અમદાવાદઃ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ચોમાસાની વિદાયની રેખા કચ્છના ઉત્તરીય ભાગ, નલિયા અને ડીસા તરફથી પસાર થઈ રહી છે. હવામાનની સ્થિતિ જોતા આગામી દિવસોમાં ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારોમાંથી પણ વિદાય લે તેવી શક્યતા છે. તેની સાથે રાજ્યમાં વરસાદનો વ્યાપ અને તીવ્રતા પણ ધીમે ધીમે ઘટી શકે છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાક પૂરા થયેલા 24 કલાકમાં 8 તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. એક પણ તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો નહોતો. અમરેલીના લીલીયામાં સૌથી વધુ 0.35 ઇંચ વરસાદ નોંધાયો હતો. કપરાડામાં 0.35 ઇંચ, રાજુલામાં 0.24 ઇંચ, જેસરમાં 0.24 ઇંચ, કોઠંબામાં 0.24 ઇંચ, ચીખલીમાં 0.16 ઇંચ, નેત્રંગમાં 0.08 ઇંચ તથા જાફરાબાદમાં 0.04 ઇંચ વરસાદ વરસ્યો હતો.
આગામી 5 દિવસ ક્યાં છે વરસાદની આગાહી
નૈઋત્યના ચોમાસાની પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારો, સમગ્ર દિલ્હી તથા ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી વિદાય થઈ ગઈ છે. હાલ ચોમાસાની વિદાયની રેખા ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા અને નલિયા થઈને પસાર થઈ રહી છે. એટલે ગુજરાતમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ રાજ્યમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું નથી. આ જ કારણસર આગામી કેટલાક દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા યથાવત છે. આજે જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ થઈ શકે છે.
25 સપ્ટેમ્બરે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ પડી શકે છે. 26 થી 29 સપ્ટેમ્બર દરમિયાન વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ અને બોટાદમાં વરસાદની શક્યતા નથી. જોકે નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હળવો વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.