(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખવાની સાથે ફુગાવામાં વૃદ્ધિની ચિંતા વ્યક્ત કરતાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડ તેલના ભાવ પણ વધી આવતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2964નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 451થી 452નો ઘટાડો આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત ભાવઘટાડાના માહોલમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2964ના ઘટાડા સાથે રૂ. 1,90,478ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ભાવમાં નરમાઈનું વલણ રહેતાં જ્વેલરી ઉત્પાદકોની આગામી તહેવારોની મોસમની અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા છૂટીછવાઈ લેવાલી રહેતા વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 451 ઘટીને રૂ. 1,41,685ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 452 ઘટીને રૂ. 1,42,255ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 4039.39 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 4051.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.4 ટકા ઘટીને આૈંસદીઠ 53.58 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર 3.75થી 4 ટકાની રેન્જમાં જાળવી રાખ્યા હતા. તેમ જ આગામી સપ્તાહથી શરૂ થતી અમેરિકાની વચગાળાની ચૂંટણી સુધી અને ફુગાવાના ડેટાને ધ્યાનમાં લેતા ધિરાણ ખર્ચમાં કોઈ ફેરફાર ન કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. વધુમાં લાંબાગાળાની ટ્રેઝરીની યિલ્ડમાં વધારો અને ફેડરલના અધ્યક્ષ કેવિન વાર્શની વ્યાજદર યથાવત્ રાખવાની સ્પષ્ટતાને ધ્યાનમાં લેતા આજે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું વિશ્લેષક તાઈ વૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે હાલના તબક્કે સોનામાં આક્રમક વેચવાલી આવે તેવી શક્યતા નથી, તેમ જ સુધારો પણ મર્યાદિત રહે તેમ જણાય છે.
જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી 88 ટકા શક્યતા વ્યકત કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે હુતીઓએ સઉદી અરેબિયાની રિફાઈનરી પર હુમલા કર્યા બાદ પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ હેઠળ આજે ક્રૂડ તેલના ભાવ વધુ એક ટકો વધી આવતાં ફુગાવાની ચિંતા સપાટી પર રહી હતી. જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ હતી.
દરમિયાન ગત સપ્ટેમ્બર મહિનામાં ચીનની હૉંગકૉંગ મારફતે સોનાની આયાત આગલા ઑગસ્ટ મહિનાની સરખામણીમાં 28 ટકા વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ રહી હોવાના અહેવાલ હતા.