Mon Jun 08 2026

Logo

મુંબઈની લોકલ ટ્રેનમાં થશે નવા યુગનો આરંભ: નોન-એસી ક્લોઝ ડોર લોકલ ટ્રેન દોડાવાશે, પણ ક્યારે જાણો?

2026-04-14 21:12:59
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મુંબઈના લોકલ નેટવર્કમાં એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. મધ્ય રેલવેમાં ટૂંક સમયમાં તેની પહેલી નોન-એસી અને એ પણ બંધ દરવાજાવાળી લોકલ ટ્રેન ચલાવશે. હાલમાં નવી લોકલ ટ્રેન ચેન્નઈના ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ)માંથી કુર્લા કાર શેડ પર પહોંચી ગઈ છે, જેનું યોગ્ય પરીક્ષણ કર્યા પછી રેગ્યુલર સેવામાં સામેલ કરાશે.

હવે તેનું ટેકનિકલ નિરીક્ષણ, ટ્રાયલ કરવામાં આવશે અને ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા પછી, મુસાફરો માટે તેને શરૂ કરવામાં આવશે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર તમામ સલામતી ધોરણોની પુષ્ટિ થયા પછી જ તેને નિયમિત સેવામાં સામેલ કરવામાં આવશે.

આ નોન-એસી ક્લોઝ્ડ-ડોર લોકલ ટ્રેન ભલે એર-કન્ડિશન્ડ (એસી) નથી, પરંતુ તેને મુસાફરોના આરામનું ધ્યાન રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. તેની ડિઝાઇન અને સુવિધાઓ મોટા ભાગે એસી લોકલ ટ્રેનો જેવી જ છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, તેમાં ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સિસ્ટમ છે જે ટ્રેન ચાલુ હોય ત્યારે દરવાજા બંધ રાખે છે, જે સલામતીમાં નોંધપાત્ર સુધારો છે.

મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ નવી નોન-એસી લોકલ ટ્રેન મુસાફરોને વધુ સુરક્ષિત અને આરામદાયક મુસાફરી પૂરી પાડશે. જો આ પ્રયોગ સફળ થશે, તો ભવિષ્યમાં મુંબઈના ઉપનગરીય નેટવર્કમાં વધુ આવી ટ્રેનો ઉમેરવામાં આવી શકે છે. નવી આધુનિક ટ્રેનથી અકસ્માતના કિસ્સામાં ઘટાડો થઈ શકે છે. ચાલતી ટ્રેનમાંથી પડી જવાના કિસ્સાનું પ્રમાણ પણ ઘટી શકે છે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.

નવી ટ્રેનમાં વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે મોટી બારીઓ છે. મુંબઈના ગરમ અને ભેજવાળા વાતાવરણને ધ્યાનમાં રાખીને આ રેક ખાસ કરીને હવાનું પરિભ્રમણ થાય એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે, જે એર કન્ડિશનિંગ વિના પણ મુસાફરો માટે આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરે છે. ઉપરાંત, ટ્રેનની અંદરની ડિઝાઇન પણ આધુનિક અને સ્વચ્છ છે. ટ્રેનની છતમાં વેન્ટિલેશન સિસ્ટમ, સાથે દરવાજામાં જાળી અને વેન્ટિલેશન માટે ડેક પણ છે.

નવી ક્લોઝ ડોર ઓટોમેટિક ટ્રેનની વિશેષતા
નવી લોકલ ટ્રેનમાં ૧૨ કોચ છે, જેમાં ફર્સ્ટ ક્લાસના હશે ચાર કોચ, જ્યારે મહિલાઓ માટે ફર્સ્ટ ક્લાસ કોચની સાથે દિવ્યાંગ પ્રવાસીઓ માટે છે. ઉપરાંત, મહિલાઓ સેકન્ડ ક્લાસ, લગેજ અને  સેકન્ડ ક્લાસ માટે કોચ ફાળવવામાં આવ્યા છે.