Sun Apr 12 2026

Logo

નાણાકીય વર્ષ 2025-26માં જેમ પ્લેટફોર્મ પર રૂ. 5.03 લાખ કરોડના કામકાજ

2026-04-07 20:25:46
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ગત નાણાકીય વર્ષ 2025-26માં જાહેર પ્રાપ્તિ માટેના પ્લેટફોર્મ  ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ (જેમ) હેઠળ રૂ. 5.03 લાખ કરોડનાં કામકાજ અથવા તો સોદાઓ થયા હતા. જોકે, સોદાઓ અથવા તો ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ આગલા નાણાકીય વર્ષના રૂ. 5.43 લાખ કરોડની સરખામણીમાં 7.4 ટકા ઓછું હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. 

એકંદરે ગત નાણાકીય વર્ષમાં જેમ પ્લેટફોર્મ પર થયેલા કામકાજમાં ઘટાડાનું મુખ્ય કારણ કોલસા મંત્રાલયની સહભાગીતા ઓછી થઈ હોવાનું જણાવતા જેમ પ્લેટફોર્મના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર મિહિર કુમારે જણાવતાં ઉમેર્યું હતું કે આગલા નાણાકીય વર્ષમાં કુલ કામકાજોમાં કોલસા મંત્રાલયના કામકાજની ટકાવારી જે 34 ટકા હતી તે ગત નાણાકીય વર્ષમાં ઘટીને 20 ટકાના સ્તરે રહી હતી અને રૂ. 1,02,219 કરોડના સોદા થયા હતા. વર્ષ 2025-26માં કૉલ ઈન્ડિયા લિ.એ આ પ્લેટફોર્મ પરથી રૂ. 82,285 કરોડના મૂલ્યના ગૂડ્સ અને સર્વિસીસની ખરીદી કરી હતી.

એકંદરે ગત સાલ જેમ પ્લેટફોર્મે સંચિત અથવા તો ક્યુમિલિટીવ ધોરણે રૂ. 18.4 લાખ કરોડનો ગ્રોસ મર્કન્ડાઈઝ વૅલ્યૂ (જીએમવી)નો આંક હાંસલ કર્યો છે, જેમાં નાણાકીય વર્ષ 2025-26નાં રૂ. પાંચ લાખ કરોડના જીએમવીનો સમાવેશ થતો હોવાનું કુમારે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ પ્લેટફોર્મ પર અસરકારકતા વધારવા માટે ઘણી નવી સુવિધાઓનો ઉમેરવામાં આવી છે, જેમાં રેટ કોન્ટ્રાક્ટ અને ગ્લોબલ ટેન્ડર ઈન્ક્વાયરી (જીટીઈ)નો સમાવેશ થાય છે. તેમ જ ઘણાં ચલણોમાં બિડિંગ થઈ શકે અને આંતરરાષ્ટ્રીય વેચાણકર્તા સહભાગી થઈ શકે તે માટે પ્લેટફોર્મને અપગે્રડ પણ કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

ગત નાણાકીય વર્ષમાં જેમ પ્લેટફોર્મ પર પ્રાપ્તિ કરનારાઓમાં મુખ્યત્વે કોલસા, સંરક્ષણ, પાવર, ફાઈનાન્સ અને સ્ટીલ મંત્રાલયનો સમાવેશ થાય છે, જ્યારે મુખ્ય સીપીએસઈ ખરીદદારોમાં કોલ ઈન્ડિયા, એનટીપીસી, એનએલસી ઈન્ડિયા, આઈઓસી લિ., સેઈલ અને ઓએનજીસીનો સમાવેશ થતો હતો. કુમારે વધુમાં જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ પર 11 લાખ એમએસએમઈ રજિસ્ટર્ડ થયા છે અને તેઓને રૂ. ગત નાણાકીય વર્ષમાં રૂ. 2.36 લાખ કરોડના ઓર્ડર મળ્યા હતા. વધુમાં 2.1 લાખ મહિલા એમએસઈ રજિસ્ટર્ડ થયેલા હતા અને તેઓને રૂ. 28,000 કરોડના ઓર્ડર મળ્યા હતા.