Tue Oct 20 2026

Logo

માનસ મંથનઃ જે તમને પરિવાર સાથે બેસીને ભોજન ન કરવા દે તેવી કમાણી શા કામની?

2026-10-19 07:49:00
Author: Morari Bapu
માનસ મંથનઃ જે તમને પરિવાર સાથે બેસીને ભોજન ન કરવા દે તેવી કમાણી શા કામની?

 

મોરારિબાપુ

बडे भाग मानुष तनु पादा |
सुर दुर्लभ सदग्रंथन्ही गावा ॥

ગોસ્વામીજી કહે છે કે બડે ભાગ માનુષ તનું પાવા... આ અર્થ પ્રધાન દર્શન છે. કંઈક પામવાનો ભાવ આમાં સમાયેલો છે. કંઈક મેળવવું છે એવો ભાવ છે. ‘રામચરિત માનસ’ના એક એક સૂત્રને બરોબર સમજજો. અને વિચારજો કે આ કેટલું ગહન શાસ્ત્ર છે! ઘણા લોકો એમ કહે કે તુલસીદાસજી એ મહાકાવ્ય લખ્યું છે. ઠીક છે. આટલા આદર માટે પણ હું એમને ધન્યવાદ આપું છું. બાકી આ કેવલ મહાકાવ્ય નથી. હું કાલે એક પ્રશ્નોત્તરીમાં કહેતો હતો કે ભાઈ, આ જમીનમાં કોલસા છે, હીરા છે, સોનુ છે, તેલ છે, પાણી છે. આ વસુંધરા કેટલા રત્નોથી ભરેલી છે ! પણ એનો મરમગ્ન જ્યારે શોધે ત્યારે તે તેલ કાઢી શકે, હીરા કાઢી શકે, સોનું કાઢી શકે. પણ આપણને બધાને ખબર ન પડે. જે સાધકને સિદ્ધાંજન મળી જશે, એવો સાધક- 

साधक सिद्ध सुजान |
कौतुक देखत सैल बन भूतल भूरी निधान ॥

આવો સાધક જેમ જેમ ભૂમિને જોશે એમ કૌતુક પામશે ! અહહા અહીં મણી છે. હીરા, જલ, સોનું... ભૂતલ ભૂરી નિધાન છે. જમીનમાં જેટલું છે એટલું ક્યાંય નથી. એમ આ શાસ્ત્રમાં જેટલું છે, એટલું ક્યાંય નથી.  એક રસ્તે નીકળો પછી એ રસ્તા પર પાંચ કે 10 કિલોમીટર તમે ચાલો કે તમારી ગાડી ચાલે પછી બે રસ્તા સામે આવે. એ પછી તમારે નિર્ણય કરવાનો હોય કે કયા માર્ગે તમારે જવું છે.

હવે તમે અધવચ્ચે રસ્તામાં તો તરત નિર્ણય કેવી રીતે કરી શકો ? જ્યારે તમને ખબર હોય કે તમારે કઈ જગ્યાએ જવું છે, ત્યારે નિર્ણય થાય. સ્થિતિ મારે સુરત જવું છે ?  કે પહેલા રસ્તેથી મારે અમદાવાદ જવું છે ? તમારું લક્ષ્ય શું છે ? તમારું લક્ષ્ય શૂન્ય હશે તો ભટકી જશો રસ્તામાં. અર્થ એક રાજમાર્ગ છે, એની હું ના નહીં પાડું.. વેદોએ પણ અર્થ કમાવવાની છૂટ આપી છે, ના નથી પાડી. અર્થ કમાવ ! પણ શું એક વસ્તુ તમને લાગી છે તમારા જીવનમાં ? 

અર્થના રાજપાર્ક પર ચાલતા ચાલતા બે રસ્તા સામે આવે છે. એક રસ્તાનું નામ છે નાશ અને ભોગ. બીજા માર્ગનું નામ છે દાન અને સમર્પણ. કયો રસ્તો પસંદ કરવો એ તમારા લક્ષ્ય પણ નિર્ધારિત છે. જો તમે નક્કી ન કરી શકો તો તમે ભટકી ગયા છો. આમ તો ધનના ત્રણ રસ્તા છે. ભોગ, નાશ અને દાન. એક રસ્તો ભોગ અને નાશ તરફ લઈ જાય છે. એ તો અર્થનો એક માર્ગ છે જ. 

તમારા પૈસા, તમારી સંપદા, તમારો સ્થૂળ અર્થ તમારી ભૌતિકતા એ કાં તો તમને ભોગ અને નાશ તરફ લઈ જાય છે. અને બીજો એક ફોટો છે જે છે દાન અને સમર્પણ, અર્થનો સદુપયોગ. હવે તમે તમારી મેળે નક્કી કરો કે મારે શાંતિ જોઈએ છે, હું શાંતિથી જમી શકું, શાંતિથી સૂઈ શકું ? શાંતિથી બધાને મળી શકું. જો એ  તમારું લક્ષ્ય હોય તો દાન અને સમર્પણ વાળા રસ્તે ચડી જાઓ ! તમારા જિંદગીભર ઉત્પાત જ કરવો હોય તો પછી ભોગ અને નાશવાળા રસ્તે ચડી જાવ. સીધી વાત છે.

મને ઘણા કહે છે કે અમે નવો ધંધો કરીએ છીએ. બાપુ !  તમે આશીર્વાદ આપો.. હું કહું કે એ મારો વિષય નહીં. હું શું કહી શકું ધંધાની બાબતમાં ? એટલું જરૂર કહી શકું કે જે કંઈ કરો તે એવું કરજો કે રાત્રે 9:00 વાગે તમે કુટુંબની સાથે બેસી અને જમી શકો. અને સૂઈ જાવ ત્યારે તમને દસ મિનિટમાં આરામથી ઊંઘ આવી જાય. એવો ધંધો કરજો. જે તમને સુવા ન દે એ અર્થ શું કામનો ? જે તમને તમારા કુટુંબ સાથે બેસી આનંદ પ્રમોદથી ભોજન ન કરવા દે એવી કમાણી, એવી દોડાદોડી તમે કોના માટે કરો છો? 

તમે તત્ત્વ દ્રષ્ટિથી તો જરા જુઓ! કામ કરો જરૂર છ કે આઠ કલાક. પણ તમારો વ્યવસાય, તમારું કાર્ય, તમારો ધંધો, તમારી પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે તમને ખાધેલું છે. તમે સ્વાધ્યાય કરી શકો. પ્રભુનું ધ્યાન કરી શકો. તમે કોઈ સારા ગ્રંથો વાંચી શકો. એવો સમય તો તમારી પાસે રહેવો જોઈએ ! તમે કોના માટે દોડાદોડ કરો છો ? અને આખું જગત દોડે જ જાય છે ! ખોટો અર્થ ન કરતા. જરૂર કમાવો, કમાવવું જ જોઈએ. પરિવારને સારી રીતે રાખો.. આજના દેશકાળ પ્રમાણે રાખો.. તમારા પ્રસંગોને સારી રીતે નિભાવો. પરંતુ સાથે સાથે તમને શાંતિથી નિદ્રા પણ આવવી જોઈએ. તમે કમાવો લાખો રૂપિયા અને ખાલી એક જ રોટલી ખાઈ શકો ! અને ગોળી લઈ સૂઈ જાવ તો પછી તમે શું કમાણા? 

નેશનલ હાઈવે, ધોરીમાર્ગ. એક ભોગ તરફ લઈ જશે, એક દાન અને સમર્પણના માર્ગે લઈ જશે. સમાજના જે અંગને જરૂર હોય તે પ્રમાણે નિયમસર તમારા ધનની કમાણીનો 10 મો ભાગ ગરીબો માટે, શિક્ષણ માટે, ઔષધી માટે જો હિસાબ પૂર્વ કાઢી નાખશો તો અર્થના બહુ સારા માર્ગે તમે ચડી ગયા છો તેવું ગણાશે. નહિતર પેલો માર્ગ નાશ નો અને ભોગનો માર્ગ છે. આ મનુષ્ય શરીર મળ્યું છે એને નાશ કે ભોગને વિચારધારામાં લઈ જવું છે કે પછી દાન અને સમર્પણની ધારામાં લઈ જવું છે, એ તમારે નક્કી કરવાનું છે. 

આ શરીરથી કેવલ ભોગો ભોગવીને ઇન્દ્રિયો ઉપર ત્રાસ કરવો છે કે સમર્પણ કરી ઇન્દ્રિયોને ધન્ય કરવી છે ? એવું આ અર્થપ્રધાન વિચારધારામાં સાધકોએ નક્કી કરવાનું છે. અર્થ સારી વસ્તુ છે. ખરાબ નથી. અર્થથી ઘણા સારાં કાર્યો થઈ શકે છે થતા રહ્યા છે થતા રહેશે. પરંતુ તમારે એટલું તો નક્કી કરી લેવું જોઈએ કે આ અર્થ મને શાંતિથી 15 મિનિટ ભગવત સ્મરણ કરવા દે, મને શાંતિથી સૂવા દે, તો જ અર્થનો અર્થ છે, નહિતર અનર્થ છે. સાર્થક નથી. એવા ઘણા માણસોને મેં જોયા છે. 

ઘણાને પ્રભુએ ખૂબ આપ્યું છે, પણ અશાંત છે. સમાજ દુર્બળ રહે તેવું વ્યાસપીઠ નથી ઈચ્છતી.  આચાર્ય અને વ્યાસ ગાદી તમને સમૃદ્ધ જોવા ઈચ્છે છે. પરંતુ તેને તુલના કરીને બતાવ્યું કે એક બાજુ આ વસ્તુ છે, અને બીજી તરફ આ વસ્તુ છે. તમે જરૂર કમાવો. ખૂબ કમાવો. સારા કાર્યમાં 10 મો ભાગ કાઢીને વાપરો. પણ એવી રીતે કમાવો, એવી રીતનો ઉપયોગ કરો કે તમે શાંતિથી પારિવારિક જીવન પણ આનંદપૂર્વક જીવી શકો. 
- સંકલન: જયદેવ માંકડ