Wed Apr 22 2026

Logo

યુવાનો મહિને લાખો રૂપિયાની નોકરી કેમ જતી કરી રહ્યા છે?

2026-04-22 16:13:27
Author: જયવંત પંડ્યા
Article Image

એક તરફ, અધધ રકમની જોબ યુવાનો જતી કરી રહ્યા છે તો બીજી બાજુ,  સુરત-  નોઇડા સહિત અનેક સ્થળોએ કર્મચારીઓ ઓછા પગારની વિરુદ્ધ હડતાળ-પ્રદર્શન કરી રહ્યા છે. કારણ શું છે?

સિક્કાની ત્રીજી બાજુ - જયવંત પંડ્યા

નોએડામાં વિરોધ

‘એક છોટી સી નૌકરી કા તલબગાર હૂં મૈં’... ’ કિશોરકુમાર પોતાના પર જ ફિલ્માવાયેલા એક ગીતમાં કહે છે. ફિલ્મનું નામ પણ હતું ‘નૌકરી’.

નોકરી મળવી એ ત્યારે પણ સદ્ભાગ્ય હતું, આજે પણ છે. ઉચ્ચ ડિગ્રીવાળા નવરા આંટાફેરા મારે છે, પણ તેમને  જ કોઈ જોબ નથી મળતી અને અનાયાસ મળી પણ જાય તો આવા ઊંચા પગારવાળી નોકરી ને કોઈ લાત મારી દે ખરું ?

હા, બે યુવાને એવું  કર્યું છે. વનેશ માળી નામના એક યુવાનને પુણેમાં એક સિનિયર પદ માટે રૂ. 47 લાખના વાર્ષિક પેકેજની નોકરી નકારી કાઢી. વનેશ માળીનું કહેવું છે કે કંપની અને પગાર બંને ભવ્ય છે, પરંતુ તેને એવું લાગે છે કે આ પદ માટે જરૂરી કૌશલ્ય હજુ તેની પાસે નથી. તેનું કહેવું છે કે પદની સાથે જવાબદારી પણ આવે છે. અપેક્ષા પણ વધી જાય છે. જેટલું ઊચું પદ, કંપનીને તેની પાસેથી તેટલી જ વધુ અપેક્ષા. આવામાં શીખવાનો સમય ઓછો મળે છે. જો પોતે પર્ફોર્મ ન કરી શક્યો તો પોતાના અને કંપની બંને માટે જોખમ.

આને લઈને સોશ્યલ મીડિયા પર બે પ્રકારના પ્રતિભાવ હતા એક વર્ગે તેની પ્રમાણિકતાની પ્રશંસા કરી તો બીજા વર્ગના લોકોએ કહ્યું કે મોટા ભાગના લોકો આવી તક નથી છોડતા. વિકાસ માટે જોખમ તો લેવું પડે. નવી જવાબદારીઓથી જ શીખવાનું મળે છે.

એવા દાખલા પણ જોવા મળે છે કે ઇન્ટરવ્યૂ લેનાર ઉપરી અધિકારી જે કંઈ પૂછે તેનો ‘હા’માં ઉત્તર આપે અને ‘ચીંધ્યું કામ પોતે શીખી જશે’ એવી બાંયધરી આપીને જોબમાં જોડાઈ તો જાય પણ પછી કામ ન ફાવે ત્યારે હાથ ઊંચા કરી દે ત્યારે કંપની પાસે તેમને નભાવવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી.

નોકરી નકારવાનો બીજો કિસ્સો જરા જુદો છે. દિલ્હીના 24 વર્ષના ચિરાગ મદને પ્રતિ વર્ષ રૂ. 17 લાખ (એટલે કે મહિને લગભગ દોઢ લાખ રૂપિયા)ના પેકેજવાળી નોકરી છોડી દીધી. ના, વનેશની જેમ ચિરાગનું નોકરી માટે છોડવાનું કારણ જવાબદારી માટે તૈયાર ન હોવું અથવા કૌશલ્યનો અભાવ નથી. ચિરાગ માટે કારણ છે અંગત જીવન અને નોકરી વચ્ચે સંતુલન. વર્ક-લાઇફ બેલેન્સ.

નોકરી માટે જાહેરખબરમાં એવું લખાયું હતું કે સવારે નવથી સાંજના પાંચ વાગ્યાની નોકરી છે, પરંતુ ચિરાગ નોકરીમાં જોડાયો તેના થોડા જ સમયમાં, કાર્યનો સમય વધારીને સવારના નવથી રાતના સાત કરી નાખવામાં આવ્યો. સપ્તાહમાં બે દિવસ રજા મળતી હતી. તેના બદલે કામગીરી છ દિવસની કરવામાં આવી....

ચિરાગે વીડિયો ક્લિપમાં કહ્યું કે ‘નોકરી છોડવાનો નિર્ણય તેણે આવેશમાં આવીને નથી લીધો, પરંતુ બરાબર વિચારીને લીધો છે. તેણે કાર્યસ્થળે જે વર્ક કલ્ચર હતું તેનું વર્ણન પણ કર્યું  છે. સ્ટાફને કામનો ભાર પૂર્ણ કરવા માટે ભોજન દસથી પંદર મિનિટમાં લઈ લેવા દબાણ થતું. 

બીમારી માટે રજા લેવી એ પણ ખૂબ અઘરી બની ગઈ હતી એવી રજા માટે વિસ્તૃત સ્પષ્ટીકરણ આપવું પડતું હતું.

આ ઉપરાંત. સેલ ટાર્ગેટ ઊંચો અપાતો.    

  10 કરોડ રૂપિયાના સોદાનું લક્ષ્ય પૂરું ન થાય તો દબાણ વધતું જતું હતું અને કાર્યપ્રદર્શનની સતત સમીક્ષા થતી હતી... કંપનીઓની આવી નીતિ-રીતિ પર પણ લોકોના નેગેટિવ પ્રતિભાવ આવ્યા. 

આ વાત માત્ર બેંકિંગ કે ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટની નથી, એકંદર મોટાભાગની કંપનીઓમાં આવું જ  વાતાવરણ છે. તાજેતરમાં નોઇડામાં કર્મચારીઓએ હડતાળ કરી. પોલીસ પર પથ્થરમારા સુધી વાત પહોંચી ગઈ. આવા પ્રદર્શન પછી તેમનો પગાર વધારો થયો ખરો. 
અહીંના કામદારોને વર્ષોથી આ કૂદકે ને ભૂસકે વધતી મોંઘવારીમાં મહિને માત્ર રૂ. 10,000થી લઈને રૂ. 15,000 મળતા હતા ! બિહાર-  સુરત-  માનેસર અને પાનીપતમાં પણ આવાં પ્રદર્શનો થયાં છે. પગાર ઉપરાંત રજા, કાર્યસ્થળે પીવાનું અને શૌચાલયમાં પાણી, જમવા માટે બેસવાની જગ્યા, જમવા અને ચા પીવા માટે વિરામ સહિત અનેક પ્રશ્નોને કર્મચારી અને કામદારો માટે મહત્ત્વની બની રહે છે.

આ બધું જ્યારે માથા પરથી ઉપર જાય ત્યારે નોઇડા જેવાં પ્રદર્શન અન્ય સ્થળો પર થાય એ સહજ છે. આમ  એક તરફ, લોકો પગારવધારા માટે આંદોલન કરે છે અને બીજી તરફ, અંગત જીવનને અસર પડે તેવી ઊંચા પગારવાળી નોકરી યુવાનો જતી કરી રહ્યા હોય એવો જબરો વિરોધાભાસ પણ જોવા મળે છે.