Thu Nov 19 2026

Logo

મારુતિ સુઝુકીની ઈલેક્ટ્રિક વાહનોની નિકાસ 50 હજાર યુનિટની પાર

2026-10-29 19:42:48
Author: Ramesh Gohil
મારુતિ સુઝુકીની ઈલેક્ટ્રિક વાહનોની નિકાસ 50 હજાર યુનિટની પાર

નવી દિલ્હીઃ ગત ઑગસ્ટ,2025થી ઑક્ટોબર, 2026 દરમિયાન મારુતિ સુઝુકી લિ.ની ઈલેક્ટ્રિક વાહનોની નિકાસ 50,000 યુનિટનો આંક પાર કરી ગઈ હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે ગત એપ્રિલથી સપ્ટેમ્બર, 2026 દરમિયાન દેશમાંથી થયેલી કુલ ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોની કુલ નિકાસમાં કંપનીનો હિસ્સો 93 ટકા રહ્યો છે. 

કંપનીના જણાવ્યાનુસાર વિટારા મૉડૅલની નિકાસ યુકે, નોર્વે, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ સહિત 50 દેશોમાં થઈ છે અને નિકાસના મુખ્ય મથક તરીકે યુરોપ ઊભરી આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કંપનીએ તેનાં ગુજરાતના હંસલપુર એકમમાં 100 કરતાં વધુ દેશોમાં નિકાસ માટે ગત ઑગસ્ટ, 2025માં તેનાં ઈલેક્ટ્રિક એસયુવીનું ઉત્પાદન શરૂ કર્યું હતું. 

હાલમાં મારુતિ સુઝુકી લિ. તેનાં ઈલેક્ટ્રિક વાહનોની નિકાસ અંદાજે 50 કરતાં વધુ દેશોમાં કરે છે અને નિકાસનું મુખ્ય મથક યુરોપ રહ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર, 2026 દરમિયાન દેશની કુલ ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોની નિકાસમાં કંપનીનો હિસ્સો 93 ટકા રહ્યો હોવાનું કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર હિસાશી ટેકેઉચીએ જણાવ્યું હતું. 

કંપનીનું હંસલપુર ખાતેનું એકમ એ સુઝુકીના પહેલા વૈશ્વિક બેટરી ઈલેક્ટ્રિક વાહનોનાં માટેનું એકમાત્ર ઉત્પાદન કેન્દ્ર છે. આ એકમની ઉત્પાદન ક્ષમતાનું તાજેતરમાં વિસ્તરણ કરીને વર્ષે 10 લાખ વાહનોની ઉત્પાદન ક્ષમતા કરવામાં આવી હતી અને આ સાથે જ વૈશ્વિક સ્તરે એક સ્થાનક પર આટલી ઉત્પાદન ક્ષમતા હાંસલ કરનાર સુઝુકી પહેલી કંપની બની હતી. 

વધુમાં કંપનીએ જણાવ્યું હતું કે રૂ. 25,287 કરોડના કુલ રોકાણ સાથે હંસલપુર એકમ એક મહત્ત્વપૂર્ણ નિકાસ મથક પણ છે, જે નાણાકીય વર્ષ 2025-26માં મારુતિ સુઝુકીની કુલ નિકાસમાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે.