અમદાવાદઃ ગુજરાતમાંથી ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. રાજ્યના 207 ડેમમાંથી માત્ર 32 ડેમ જ 100 ટકા ભરાયેલા છે. જેના પરથી રાજ્યમાં આ વર્ષે પાણીની અછતના એંધાણ લાગી રહ્યા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 99.25 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયો તેમની કુલસંગ્રહ ક્ષમતાના 71.73 ટકા ભરાયેલા છે. રાજ્યમાં 32 ટકા ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 38 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 26 ડેમ 50 થી 70 ટકા વચ્ચે અને 38 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યમાં 72 ડેમમાં 25 ટકાથી પણ ઓછો જળસંગ્રહ છે.
રાજ્યમાં ધાતરવાડી, ધાતરવાડી-2, સુરજવાડી, રાયડી, વાયડી, પિંગુટ, ધોળી, પિંગળી, હમીરપરા, રોજકી, ખારો, માલણ, શેત્રુંજી, હાણોલ, ખાંભડા, ઉતાળવી, કાળી-2, કબુતરી, ઉમરિયા, કાલાઘોઘા,મચ્છુ-3, ચોપડાવાવ, કાકડી-આંબા, કેલિયા, જૂજ, લાલપરી, ન્યારી-2, જીવનપુરા, લખીગામ, વાંસલા, ડોસવાડા ડેમ છલકાઈ ગયા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં સિઝનનો સરેરાશ 89.16 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 57.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા, પૂર્વ મધ્યમાં 89.68 ટકા, સૌરાષ્ટ્રમાં 71.29 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 114.23 ટકા વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ચોમાસાની વિદાયની રેખા કચ્છના ઉત્તરીય ભાગ, નલિયા અને ડીસા તરફથી પસાર થઈ રહી છે. હવામાનની સ્થિતિ જોતા આગામી દિવસોમાં ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારોમાંથી પણ વિદાય લે તેવી શક્યતા છે. તેની સાથે રાજ્યમાં વરસાદનો વ્યાપ અને તીવ્રતા પણ ધીમે ધીમે ઘટી શકે છે.