પાલિકાએ કૉન્ટ્રેક્ટરને ચોથી વખત મુદત લંબાવી આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડને સંપૂર્ણ કચરામુક્ત થવામાં હજી થોડા સમય લાગવાનો છે. પશ્ર્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધજનક પરિસ્થિતિને પગલે નિર્માણ થયેલી ડીઝલની અછતનો ઉલ્લેખ કરીને કૉન્ટ્રેક્ટરે મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કામ પૂર્ણ કરવા માટે મુદત લંબાવી આપવાની માગણીના અઠવાડિયા બાદ પાલિકા કચરાના પરિવહન માટે વધારાનો સમય આપવા માટે આખરે તૈયાર થઈ ગઈ છે. એ સાથે જ કૉન્ટ્રેક્ટરને ચોથી વખત મુદત લંબાવી આપવામામાં આવી છે.
મૂળમાં ૨૦૨૪ સુધીમાં બાયોમાઇનિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હતો. પાલિકાએ ૨૦૧૮ માં કૉન્ટ્રેક્ટરને મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ પરના ૭૦ લાખ મેટ્રિક ટન કચરાને સાફ કરવાનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો, જેનું કામ ૨૦૧૯ માં શરૂ થયું હતુંં. એ બાદ ત્રણ વખત તેને મુદત લંબાવી આપવામાં આવી હતી, જેમાં પહેલી વખત કોરોના સમયે મુદત લંબાવી આપવામાં આવી હતી.
આ દરમ્યાન ૧૩ મેના બાયો માઇનિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડમાંથી ૭૦ લાખ મેટ્રિક ટન પ્રોસેસ કચરામાંથી ૭ લાખ મેટ્રિક ટન પરિવહન માટે સમયમર્યાદા વધારવાની માંગણી કરતો પત્ર પાલિકાને લખ્યો હતો, જેમાં યુદ્ધને પગલે ડીઝલની અછતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરે ૧૦ લાખ મેટ્રિક ટન કચરાને સાફ કરવા માટે વધારાનો સમય પણ માંગ્યો હતો જેનો અગાઉના સર્વેમાં હિસાબ કરવામાં આવ્યો ન હતો. જ્યારે પાલિકાના ટેન્ડરમાં મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્માંથી ૭૦ લાખ મેટ્રિક ટન કચરાને સાફ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પાલિકાએ પાછળથી ૧૦ લાખ મેટ્રિક ટનથી વધુ વધારાના કચરાને ઓળખી કાઢ્યો હતો, જેના પર પ્રક્રિયા કરવાની બાકી હતી. કોન્ટ્રેક્ટરે ૭૦ લાખ મેટ્રિક ટન કચરાનું બાયોમાઇનિંગ પૂર્ણ કરી દીધું છે, પરંતુ ડીઝલની અછતને કારણે પ્રોસેસ મટિરિયલના પરિવહન માટે સમયમર્યાદા માંગી હતી. કંપનીએ વધારાના કચરાને સાફ કરવા માટે પણ સમય માંગ્યો હતા.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે નવું ટેન્ડર બહાર પાડવાને બદલે હાલના દરે તે જ કોન્ટ્રેક્ટરને કામ સોંપવાનું નક્કી કર્યું છે. મુલુંડ ડમ્પિંગનું કામ આગામી છ મહિનામાં એટલે કે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.