Sun Sep 13 2026

Logo

ભારત પ્રથમ ટેસ્ટમાં કદાચ ત્રણ સ્પિનરને મેદાન પર ઊતારશે અને ત્રણેય છે...

Galle   2026-08-13 22:05:25
Author: Ajay Motiwala
ભારત પ્રથમ ટેસ્ટમાં કદાચ ત્રણ સ્પિનરને મેદાન પર ઊતારશે અને ત્રણેય છે...

ગૉલઃ શનિવાર, 15મી ઑગસ્ટે અહીં શ્રીલંકા સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટેની પિચ ખૂબ ચર્ચામાં છે અને એને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયા (Team India)ના બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલે સંકેત આપ્યો છે કે આ મૅચ માટે ત્રણ સ્પિનરને મેદાન પર ઊતારવામાં આવશે. આ ત્રણેય સ્પિનર ડાબોડી છે.

બીજી અને છેલ્લી ટેસ્ટ કોલંબોમાં રમાશે, પરંતુ એ પહેલાં ગૉલ (Galle)ની ટેસ્ટમાં શુભમન ગિલ ઍન્ડ કંપનીની આકરી કસોટી થશે જેનું કારણ એ છે કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની નવી સીઝન માટે બન્ને દેશ ઉપરના રૅન્કિંગમાં આવવા ભારે રસાકસીમાં ઊતરી રહ્યા છે.

શનિવારની ગૉલની પ્રથમ ટેસ્ટ (First Test)માં ભારતીય ટીમ-મૅનેજમેન્ટ કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા અને માનવ સુથારને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવશે એવી સંભાવના છે. ભારત પાસે સારાંશ જૈનના રૂપમાં નવો ઑફ-સ્પિનર પણ છે.

બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, `અમારી પાસે કુલદીપના રૂપમાં આક્રમક સ્પિનર છે. તેનો અનુભવ અને સ્પિનર તરીકેનું તેનું લેવલ અમારા માટે બેહદ મહત્ત્વપૂર્ણ છે. મારા મતે આ ત્રણેય સ્પિનરમાં અલગ-અલગ ખાસિયત છે. એક (માનવ સુથાર) બૉલને થોડો વધુ ટર્ન કરે છે, જ્યારે બીજો (રવીન્દ્ર જાડેજા) અન્યો કરતાં થોડો વધુ સચોટ છે. મને નથી લાગતું કે ટીમમાં ત્રણ લેફ્ટ-આર્મ સ્પિનરને રાખવા એ અમારા માટે મોટો મુદ્દો છે. કૅપ્ટન (શુભમન ગિલ) ચોક્કસ સમયે કયા બોલરનો ઉપયોગ કરશે એના પર નિર્ભર રહેશે. ટૂંકમાં, આ તમામ બોલર્સ મૅચમાં બધી 20 વિકેટ લઈ શકે એમ છે.'

મૉર્ની મૉર્કલનું એવું પણ કહેવું છે કે `ભારતને સ્પિન આક્રમણને કારણે આક્રમક અભિગમનો સારો વિકલ્પ મળી ગયો છે. ખાસ કરીને ગૉલની પિચની વાત કરું તો મૅચ આગળ વધશે એમ સ્પિનરોને વધુ લાભ મળતો જશે. આ મેદાનની પિચની પરંપરા જોઈએ તો અહીં ત્રણ સ્પિનર સાથે રમવું એ સારો નિર્ણય બની શકે.'