કેન્દ્ર સરકારે જાહેર કરેલાં ચાર મેગા પોર્ટમાં કચ્છનો દબદબો: રૂ. ૫૭ હજાર કરોડના ખર્ચે કંડલાનો વોટર ફ્રન્ટ વિકસાવાશે
ભુજ: આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારક્ષેત્રે ભારતમાં 'મેગા પોર્ટ'ના નવા યુગનો પ્રારંભ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં જાહેર કરાયેલાં ચાર મેગા પોર્ટ્સ પૈકી કચ્છનાં બે અગ્રણી બંદરો—દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા) અને મુંદરા અદાણી પોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશના મહત્તમ આયાત-નિકાસનું સંચાલન કરતાં કચ્છનાં આ બંને બંદરોને મળેલી આ નવી ઓળખથી સીમાવર્તી પંથકના ઔદ્યોગિક વિકાસને અભૂતપૂર્વ વેગ સાંપડશે.
કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આ મહત્ત્વપૂર્ણ નિર્ણયની વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, ભારતીય દરિયાકાંઠો હવે વૈશ્વિક વેપારનું સફળતાપૂર્વક વહન કરવા સુસજ્જ છે અને આર્થિક વિકાસના નવા દોરને ગતિ આપવાની પ્રચંડ તાકાત ધરાવે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન પોર્ટ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ બંદરને મેગા પોર્ટ તરીકે વર્ગીકૃત કરવા મંત્રાલયે નિર્ધારિત કરેલા કડક માપદંડો કંડલા, ન્હાવા શેવા (મહારાષ્ટ્ર), પારાદીપ (ઓડિશા) તેમજ મુંદરા બંદરે પરિપૂર્ણ કર્યા છે. આ માપદંડોના આધારે કેન્દ્ર સરકારે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડી આ ચારેય બંદરોને મેગા પોર્ટ જાહેર કર્યાં છે.
આઝાદી બાદ કરાચી બંદરની અવેજીમાં નિર્માણ પામેલું કંડલા પોર્ટ વર્ષ ૧૯૬૨માં મહાબંદર તરીકે ઘોષિત થયું હતું. તત્કાલીન રાજવી કાળની એક નાની જેટીથી શરૂ થયેલી વિકાસયાત્રા આજે ૧૬ કાર્ગો જેટી અને ૮ ઓઇલ જેટી સુધી પહોંચી છે. છેલ્લાં ૧૬ વર્ષથી દેશનાં પ્રમુખ બંદરોમાં કાર્ગો હેન્ડલિંગમાં પ્રથમ ક્રમે રહેલું કંડલા પોર્ટ હવે ૧૭૦ મિલિયન મેટ્રિક ટનના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યું છે. તાજેતરમાં ડીપીએ ખાતે ૬ કિલોમીટરના વોટર ફ્રન્ટ વિસ્તારમાં અંદાજે રૂ. ૫૭,૦૦૦ કરોડના તોતિંગ ખર્ચે મેગા પોર્ટ સંકુલના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. કેન્દ્રની સત્તાવાર મંજૂરી બાદ ભાતીગળ પ્રદેશ કચ્છ, સમગ્ર વિશ્વના શિપિંગ નકશા પર અગ્રેસર સ્થાન હાંસલ કરશે.
ઉત્સવ વૈદ્ય