Sun Sep 27 2026

Logo

કોઠારામાં વ્યાજના વિષચક્રનો પર્દાફાશ: બે વ્યાજખોરો ઝડપાયા, રૂ. ૨.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

2026-09-26 15:09:00
Author: Mumbai Samachar Team
કોઠારામાં વ્યાજના વિષચક્રનો પર્દાફાશ: બે વ્યાજખોરો ઝડપાયા, રૂ. ૨.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસનું મેગા સર્ચ ઓપરેશનઃ રૂ. ૧.૨૪ કરોડ રોકડા, રૂ. ૧.૦૧ કરોડના દાગીના, ચેકબૂકો અને મિલકતના દસ્તાવેજો કબજે

ભુજ: પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના કોઠારામાં મજબુર લોકોને ધાકધમકી આપી વ્યાજની જાળમાં ફસાવી મિલકતો તેમજ કિંમતી સામાન પડાવી લેવાના  કૌભાંડનો પશ્ચિમ કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે. કોઠારા પોલીસે હાથ ધરેલી સર્ચ એન્ડ સીઝરની ઐતિહાસિક કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરી રૂ. ૧,૨૪,૫૩,૪૦૦ની રોકડ રકમ તેમજ રૂ. ૧,૦૧,૨૦,૭૨૦ના સોના-ચાંદીના ઘરેણાં સહિત કુલ રૂ. ૨,૨૫,૭૯,૧૨૦નો જંગી મુદ્દામાલ કબજે કર્યો છે.

પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વ્યાજના વિષચક્રમાં સપડાયેલા કોઠારાના એક યુવકે નોંધાવેલી આપવીતીના આધારે આમદ હાજી મામદ મંધરા અને આલમાણ હાજી મામદ મંધરા (બંને રહે. કોઠારા) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ નાણા ધીરધારનું કોઈ માન્ય લાયસન્સ ધરાવતા ન હોવા છતાં માસિક ૧૦ ટકા જેવા ઊંચા વ્યાજે નાણાં ધીરતા હતા. ફરિયાદીએ રોકડા અને ઓનલાઇન મળી કુલ રૂ. ૩૬,૪૮,૫૦૦ ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓએ સહીવાળા કોરા ચેક, ચેકબૂકો, કાર તેમજ કોઠારા સ્થિત સર્વે નં. ૨૦૯ પૈકી ૨ વાળી કિંમતી જમીનનો સાટાકરાર કરાવી બળજબરીથી દસ્તાવેજ પોતાના તથા મળતિયાઓના નામે કરાવી લીધા હતા.

દરમિયાન, વ્યાજખોરોએ ગેરકાયદે સંપત્તિ અબડાસાના રાયધણપર ગામે સંબંધી ઓસમાણ ઉર્ફે ગની મંધરાના ઘરે છુપાવી હોવાની બાતમી મળતાં નલિયા ડીવાયએસપી મનીષા દેસાઈના માર્ગદર્શન હેઠળ કોઠારા પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે.રાડા અને ટુકડીએ રાયધણપર ખાતે શરૂ કરેલી તપાસ દરમિયાન રૂ. ૧.૨૪ કરોડથી વધુ રોકડ, ૮૩૧.૮૧૦ ગ્રામ સોનું અને ૨.૨૧૨ કિલો ચાંદી (કિંમત રૂ. ૧.૦૧ કરોડ), વિવિધ પેઢીઓના ૧૧ સ્ટેમ્પ, મિલકતની ૯ અસલ ખાતાવહીઓ, ૩૫ દસ્તાવેજો, ૭૪ ચેકબૂકો, સહી કરેલા ૭૭ ચેકો, ૭૨ બેંક પાસબૂકો, ૧૭ એટીએમ કાર્ડ, વાહનોની ૧૮ જેટલી આરસી બૂક તેમજ હિસાબી ડાયરીઓ જપ્ત કરવામાં આવી હતી.

પોલીસે અંકે કરેલા દસ્તાવેજો અને ચેકો અંગે સંબંધિત બેંકોને સતર્ક કરી આ નેટવર્કમાં અન્ય સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરનાં પગલાં ભરવા સઘન તપાસ હાથ ધરી છે. પશ્ચિમ કચ્છ પોલીસે નાગરિકોને ગેરકાયદે વ્યાજખોરોની ચુંગાલથી દૂર રહી અધિકૃત સંસ્થાઓ મારફતે જ નાણાકીય વ્યવહારો કરવા અનુરોધ કર્યો છે.

ઉત્સવ વૈદ્ય