Wed Aug 19 2026

Logo

મોરબીના કૂવામાં જોવા મળતી હલનચલન મામલે તંત્રએ કરી સ્પષ્ટતા

2026-08-08 18:18:00
Author: Pooja Shah
Article Image

જળસ્તર નીચે ફસાયેલી હવાને કારણ થતું હોવાનું પ્રાથમિક તારણ

અમદાવાદઃ સિરામિક સિટી નામે જાણીતા મોરબી જિલ્લાના વીરપરડા ગામનો કૂવ બે-ચાર દિવસથી ચર્ચાનો મુદ્દો બન્યો હતો. અહીં એક ખૂડતની વાડીમા આવેલા કૂવાનું પાણી કાંઠા સુધી ઉપર આવી ગયું હતું અને દરિયાના મોજાની જેમ હિલોળા મારી રહ્યું હતું. આ કૂવાના વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા હતા અને લોકોએ અનેક તર્ક-વિતર્ક આપ્યા હતા. જોકે આ મામલે હવે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કોઈપણ જાતની ભૂકંપ સંબંધિત શક્યતાઓને નકારી હતી. 

મીડિયા સાથે વાત કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે જીઓલોજિસ્ટની ટીમ મોરબી જિલ્લાના આ કૂવાની મુલાકાત લીધી હતી. તેમની પ્રાથમિક તપાસના તારણ અનુસાર  પાણીનું આ હલનચલન પાણીની નીચે ફસાયેલી હવાને કારણે થઈ રહ્યું હોવાની શક્યતા છે. ફસાયેલી હવામાં જેમ જેમ ફરેફાર થાય છે તેમ તેમ પાણીનું હલનચલન શરૂ થાય છે. આ સાથે બાબતેઅહેવાલ સોંપવા માટે ગુજરાત ગ્રાઉન્ડવોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને પણ જણાવાયું છે.

કલેક્ટરે એમ પણ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે ભૂકંપની નોંધ રાખતી ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચને પણ પૂછવામાં આવ્યું હતું અને તેમણે પણ છેલ્લા 5-10 દિવસમાં આવી કોઈ અસામાન્ય ભૂકંપ સંબંધિત પ્રવૃત્તિ ધ્યાનમાં આવી ન હોવાનું જણાવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ ખેડૂતે આ કૂવો લગભગ ત્રણેક મહિના પહેલા બનાવ્યો છે. મોરબીમાં પડેલા વરસાદ બાદ આ સ્થિતિ સર્જાઈ હતી. જોકે આસપાસના અન્ય કૂવાઓ શાંત છે અને આવી કોઈ હલનચલન અન્ય કૂવાઓમાં જોવા મળી ન હતી, તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન મળતી વિગતો અનુસાર શનિવારે કૂવામાં ખાસ કોઈ ઉછાળા કે હલનચલન જોવા મળ્યું ન હતું.