Wed Apr 29 2026

Logo

"CBRT હટાવો, ભવિષ્ય બચાવો," CCEની ઓનલાઈન પરીક્ષા સામે ઉમેદવારોનું  વિરોધ પ્રદર્શન

2026-04-28 10:34:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી CCE (કમ્બાઈન્ડ એક્ઝામિનેશન, ગ્રુપ-A અને ગ્રુપ-B) ભરતીની પરીક્ષા પદ્ધતિને લઈ રાજ્યભરના સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પરીક્ષા માટે અપનાવવામાં આવેલી CBRT (કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ) પદ્ધતિ સામે વિદ્યાર્થીઓએ સખત વાંધો ઉઠાવ્યો છે. આ પદ્ધતિમાં રહેલી વિસંગતતાઓ અને મુશ્કેલીઓને દૂર કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ઉમેદવારો દ્વારા બેનરો લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. 

મળતી વિગતો અનુસાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી CCE (કમ્બાઈન્ડ એક્ઝામિનેશન, ગ્રુપ-A અને ગ્રુપ-B) ભરતીની ઓનલાઈન એટલે કે CBRT પરીક્ષા પદ્ધતિના વિરોધમાં વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવ્યો હતો. રજૂઆતો અને આવેદનપત્રો આપવામાં આવ્યા બાદ હવે આ મામલે પાટનગર ગાંધીનગરમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ચૂંટણીના બીજા જ દિવસે ઉમેદવારોએ ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી ખાતે મળીને ઓફલાઇન પરીક્ષા લેવા માટે રજૂઆત કરવામાં આવ્યો હતો. ઉમેદવારોએ 'એક પરીક્ષા, એક પેપર', 'વિદ્યાર્થીઓની એક જ માંગ, પારદર્શક પરીક્ષા', 'એક પરીક્ષા, એક માપદંડ', ' 
CBRT હટાવો, યુવાનોનું ભવિષ્ય બચાવો', 'મહેનત અમારી, નિર્ણય અલ્ગોરિધમનો' જેવા પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. 

થોડા દિવસ અગાઉ આ મામલે જ રાજ્યના તમામ મુખ્ય કેન્દ્રો પર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. અમદાવાદમાં કલેકટર અને નિવાસી અધિક કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી, તો સુરતમાં કલેકટરની સાથે સાંસદ મુકેશ દલાલને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં રાજકોટના ઉપલેટા, જામનગર, અને જૂનાગઢમાં પ્રાંત અધિકારીને રજૂઆતો કરાઈ હતી, જ્યારે સુરેન્દ્રનગરમાં કલેકટર ઉપરાંત વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાને પણ વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા ઠાલવી હતી. જામનગર અને ભુજ કલેકટર કચેરીએ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વિરોધના પડઘા સંભળાયા હતા. પાલનપુર, પાટણ, આણંદ, અરવલ્લી અને સાબરકાંઠામાં જિલ્લા કલેકટર તેમજ નિવાસી અધિક કલેકટરને રજૂઆતો કરવામાં આવી હતી. બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં અને સાંસદ શોભનાબેન બારૈયા તેમજ તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણને પણ વિદ્યાર્થીઓએ પત્ર લખી માંગ કરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ગાંધીનગર સ્થિત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ રૂબરૂ જઈને પોતાની માંગણીઓ રજૂ કરી હતી,.

આ અંગે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત CCEની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની માંગ કરી હતી. પત્રમાં જણાવ્યા અનુસાર, હાલમાં આ પરીક્ષા CBRT પદ્ધતિથી લેવાનું આયોજન છે, જેની સામે ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યએ ઉમેદવારો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાને રાખીને CBRT ના બદલે પરંપરાગત MCQ-OMR પદ્ધતિ અમલમાં લાવવા માટે ભલામણ કરી હતી.

પત્રમાં CBRT પદ્ધતિની ખામીઓ દર્શાવતા ઉલ્લેખ કરાયો હતો કે, ભૂતકાળમાં 71 શિફ્ટમાં લેવાયેલી પરીક્ષામાં નોર્મલાઈઝેશન ફોર્મ્યુલાને કારણે ઉમેદવારોના ગુણમાં 2 થી 37 માર્કસ સુધીનો મોટો તફાવત જોવા મળ્યો હતો, જે મહેનતુ ઉમેદવારો માટે અન્યાયકર્તા છે. વધુમાં, અગાઉની CBRT પરીક્ષામાં 300 થી વધુ પ્રશ્નોના જવાબો ખોટા હોવા અને ખાનગી એજન્સીઓની નબળી કામગીરી બાબતે નામદાર હાઈકોર્ટે પણ નોંધ લીધી હતી, જેના કારણે ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો હતો. તેની સરખામણીએ ઓફલાઈન પદ્ધતિ વધુ પારદર્શક, ક્ષતિરહિત અને ઝડપી હોવાનું ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું હતું.