Thu Nov 19 2026

Logo

2036ની ઑલિમ્પિક્સ યોજવા અમદાવાદ સામે હરીફાઈમાં આવી ગયું દક્ષિણ આફ્રિકાનું આ શહેર

Johannesburg   2026-10-29 18:08:13
Author: Ajay Motiwala
2036ની ઑલિમ્પિક્સ યોજવા અમદાવાદ સામે હરીફાઈમાં આવી ગયું દક્ષિણ આફ્રિકાનું આ શહેર

જોહનિસબર્ગઃ 10 વર્ષ પછી એટલે કે 2036માં વિશ્વના સૌથી મોટા રમતોત્સવ ઑલિમ્પિક ગેમ્સનું યજમાનપદ મેળવવાનો દાવો કરનારા દેશોમાં ભારત અગે્રસર છે અને અમદાવાદ શહેરને એ માટે આગળ કરવામાં આવી રહ્યું છે, પરંતુ દક્ષિણ આફ્રિકા પણ 2036ની ઑલિમ્પિક્સ યોજવા ઉત્સુક છે અને આ માટે એણે ડરબન શહેરનું નામ નક્કી કરી રાખ્યું છે. જો ડરબનને યજમાનપદ મળશે તો આફ્રિકા ખંડમાં પહેલી જ વખત ઑલિમ્પિક્સ (Olympics) યોજાતી જોવા મળશે. 2010માં પહેલી જ વખત ફિફા વર્લ્ડ કપ આફ્રિકા ખંડમાં (સાઉથ આફ્રિકામાં) યોજાયો હતો.

દક્ષિણ આફ્રિકાનો ઇરાદો 2036ની ઑલિમ્પિક્સ નહીં તો 2040ની ઑલિમ્પિક્સ યોજવાનો છે અને એ માટે એણે પહેલાં તો જોહનિસબર્ગ તથા કેપ ટાઉનના નામ પણ વિચારી રાખ્યા હતા, પણ છેવટે ડરબન (Durban) પર કળશ ઢોળ્યો છે. જોકે ભારત તથા દક્ષિણ આફ્રિકા સહિત કુલ સાત દેશે 2036ની ઑલિમ્પિક્સ તથા પૅરાલિમ્પિક્સના આયોજન માટે દાવો કર્યો છે અને એમાં 2022 ફિફા વર્લ્ડ કપના યજમાન કતાર તેમ જ દક્ષિણ કોરિયા, જર્મની, હંગેરી અને તૂર્કીનો સમાવેશ છે.

2036ની ઑલિમ્પિક્સનું યજમાનપદ કોને આપવું એનો ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી) દ્વારા 2029ની મધ્યમાં નિર્ણય લેવામાં આવશે.

ડરબન દક્ષિણ આફ્રિકાનું ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર છે. જો 2036 કે 2040ની ઑલિમ્પિક્સ એને સોંપાશે તો અમુક હરીફાઈઓ દેશના અન્ય શહેરોમાં પણ રાખવામાં આવશે.