મુંબઈઃ વર્તમાન નાણાકીય વર્ષ 2027માં સ્થાનિક ભારતીય એવિયેશન ઉદ્યોગની નુકસાની આગલા નાણાકીય વર્ષના રૂ. 28,000-30,000 કરોડ સામે વધીને રૂ. 36,000-38,000 કરોડ આસપાસ રહે તેવી શક્યતા અગ્રણી રેટિંગ એજન્સી ઈક્રાએ વ્યક્ત કરી છે.
નુકસાનમાં વધારો થવાના મુખ્ય કારણોમાં પેસેન્જર ટ્રાફિક મંદ પડવો, એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)નો ભાવવધારો અને ડૉલર સામે રૂપિયાનાં મૂલ્યમાં થયેલો તીવ્ર ઘસારો હોવાનું ઈક્રાએ અહેવાલમાં જણાવતાં ઉમેર્યું હતું કે ગત ફેબ્રુઆરી, 2026નાં અંતથી પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થવાની સાથે નાણાકીય વર્ષ 2027 સુધી પેસેન્જર ટ્રાફિકમાં વૃદ્ધિ મંદ પડી છે.
વધુમાં વિનિમય બજારમાં ભારતીય રૂપિયાનું ડૉલર સામે થયેલું ધોવાણ, એટીએફનાં ભાવમાં વધારો અને વિમાનોની સતત ડિલિવરી વચ્ચે લીઝ ભાડામાં થયેલા વધારાને કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં સ્થાનિક એવિયેશન ઉદ્યોગને રૂ. 36,000થી 38,000 કરોડનું ચોખ્ખુ નુકસાન થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
નોંધનીય બાબત એ છે કે શક્ય છે કે ગ્રાહક પર આ ભાવ પર્યાપ્ત માત્રામાં ભાડા વૃદ્ધિ મારફતે પસાર કરવામાં ન આવ્યો હોય.