Mon Jun 15 2026

Logo

પશ્ચિમ એશિયાની કટોકટીની અસર: કચ્છનું આકાશ બન્યું આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે 'સુરક્ષિત બાયપાસ'

2026-06-13 10:38:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ગંભીર ભૌગોલિક-રાજકીય કટોકટી અને અશાંતિની સીધી અસર હવે સરહદી જિલ્લા કચ્છના આકાશમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ઈરાન, ઈરાક, જોર્ડન, ઈઝરાયેલ, લેબનોન, કુવૈત, બહેરીન, કતાર અને યુએઈ જેવા દેશોનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણ કે આંશિક રીતે બંધ થતાં અથવા તેને જોખમી જાહેર કરાતાં વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રમાં મોટો ફેરફાર આવ્યો છે. 

યુરોપથી ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા તરફ જતી તમામ આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે હવે ભુજ, મુન્દ્રા અને કોટેશ્વર ઉપરથી પસાર થતો હવાઈ કોરિડોર મુખ્ય વૈકલ્પિક રૂટ બની ગયો છે. નાગરિક ઉડ્ડયન મહા નિર્દેશાલયની સૂચના બાદ વિવિધ એરલાઈન્સ કંપનીઓએ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને લંબાઈ ધરાવતો હોવા છતાં અત્યંત સુરક્ષિત એવો આ નવો રૂટ અપનાવ્યો છે.

અગાઉના પરંપરાગત રૂટ મુજબ એમિરેટ્સ, ઇતિહાદ, કતાર એરવેઝ, લુફ્થાન્સા, બ્રિટિશ એરવેઝ અને એર ઇન્ડિયા જેવી અગ્રણી એરલાઇન્સની ફ્લાઇટ્સ સાઉદી અરેબિયા અને ઇરાનના આકાશમાંથી સીધી પસાર થતી હતી. 

જોકે, વર્તમાન તણાવને પગલે આ તમામ ફ્લાઇટ્સ હવે ઓમાન અને અરબી સમુદ્ર થઈને મોટો વળાંક લઈ કચ્છના આકાશ માર્ગે મુંબઈ એફઆઈઆરમાં પ્રવેશ કરી રહી છે. આ રૂટ ડાયવર્ઝનને કારણે દુબઈથી મુંબઈ કે દિલ્હી જતી ફ્લાઈટ્સના ઉડ્ડયન સમયમાં ૩૦ થી ૪૫ મિનિટનો વધારો નોંધાયો છે, જેના લીધે એરલાઇન્સના ઈંધણ ખર્ચમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. આ અંગે સિવિલ એવિએશન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આર્થિક બોજ કરતાં મુસાફરોની સુરક્ષા વધુ મહત્વની છે. મંત્રાલયે એરલાઇન્સ કંપનીઓને મુસાફરો સાથે પારદર્શી સંચાર જાળવી રાખીને સમયપત્રકમાં થયેલા ફેરફારની સમયસર માહિતી આપવા પણ તાકીદ કરી છે.

ખાસ કરીને પાકિસ્તાનની સરહદ નજીક આવેલા કોટેશ્વર હવાઈ ક્ષેત્રમાં ફ્લાઈટ્સની અવરજવરમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. રાત્રિના સમયે કચ્છના આકાશમાં એકસાથે અનેક આંતરાષ્ટ્રીય વિમાનોની લાઈટોની હારમાળા દ્રશ્યમાન થતાં સ્થાનિક રહીશો માટે પણ આ કૌતુક અને ચર્ચાનો વિષય બન્યો છે. ડીજીસીએ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, પશ્ચિમ એશિયાની તંગદિલીના કારણે અત્યાર સુધીમાં ૧,૨૨૧ ભારતીય અને ૩૮૮ વિદેશી ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે, જ્યારે અન્ય તમામ ફ્લાઇટ્સને આ વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. 

આમ, વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે પશ્ચિમ એશિયાની કટોકટીએ કચ્છના આકાશને આંતરાષ્ટ્રીય ઉડ્ડયન ઉદ્યોગ માટે એક અત્યંત સુરક્ષિત અને મહત્વપૂર્ણ 'બાયપાસ' તરીકે સ્થાપિત કરી દીધું છે.

(ઉત્સવ વૈદ્ય)