Mon Oct 12 2026

Logo

કાશી વિશ્વનાથ: અનેકવાર ધ્વસ્ત થયાં પછી પણ પુનર્નિર્માણ પામેલું પ્રાચીન મંદિર

2026-10-12 07:45:00
Author: Umesh Trivedi
કાશી વિશ્વનાથ: અનેકવાર ધ્વસ્ત થયાં પછી પણ પુનર્નિર્માણ પામેલું પ્રાચીન મંદિર

ઉમેશ ત્રિવેદી 

કાશી વિશ્વનાથ એ 12 જયોતિર્લિંગમાં સૌથી વધારે લોકપ્રિય હોવાનું માનવામાં આવે છે. આ જગ્યા એ શિવ અને પાર્વતીનું સ્થાનક છે એમ માનવામાં આવે છે. કાશી વિશ્વનાથ મંદિર આદિકાળથી કાશીમાં છે. આદિલિંગના રૂપમાં તેનો ઉલ્લેખ મહાભારત અને ઉપનિષદોમાં પણ મળે છે. 11મી સદીમાં રાજા હરિશચંદ્ર દ્વારા આ મંદિરનો ર્જીણોદ્ધાર કરાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ મળે છે. ત્યાર પછી આ મંદિર સમ્રાટ વિક્રમાદિત્ય દ્વારા પાછું બનાવવામાં આવ્યું હતું. ત્યાર પછી સન 1194માં મોહમ્મદ ઘોરી દ્વારા લૂંટાયા બાદ તેનો નાશ કરવામાં આવ્યો હતો.

ઇતિહાસકારોએ જણાવ્યા પ્રમાણે, આ ભવ્ય મંદિરનો સન 1194માં મોહમ્મદ ઘોરીએ તોડી પાડયા બાદ તેને પાછું બનાવવામાં આવ્યું હતું. પણ, સન 1447માં જૌનપુરના સુલતાન મહમૂદ શાહ દ્વારા ફરી એકવાર તેનો નાશ કરાયો હતો. 1585માં રાજા ટોડરમલની મદદથી પંડિત નારાયણ ભટ્ટે આ જગ્યાએ એક ભવ્ય મંદિર ઊભું કર્યું હતું. સન 1632માં, શાહજહાંએ આ ભવ્ય મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો અને તે તોડી પાડવા પોતાની સેના પણ મોકલી હતી. ત્યારે હિન્દુ લોકોના પ્રતિકારને કારણે વિશ્વનાથ મંદિરના મધ્ય ભાગનો નાશ કરવામાં તેઓ અસમર્થ સાબિત થયા હતા. તે સમયે શાહજહાંના સૈન્યે કાશીમાં બીજાં 63 મંદિરોનો સંપૂર્ણ નાશ કર્યો હતો.

રાજા ટોડરમલે 1585માં આ મંદિરનું પુનનિર્માણ કર્યું હતું. 18 એપ્રિલ 1669ના ઔરંગઝેબે કાશી વિશ્ર્વનાથ મંદિરને તોડી પાડવાનો આદેશ આપતું હુકમનામું બહાર પાડયું હતું. આ હુકમનામું કોલકાતાની એશિયાટિક લાઈબ્રેરીમાં સાચવવામાં આવ્યું છે. તે સમયના લેખક સાકી મુસ્તૈદ ખાન દ્વારા લખાયેલા માસીદે આલમગીમાં આ મંદિર તોડી પડાયાનું વર્ણન છે.

ઔરંગઝેબના આદેશ પર આ કાશી વિશ્વનાથ મંદિર તોડી પાડવામાં આવ્યું અને ત્યાં જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી. બીજી સપ્ટેમ્બર 1669ના ઔરંગઝેબને આ મંદિર સંપૂર્ણ તોડી પડાયાની જાણ કરવામાં આવી. ઔરંગઝેબે દરરોજ હજારો બ્રાહ્મણોને ઇસ્લામ ધર્મ અંગિકાર કરાવવાનો પણ આદેશ આપ્યો હતો. આજે પણ ઉત્તર પ્રદેશમાં 90 ટકા મુસ્લિમોના પૂર્વજ બ્રાહ્મણો હોવાની જાણ થાય છે.

1752થી 1780 વચ્ચે મરાઠા સરદારો દત્તાજી સિંધિયા અને મલ્હારરાવ હોળકરે મંદિરને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સાત ઓગસ્ટે, મહાદજી સિંધિયાએ દિલ્હીના સમ્રાટ શાહ આલમ પાસેથી મંદિરને તોડી પાડવા બદલ વળતર મેળવવાનો આદેશ મેળવ્યો. જોકે, ત્યાં સુધીમાં કાશી અંગ્રેજી શાસન હેઠળ આવી ગયું હતું. તેથી મંદિરનું નવીનીકરણ અટકી ગયું. 1777-80માં ઇન્દોરની મહારાણી અહિલ્યાબાઇ હોળકરે આ મંદિરનું રિનોવેશન હાથ ધર્યું.

અહિલ્યાબાઇ હોળકરે એ જ સંકુલમાં વિશ્ર્વનાથ મંદિર બનાવ્યું. જેનાં પર પંજાબના મહારાજા રણજિતસિંહે સુવર્ણ છત્ર સ્થાપિત કર્યું હતું. ગ્વાલિયરની મહારાણી બૈજાબાઇએ જ્ઞાનવાપી મંડપ બનાવ્યો અને નેપાળનાં મહારાજે ત્યાં એક વિશાળ નંદી પ્રતિભા સ્થાપિત કરી હતી.

કાશી વિશ્વનાથ વિશે પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે. આ જયોતિર્લિંગ વિશે એમ કહેવાય છે કે ભગવાન શિવ પત્ની પાર્વતી સાથે હિમાલયમાં રહેતાં હતાં. ભગવાન શિવની સાધનામાં કોઇ અવરોધ ન આવે એ માટે પાર્વતીએ તેમને કોઇ બીજું સ્થાન પસંદ કરવાની સલાહ આપી હતી. ભગવાન શિવને રાજા દિવોદાસનું વારાણસી શહેર ખૂબ ગમતું હતું. ભગવાન શિવને શાંતિપૂર્ણ જગ્યા ફાળવવા માટે નિકુંભ નામના શિવગણે આ શહેરનો નાશ કર્યો. જોકે તેનાં કારણે રાજા દુ:ખી થયા અને તેમણે બ્રહ્માને પ્રસન્ન કરવા ઘોર તપસ્યા કરી અને આ દુ:ખ દૂર કરવા પ્રાર્થના કરી.

બીજી એક લોકવાયકા પ્રમાણે એકવાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે બન્નેમાંથી મોટું કોણ એ અંગે વિવાદ થયો. બ્રહ્મા અને વિષ્ણુ તેમના વાહન હંસ પર બેસીને બ્રહ્મા સ્તંભની ટોચ શોધવા ગયા, જયારે વિષ્ણુ નીચે શોધવા ગયા. ત્યારે સ્તંભમાંથી પ્રકાશપુંજ નીકળ્યો હતો.ભગવાન શિવ આ પ્રકાશપુંજમાં પ્રગટ થયા હતા. વિષ્ણુએ સ્વીકાર્યું કે તેઓ અંત શોધી શકતાં નથી. પણ બ્રહ્મા જૂઠું બોલ્યા  કે તેમને તે મળી ગયું છે. ત્યારે ભગવાન શિવે બ્રહ્માને શ્રાપ આપ્યો કે તેમની કયારેય પૂજા નહીં થાય. બ્રહ્માજીએ પોતાની પૂજા થાય એ માટે જૂઠું બોલ્યા હતા. એ પછી શિવ એ જગ્યાએ જયોતિર્લિંગના સ્વરૂપમાં નિવાસ કર્યો અને આમ વારાણસી (કાશી)માં ભગવાન શિવ જયોતિર્લિંગના સ્વરૂપમાં બીરાજમાન થયા.

એવી પણ એક માન્યતા છે કે ભગવાન શિવ તેમના એક ભક્તના સ્વપ્નમાં પ્રગટ થયા હતા, અને તેમને ગંગા નદીમાં સ્નાન કરવા અને બે શિવલિંગ જોવા કહ્યું હતું. ભક્તે સ્નાન કર્યા પછી તેમને ગંગા નદીમાંથી જ શિવલિંગ મળી આવ્યા હતા. તે શિવલિંગની આ મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે. ત્યારથી જ ભગવાન શિવ અહીં જયોતિર્લિંગ સ્વરૂપે બીરાજમાન છે.

આ કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી સવારે ત્રણ વાગ્યે કરવામાં આવે છે. ત્યાર પછી સવારના ચારથી 11 વાગ્યા સુધી દર્શન કરી શકાય છે. પછી સાંજે સાત વાગ્યે સંધ્યા આરતી અને રાતે 10.30 વાગ્યે શ્રૃંગાર આરતી કરવામાં આવે છે.

પુરાણોમાં વારાણસી શહેરનો કાશી તરીકે ઉલ્લેખ છે, એટલે આ મંદિરને કાશી વિશ્વનાથ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જયોતિર્લિંગને વિશ્વનાથ અથવા વિશ્વૈશ્વરા એટલે કે વિશ્વના નાથ તરીકે પૂજવામાં આવે છે. વારાણસી બનારસ કે કાશી તરીકે પણ ઓળખાય છે. વારાણસી ગંગા નદીને તીરે વસેલું છે અને તેની ગણના વિશ્ર્વના સૌથી જૂના વસવાટ ધરાવતા શહેર તરીકે થાય છે. અહીં વિશ્વપ્રસિદ્ધ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય હોવાથી ઉચ્ચ કોટિની વિદ્યા મેળવી શકાય છે.

કાશી કે હાલના વારાણસીમાં વિશ્વનાથ સાથે જ અન્નપૂર્ણા મંદિર, કાળ ભૈરવ મંદિર, તુલસી માનસ મંદિર, સંકટમોચન મંદિર, દુર્ગાકુણ્ડમાં આવેલું દુર્ગા મંદિર અને ભારતમાતાનું મંદિર પણ છે.