માહિમમાં એઆઈ આધારિત કેમેરાથી નાગરિકો પર નજર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મોટા પ્રમાણમાં સાર્વજનિક સ્થળે થતા કચરાના ઢગલા (ગાર્બેજ વલ્નર્બેલ પોઈન્ટ-જીવીપીએસ) ના નિર્મૂલન માટે કચરો ફેંકનારાઓને રોકવા તેમના પર કેમેરાથી નજર રાખવામાં આવવાની છે, જે અંતર્ગત પ્રાયોગિક ધોરણે મુંબઈ મહાનગરપાલિકાએ માહિમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત કેમેરા બેસાડ્યા છે. આ સ્માર્ટ સર્વેલન્સ સિસ્ટમ કચરો ફેંકવાની શંકાસ્પદ પ્રવૃત્તિને ઓળખીને લાઉડસ્પીકર દ્વારા તાત્કાલિક ચેતવણી આપે છે.
સાર્વજનિક સ્થળોને કચરામુક્ત કરવા પાલિકા દ્વારા અનેક ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી રહી છે, જેમાં હવે એઆઈ આધારિત કેમેરાના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. તે માટે પાલિકાના ‘જી-ઉત્તર’ વોર્ડ દ્વારા માહિમમાં ગજાનન વાટિકા પરિસરમાં એઆઈ કેમેરા બેસાડવામાં આવ્યા છે.
પાલિકાના જી-ઉત્તર વોર્ડના અધિકારીના જણાવ્યા મુજબ માહિમમાં આવેલા ગજાનન વાટિકા પરિસરમાં મોટા પ્રમાણમાં કચરાના ઢગલા જોવા મળે છે. તેથી આવાં સંભવિત સ્થળોએ એઆઈ આધારિત કેમેરા બેસાડવામાં આવ્યા છે. આ કેમેરા સાથે લાઉડસ્પીકર પણ જોડવામાં આવ્યા છે.
કચરો ફેંકવા માટે આવનારી વ્યક્તિની હાલચાલ કેમેરામાં નોંધાઈ જાય ત્યારબાદ તરત લાઉડસ્પીકર દ્વારા પરિસરને સ્વચ્છ રાખવા માટે તેમ જ ખુલ્લામાં કચરો નહીં ફેંકવાની અપીલ કરવામાં આવે છે. આ પ્રયોગને કારણે કચરો નાખવારી વ્યક્તિ શરમજનક પરિસ્થિતિમાં મુકાઈને કચરો નાખશે નહીં અને પરિસરમાં ગંદકી ફેલાશે નહીં એવો પ્રશાસનનો દાવો છે.
માહિમમાં આ પ્રયોગ સફળ થાય તો તેનો અહેવાલ લઈને આગામી સમયમાં મુંબઈના જુદા જુદા વિસ્તારમાં આ સિસ્ટમને અમલમાં મૂકવામાં આવવાની છે. તેથી નાગરિકો રસ્તા પર ખુલ્લામાં અથવા સાર્વજનિક સ્થળે કચરો ફેંકવાનું બંધ કરશે.