Sat Oct 03 2026

Logo

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, રાજ્યમાં ફરી મેઘમહેરના એંધાણ:  પરેશ ગોસ્વામીની આગાહી

2026-09-09 08:26:16
Author: Mayur Patel
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, રાજ્યમાં ફરી મેઘમહેરના એંધાણ:  પરેશ ગોસ્વામીની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે. જેના કારણે ખેતરોમાં ઉભેલો પાક સુકાવા લાગ્યો છે. ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 12 તારીખથી 15 તારીખ સુધી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર પરથી પસાર થઈ અરબી સમુદ્ર તરફ આગળ વધશે, જેની અસર ગુજરાતમાં વિવિધ જગ્યાએ જોવા મળશે. પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી છે.

હવામાન ખાતા મુજબ, રાજ્યોમાં આગામી 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન લો પ્રેશર સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી શકે છે.    12 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય અન્ય જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે 13 સપ્ટેમ્બરે કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાદ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ દરમિયાન વરસાદ પડી શકે છે.

પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી

ગુજરાતમાં વરસાદના લાંબા વિરામ અને ખેંચાયેલા વરસાદ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતો માટે આશ્વાસનરૂપ અને રાહત આપતી આગાહી કરવામાં આવી છે. વરસાદ ખેંચાવાને કારણે ચિંતામાં મુકાયેલા ખેડૂતો માટે આગામી દિવસોમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

પરેશ ગોસ્વામીએ કહ્યું બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સરહદ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિવાય પવનની ગતિમાં ઘટાડો થવાથી સિસ્ટમને ગુજરાત તરફ આવવામાં પવનનો અવરોધ નહીં નડે , જેના કારણે આગામી 12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે.

ક્યાં કેવો પડશે વરસાદ

પરેશ ગોસ્વામી મુજબ, બંગાળની ખાડીમાં સર્જાતી હવામાન સિસ્ટમ અને ભેજવાળા પવનોના પ્રભાવ હેઠળ રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રિય થવાની સંભાવના છે. ભાદરવા મહિના દરમિયાન વાતાવરણ અનુકૂળ બનતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ સારો વરસાદ વરસી શકે છે. પોરબંદર, દ્વારકા, જામનગર સહિત સૌરાષ્ટ્રના પશ્ચિમ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ શરૂ થવાની સંભાવના છે.વરસાદની ઘટ અનુભવી રહેલા કચ્છ વિસ્તારમાં પણ આ સિસ્ટમના લીધે રાહતરૂપ ઝાપટાં કે વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર-મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સ્થાનિક વાદળો અને સિસ્ટમની અસરથી વરસાદ નોંધાઈ શકે છે.

ખેતી અને ખેડૂતોને લઈ શું કહ્યું પરેશ ગોસ્વામીએ

પરેશ ગોસ્વામીએ કહ્યું, લાંબા સમયથી વરસાદ ન વરસવાને કારણે કપાસ, મગફળી, તલ અને અન્ય ખરીફ પાકો સુકાઈ જવાના આરે હતા. વરસાદના આગમનથી પાકને નવું જીવન મળશે. વરસાદી રાઉન્ડ સક્રિય થવાથી કૂવા અને બોરના તળ જળવાઈ રહેશે તેમજ પિયત માટે પાણીની જરૂરિયાતમાં ખેડૂતોને રાહત મળશે.

હવામાન વિભાગની આગાહી અને પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ, ચોમાસાનો આ નવો તબક્કો ખેડૂતો માટે આશાનું કિરણ લઈને આવશે. વરસાદના પુનરાગમનથી કૃષિ ક્ષેત્રે થયેલા નુકસાન સામે રાહત મળશે અને ખરીફ મોસમ સફળ થવાની આશા જીવંત થશે.