Tue Nov 10 2026

Logo

ઈક્વિટી પર એલટીસીજી નાબૂદ કરવા અને એસટીસીજી તથા એસટીટીના દરનું તાર્કિકરણ કરવા પીએચડીસીસીઆઈનો નાણામંત્રાલયને અનુરોધ

2026-10-29 19:49:22
Author: Ramesh Gohil
ઈક્વિટી પર એલટીસીજી નાબૂદ કરવા અને એસટીસીજી તથા એસટીટીના દરનું તાર્કિકરણ કરવા પીએચડીસીસીઆઈનો નાણામંત્રાલયને અનુરોધ

નવી દિલ્હીઃ ઔદ્યોગિક ચેમ્બર પીએચડીસીસીઆઈએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે નાણાં મંત્રાલય હેઠળના આવકવેરા વિભાગને એક પત્ર લખીને લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટૅક્સ (એલટીસીજી) નાબૂદ કરવા અને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સ (એસટીટી) તથા શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટૅક્સનું તાર્કિકરણ કરવા માટે અનુરોધ કર્યો છે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસને એલટીસીજીની સંપૂર્ણપણે નાબૂદીની ભલામણ કરતાં ઉદ્યોગ ચેમ્બરે લાંબા રોકાણને ધ્યાનમાં લેવા માટે હોલ્ડિંગનો સમયગાળો હાલ જે 12 મહિનાનો છે તે વધારીને 18થી 24 મહિના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેથી વાસ્તવિક રોકાણકારને તેના લાભ મળવાની બાંયધરી મળશે. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સ અને કેપિટલ ગેઈન ટૅક્સ એ ઈક્વિટી રોકાણ પર ડબલ ટેક્સેશન છે તેના પર ભાર મૂકતા ચેમ્બરે તેને તર્કસંગત ધોરણે ઘટાડતા લાભ થઈ શકે છે, એમ જણાવવાની સાથે ચેમ્બરે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટૅક્સ જે હાલ 20 ટકા છે તે ઘટાડીને 10 ટકા કરવાનું સૂચન કર્યું છે. 

અન્ય પગલાંઓ સહિત કરવેરાના દરોનું તાર્કિકરણ કરવામાં આવતા ભારતમાં વિદેશી મૂડીગત્‌‍ પ્રવાહ જાળવી રાખવામાં, બહાર જતો પ્રવાહ ઘટાડવામાં અને વધુ રોકાણો આકર્ષવામાં મુખ્ય ભૂમિકા ભજવશે, એમ ચેમ્બરે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં લિસ્ટેડ ઈક્વિટી/ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર જો નફો રૂ. 1.25 લાખથી વધુ હોય તો લૉન્ગ ટર્મ ગેઈન પર 12.50 ટકા ટૅક્સ ઉપરાંત સરચાર્ર્જ અને સેસ લાદવામાં આવે છે. વધુમાં આવી સંપત્તિને લૉન્ગ ટર્મ કેપિટલ અસ્ક્યામત તરીકે ગણાવવા માટે તેને ખરીદીની તારીખથી બાર મહિનાથી વધુ સમય સુધી પોતાની પાસે રાખવી જરૂરી છે. જોકે, આવી સંપત્તિઓ ખરીદીના બાર મહિનાની અંદર વેચી દેવામાં આવે તો તેના પર થતાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન પર 20 ટકા ટૅક્સ લાગે છે. 

વધુમાં ચેમ્બરે જણાવ્યું હતું કે એક જ આર્થિક પ્રવૃત્તિ પર અનેક પ્રકારના વેરા લાદવાથી રોકાણ અને સંપત્તિ સર્જનમાં નિરુત્સાહ જોવા મળી શકે છે અને જો સંતુલિત કર વ્યવસ્થા રોકાણને પ્રોત્સાહન આપી શકે છે, ઘરગથ્થુ સંપત્તિમાં વધારો થવાની સાથે ખર્ચ કરવાની ક્ષમતામાં પણ સુધારો લાવી શકે છે, આર્થિક પ્રવૃત્તિને વેગ આપી શકે છે અને જીએસટી જેવાં અન્ય પરોક્ષ કર દ્વારા વધારાની આવક પણ ઊભી કરી શકે છે, એમ ચેમ્બરે ઉમેર્યું હતું. 

સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં સિક્યોરિટી ટ્રાન્ઝેકશન ટૅક્સ મારફતે રૂ. 73,700 કરોડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જે આગલા નાણાકીય વર્ષના રૂ. 57,522 કરોડ કરતાં વધુ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ગત પહેલી એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન એસટીટી મારફતે થયેલી આવક 52 ટકા વધીને રૂ. 46,840 કરોડની સપાટીએ રહી હતી.

નોંધનીય બાબત એ છે કે ગત જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતીય ઈક્વિટી માર્કેટમાંથી રૂ. 3.08 લાખ કરોડ (32.73 અબજ ડૉલર)ની ચોખ્ખી વેચવાલી કરી છે. જોકે, ગત સમગ્ર કૅલૅન્ડર વર્ષ 2025માં તેઓની કુલ ચોખ્ખી વેચવાલી રૂ. 1.66 લાખ કરોડની હતી. ચેમ્બરના મતાનુસાર જો વેરાના દરને તર્કસંગત બનાવવામાં આવે તો ભારતમાં વિદેશી રોકાણકારોનું આકર્ષણ વધી શકે છે. હાલમાં ઔદ્યોગિક ચેમ્બર ઈક્વિટી માર્કેટ પરનાં ટૅક્સેશન અંગેની ભલામણો નાણાં મંત્રાલયને મોકલવાની પ્રક્રિયામાં છે. અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ મહિનાના આરંભે કહ્યું હતું કે રોકાણકારો તરફથી ઘણી ટિપ્પણીઓ મળી રહી છે અને લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટૅક્સ તથા એસટીટી અંગે ચર્ચાઓ પણ ચાલી રહી છે. આ પ્રકારની સ્વસ્થ ચર્ચાને હું ધ્યાનપૂર્વક સાંભળીશ, એમ તેમણે ઉમેર્યું હતું.