બીમારી, ડિપ્રેશન અને સગાંઓએ મદદનો ઇનકાર કરતાં અંતિમ પગલું ભર્યાની શક્યતા: મૃત્યુ પૂર્વે મોબાઇલ પર ગુજરાતીમાં વીડિયો રેકોર્ડ કરેલો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિરાર પશ્ર્ચિમમાં ગ્લોબલ સિટી વિસ્તારમાં ઇમારતના ફ્લેટમાં ત્રણ ગુજરાતી ભાઇ-બહેનના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ભાડાના ફ્લેટમાં રહેનારા ત્રણેય ભાઇ-બહેન ઘણા સમયથી આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હતા અને મૃત્યુ પૂર્વે ગુજરાતીમાં મોબાઇલમાં રેકોર્ડ કરેલા વીડિયોમાં તેમણે સ્વાસ્થ્યની સમસ્યાઓ તથા નાણાભીડનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસને મૃતદેહો નજીકથી ગ્લાસ મળી આવ્યા હોઇ ત્રણેય જણે ઝેર ગટગટાવીને આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા છે. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ આ મામલે એડીઆર દાખલ કરીને વધુ તપાસ આદરી હતી. બીમારી, ડિપ્રેશન અને સગાંઓએ નાણાકીય મદદ કરવાનો ઇનકાર કરી દેતાં તેમણે અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
વિરાર પશ્ર્ચિમમાં ગ્લોબલ સિટી વિસ્તારમાંની ગાર્ડન એવન્યુ સોસાયટીની ડી વિંગમાં ફ્લેટ નંબર-1203માંથી બુધવારે મધરાતે કુમાર મનસુખલાલ મહેતા (50), દીપેશ મનસુખલાલ મહેતા (52) અને ખેવના મનસુખલાલ મહેતા (48)ના મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યા હતા. ટૂ બીએચકેના એ ફ્લેટમાં ત્રણેય ભાઇ-બહેન ભાડા પર રહેતાં હતાં. કુમાર મહેતા કેન્સરની બીમારીથી પીડાતો હતો અને તેની સારવાર પણ ચાલી રહી હતી, જ્યારે દીપેશ મહેતા લકવાગ્રસ્ત હતો. ત્રણેય જણ અગાઉ મુંબઈમાં રહેતા હતા અને 2025માં તેઓ વિરારમાં રહેવા આવ્યાં હતાં.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાની ફરિયાદ પડોશીઓએ કર્યા બાદ બોલિંજ પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. આથી પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસ દરવાજો તોડીને અંદર પ્રવેશી હતી, જ્યાં ત્રણ જણના મૃતદેહ મળ્યા હતા.
બોલિંજ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રકાશ કાવલેએ જણાવ્યું હતું કે ત્રણેયના મૃત્યુ ત્રણથી ચાર દિવસ પહેલા થયા હોવાનું લાગી રહ્યું છે. તેમણે ઝેર પીને જીવન ટૂંકાવ્યું હોવાની શંકા છે. ત્રણેય જણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને તેના અહેવાલમાં મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે.
દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર વાડકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે બનાવની જાણ થયા બાદ અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફ્લેટના માલિકનો નંબર મેળવીને તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે તેનો સંપર્ક ન થતાં ફ્લેટનો દરવાજો તોડવામાં આવ્યો હતો. પોલીસ અંદર પ્રવેશી ત્યારે એક બેડરૂમમાં બેડ પર કુમાર મહેતા અને નીચે ખેવના મહેતાનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે બીજા બેડરૂમમાં દીપેશનો મૃતદેહ મળ્યો હતો. તેમના મૃતદેહ નજીકથી ગ્લાસ પણ મળ્યા હતા. ફ્લેટમાંથી અમને મોબાઇલ મળ્યા હતા, જેમાં તેમની કાંદિવલીમાં રહેતી અન્ય એક બહેન ફાલ્ગુની દોશીનો નંબર મળ્યો હતો. અમે એ નંબર પર કૉલ કર્યો હતો અને ફાલ્ગુની દોશીને ઘટનાની જાણ કરી હતી. ફાલ્ગુનીએ જણાવ્યું હતું કે તેમનાં ભાઇ-બહેન આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હતા.