અમદાવાદઃ ગુજરાતભરના 600 થી વધુ વેપાર સંગઠનો 2 ઓક્ટોબરના રોજ રાજ્યવ્યાપી 'નો યુપીઆઈ ડે'ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને યુપીઆઈને બદલે રોકડ અથવા કાર્ડ દ્વારા ચુકવણી કરવા વિનંતી કરવામાં આવશે.
ગાંધી જયંતિ પર આયોજિત આ એક દિવસીય વિરોધ પ્રદર્શન દ્વારા વેપારી સંગઠનો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) ના નવા નિયમનો વિરોધ કરી રહ્યા છે. 2,000 રૂપિયાથી વધુના યુપીઆઈ વ્યવહારો પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ નાખવામાં આવ્યો છે, તેનો વિરોધ કરવા આ સાંકેતિક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
વેપારી જૂથોએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત એમડીઆર નાના અને મધ્યમ કદના વ્યવસાયો માટે પહેલાથી જ ઓછા માર્જિન વધુ ઘટાડશે અને આખરે આ બોજ ગ્રાહકો પર નાખવામાં આવશે. જે વેપારીઓ આ વિરોધમાં જોડાયા છે, તેઓ તેમના યુપીઆઈ ક્યુઆર કોડને કાળા કપડાથી ઢાંકી દેશે, જેથી ગ્રાહકોએ રોડક અથવા કાર્ડથી જ પેમેન્ટ કરવાનું રહેશે.
આ વિરોધમાં દરેક ક્ષેત્રના વેપારી એસોસિયેશન જોડાયેલા છે. નાના ગામડાથી માંડી તમામ શહેરોના વેપારીઓ સહિત 600 જેટલા અલગ અલગ એસોસિયેશન બીજી ઑક્ટોબરે નૉ યુપીઆઈ ડે મનાવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ સાથે વેપારી એસોસિયેશનો જો આ ચાર્જ પાછો ન ખેંચાય તો આગળ શું કરવું તે અંગે પણ વિચારવિમર્શ કરી રહ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.