સાંતાક્રુઝમાં મોસમનો સરેરાશ ૨,૦૦૦ મિ.મી.થી વધુ વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત થાણે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન(એમએમઆર)માં મંગળવારથી વરસાદનું લાંબા વિરામ બાદ પુનરાગમન થયું છે. હવામાન વિભાગે મુંબઈ સહિતના એમએમઆર રિજન માટે યલો અલર્ટ જારી કર્યું હતું, જે મુજબ મંગળવારનો આખો દિવસ હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ રહ્યો હતો. તો સાંતાક્રુઝમાં મંગળવારના વરસાદ સાથે જ ૨,૦૦૦ મિ.મી.નો આંકડો વટાવ્યો હતો. સાંતાક્રુઝમાં મોસમનો અત્યાર સુધીનો કુલ ૨,૦૨૦ મિ.મી. વરસાદ પડી ચૂક્યો છે, જે સામાન્ય કરતા લગભગ ૨૩.૪ મિ.મી. વધુ છે.
મુંબઈ સહિતના એમએમઆર રિજનમાં હજી સોમવારે આકરો તડકો હતો. આખો દિવસ ગરમી અને ઉકળાટભર્યો રહ્યો હતો. સોમવારના મોડી રાતથી જોકે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો હતો, તે મંગળવારે આખો દિવસ હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ રહ્યો હતો. હવામાન વિભાગે મુંબઈ માટે યલો અલર્ટ આપ્યું હતું ત્યારે થાણેને અડીને આવેલા વિસ્તારો માટે ઓરેન્જ અલર્ટની ચેતવણી જારી કરીને અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી હતી. જોકે મુંબઈમાં પ્રમાણમાં હળવા ઝાપટાં દિવસભર રહ્યા બાદ શહેરના કેટલાક ભાગોમાં વરસાદે જોર પકડ્યું હતું.
મંગળવારે સાંજે ૫.૩૦ વાગ્યે પૂરા થતા નવ કલાકમાં કોલાબા અને સાંતાક્રુઝ ખાતે અનુક્રમે ૨૪.૪ મિ.મી. અને ૪૩.૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે તાપમાનમાં પણ તીવ્ર ઘટાડો થયો હતો. મંગળવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૨૭.૬ ડિગ્રી સેલ્સિયસ જ્યારે સાંતાક્રુઝમાં ૨૬.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એક દિવસ અગાઉ ં અનુક્રમે ૩૨.૫ ડિગ્રી અને ૩૧.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે બુધવારે (૧૨ ઓગસ્ટ) મુંબઈ માટે યલો એલર્ટની ચેતવણી આપી છે. તો ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. હવામાન નિષ્ણાતોના મતે નવેસરથી વરસાદની ગતિવિધિ ઉત્તર-પશ્ર્ચિમ મધ્ય પ્રદેશ પર નિર્માણ થયેલા લૉ-પ્રેશર અને દક્ષિણ-પશ્ર્ચિમ તરફ વિસ્તરેલ ટ્રફને કારણે વરસાદની ફરી એન્ટ્રી થઈ છે. સિસ્ટમના પરિણામે કોંકણ પ્રદેશમાં ભેજનો નવો પ્રવાહ આવ્યો છે, જેના કારણે મુંબઈ અને પડોશી વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ વધી છે.આ સિઝનમાં અત્યાર સુધીમાં કોલાબા અને સાંતાક્રુઝ વેધશાળાઓમાં અનુક્રમે ૧,૬૭૬ મિ.મી. અને ૨,૦૨૦ મિ.મી. વરસાદ નોંધાયો છે.