અમદાવાદઃ રાજ્યમાં ભાદરવા મહિનાની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અંજારમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ક્યાં કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 259 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં એક તાલુકામાં 7 ઇંચથી વધારે, એક તાલુકામાં 6 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 5 ઇંચથી વધારે, આઠ તાલુકામાં 4 ઇંચથી વધારે, 26 તાલુકામાં 3 ઇંચથી વધારે, 37 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો નોંધાયો હતો.
કચ્છના અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઇંચ અને જામનગર શહેરમાં 5.59 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત બોરસદમાં 5.51 ઇંચ, કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ અને ગાંધીધામ, ભચાઉ, કડી, કરજણ, સુરત શહેર તથા ધોળકા સહિતના વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે અમદાવાદ શહેરમાં પણ 3.43 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે હળવા કે સામાન્ય વરસાદની શક્યતા છે. જો કે, રાહતની વાત એ છે કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.
અંબાલાલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, રાજ્યના વિવિધ ભાગોમાં સક્રિય વરસાદી માહોલ જળવાઈ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદી ઝાપટાં પડશે. દક્ષિણ ગુજરાતમાં તો 15 સપ્ટેમ્બર સુધીમાં 12 ઇંચ જેટલો જંગી વરસાદ ખાબકી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગંભીર જળભરાવ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં સ્પષ્ટતા કરી છે કે આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધશે, જેના કારણે અત્યાર સુધી પ્રમાણમાં ઓછા વરસાદવાળા રહેલા દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા દરિયાકાંઠાના પંથકોમાં પણ 3 ઇંચ સુધી પાણી વરસી શકે છે. આટલું જ નહીં, બંગાળની ખાડીમાં આગામી 18 સપ્ટેમ્બર અને 25 સપ્ટેમ્બરની આસપાસ ક્રમશઃ વધુ 2 નવી મજબૂત સિસ્ટમ સર્જાવાની શક્યતા છે, જેની સીધી અસરે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રાખશે.