ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવી), પ્રાકામ્ય (મનની દરેક ઇચ્છા પૂર્ણ થવી અને પાણી કે ધરતીમાં ગમે ત્યાં ગાયબ થઈ શકવું.
હનુમાન અંશ ફિલ્મ જેમણે જોઈ છે તેમને ખ્યાલ હશે કે બાબા નીમ કરોલી પાણીમાં ગાયબ થઈ કલાકો સુધી ધ્યાન સાધના કરી શકતા હતાં.), ઈશત્વ ( દૈવી શક્તિઓ - પ્રભુત્વ પ્રાપ્ત થવું), વશિત્વ (કોઈપણ જીવ કે વ્યક્તિને પોતાના નિયંત્રણમાં કે વશમાં કરી શકવું ),જેવી આઠ સિદ્ધિઓ હનુમાનજી પાસે ઉપલબ્ધ હતી, જેનો ઉપયોગ તેમણે રામાયણ કાળમાં કરી આસુરી શક્તિ પર વિજય મેળવ્યો હતો.
યોગસૂત્રમાં ‘પ્રાણાયામ’ (શ્વાસ પર નિયંત્રણ) ને મનની સ્થિરતા માટે અનિવાર્ય ગણાવ્યું છે. હનુમાનજી પોતે ‘પવનપુત્ર’ (વાયુદેવના પુત્ર) છે. આધ્યાત્મિક દૃષ્ટિએ, વાયુ પર વિજય મેળવવો એટલે પ્રાણશક્તિ પર પૂર્ણ નિયંત્રણ મેળવવું. હનુમાનજીનો વેગ અને તેમની અખંડ શક્તિ એ સાબિત કરે છે કે તેઓ પતંજલિના પ્રાણાયામ જેવા સૂત્રોના પરમ સિદ્ધ સાધક હતા.
અષ્ટાંગ યોગના પ્રથમ બે અંગ યમ અને નિયમ પ્રમાણે જીવવું આજના સામાન્ય માણસ માટે ઘણું અઘરું છે, પરંતુ આવા અઘરા કાર્યો કરી શકે એ જ સિદ્ધ પુરુષ બની શકે છે. હનુમાનજી એ કરી બતાવ્યું છે. તેમણે આ આઠે અંગને કેવી રીતે આત્મસાત કર્યા એ ટૂંકમાં જોઈએ.
યમ અને નિયમ: તેમનું અખંડ બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સત્ય અને શૌચ (શુદ્ધતા), તપસ્યા, પ્રભુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ ભાવ.
આસન અને પ્રાણાયામ: તેમની સ્થિરતા અને અજોડ શારીરિક-માનસિક બળ.
પ્રત્યાહાર અને ધારણા: લંકા જેવી વૈભવી નગરીમાં પણ અલિપ્ત રહીને માત્ર શ્રીરામમાં જ ધ્યાન કેન્દ્રિત રાખવું.
ધ્યાન અને સમાધિ: હનુમાનજી નિરંતર રામ-નામની સમાધિમાં લીન રહે છે.
હનુમાનજીએ પોતાના અહંકાર અને મનની તમામ વૃત્તિઓને ભગવાન શ્રીરામના ચરણોમાં સમર્પિત કરી દીધી હતી. જ્યારે કોઈ સાધક સંપૂર્ણ શરણાગતિ (ઈશ્વર પ્રણિધાન) સ્વીકારે છે, ત્યારે તેનું મન આપોઆપ સ્થિર થઈ જાય છે, જે પતંજલિના યોગનું અંતિમ લક્ષ્ય છે.
ટૂંકમાં, મહર્ષિ પતંજલિએ જે યોગના નિયમો ગ્રંથ સ્વરૂપે આપ્યા છે તેવા નિયમોને હનુમાનજીએ યુગો પૂર્વે પોતાના જીવનમાં ઉતારીને એક આદર્શ યોગીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નવરાત્રિ : સાધના માટે શ્રેષ્ઠ સમય
હનુમાનજી જેવી સિદ્ધિઓ મેળવવા માટે ઘણા સાધકો નવરાત્રિને શ્રેષ્ઠ સમય માને છે. આ સમય દરમ્યાન કરાતા ઉપવાસ અને પળાતા બ્રહ્યચર્ય આપોઆપ અષ્ટાંગ યોગના પ્રથમ બે અંગ યમ અને નિયમ પાળવામાં ખૂબ જ મદદરૂપ નીવડે છે. બાકીના છ અંગોનું પાલન કરવા માટે પણ શરદ ઋતુની આ રાત્રિઓ સહાયરૂપ બને છે. આસો સુદ એકમથી લઈને અમાસ સુધીની તમામ રાત્રિઓ યોગ સાધના માટે ઉપયોગી છે.
જગત જનની માતા દુર્ગા રૂપી શક્તિ અને સિદ્ધિદાત્રીને અવકાશમાંથી પૃથ્વી પર ઉતરતા કોઈ જાતના અવરોધ નડતા નથી. જે વરસાદ વરસવાનો હતો એ અષાઢ, શ્રાવણ અને ભાદરવામાં વરસી ગયો. હવે આકાશ એકદમ ચોખ્ખું અને વાદળ રહિત બની જાય છે. ઘણા વખતે આપણને પૂનમના ચાંદનો લાભ મળે છે. એટલે જ તો સામાન્ય માણસ પણ શરદ પૂર્ણિમા ઉત્સાહથી ઉજવે છે.
વાદળોનો અવરોધ હટવાથી ચંદ્રના કિરણો બમણી સ્ફૂર્તિથી પૃથ્વી તરફ ધસી આવે છે. આ સમયે માત્ર ચંદ્ર જ નહીં પરંતુ સૂર્ય સહિત અનેક ગ્રહો અને દેવોની કોસ્મિક એનર્જી પૃથ્વી પર વિના અવરોધ પૂરજોશમાં આવતી હોય છે. જેમ બંધના દરવાજા ખૂલે અને પાણીનો પ્રચંડ પ્રવાહ ધસમસે એમ વાદળાના આવરણ હટતાં જ બ્રહ્માંડકીય શક્તિનો ધોધ પૃથ્વી તરફ વછૂટવા લાગે છે.
રાત્રિના સમયમાં જ્યારે માણસ સહિત તમામ પ્રાણી જગત જંપી જાય, વાહનો અને ઉદ્યોગનો ઘોંઘાટ શમી જાય ત્યારે નિરવ વાતાવરણમાં ધ્યાન કેન્દ્રિત કરીએ તો આ કોસ્મિક એનર્જી ઝીલી લેવા માટે જે પાત્રતા મેળવવી પડે એ મેળવવામાં સહાયતા મળે છે. હનુમાનજી પાસે આવી પાત્રતા હતી એટલે તેઓ અનેક શક્તિઓ અને સિદ્ધિઓ મેળવી શક્યા હતા.