અમદાવાદઃ ગુજરાતના પોલીસ વડા (DGP) જી. એસ. મલિકે રાજ્યની કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવા અને સામાન્ય નાગરિકોને ઝડપી ન્યાય અપાવવા માટે બે મહત્વપૂર્ણ આદેશો જાહેર કર્યા છે. રાજ્યના સામાન્ય નાગરિકોને પોતાની નાની-મોટી ફરિયાદો કે રજૂઆતો માટે ગાંધીનગર સ્થિત વડી કચેરી સુધી ધક્કા ન ખાવા પડે તે હેતુથી ગુજરાત પોલીસ વડાએ આદેશ જાહેર કર્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે રાજ્યના તમામ પોલીસ કમિશનરથી લઈને પોલીસ સ્ટેશનના PI કક્ષાના અધિકારીઓએ દરરોજ ફરજિયાત 2 કલાકનો સમય માત્ર મુલાકાતીઓ અને અરજદારોના પ્રશ્નો સાંભળવા માટે ફાળવવો પડશે.
દરરોજ બે કલાક મુલાકાતીઓને સાંભળવાના રહેશે
આ નવીન વ્યવસ્થા અંતર્ગત, ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેવા કે તમામ પોલીસ કમિશનર, સંયુક્ત, અધિક, નાયબ કે મદદનીશ પોલીસ કમિશનર, રેન્જ વડા તેમજ પોલીસ અધિક્ષકે દરરોજ સવારે 12:00 થી 2:00 કલાક દરમિયાન ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહી મુલાકાતીઓને સાંભળવાના રહેશે અને તેમની લેખિત અરજી પર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. જો કોઈ અનિવાર્ય સંજોગોમાં મુખ્ય અધિકારી હાજર ન રહી શકે, તો કચેરીના સિનિયર અધિકારી અથવા રીડર દ્વારા અરજદારોની રજૂઆતો સાંભળીને અરજી મેળવવાની રહેશે અને તેને અધિકારીના ધ્યાન પર અગ્રતાના ધોરણે મૂકવાની રહેશે જેથી અરજદારને કચેરીએથી પરત ન ફરવું પડે.
સ્થાનિક સ્તરે પ્રજા સાથે સીધા જોડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરો સામાન્ય રીતે સવારના સમયે કોર્ટની મુદત, તપાસ કે સોગંદનામાની કામગીરીમાં વ્યસ્ત રહેતા હોવાથી, તેઓના માટે પણ મુલાકાતનો ચોક્કસ સમય નક્કી કરાયો છે. તમામ થાણા અમલદારોએ દરરોજ સાંજે 4:00 થી 6:00 (બે કલાક) સમયગાળામાં પોતાના પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહીને મુલાકાતીઓને રૂબરૂ મળવાનું રહેશે. તેઓએ સ્થાનિક નાગરિકોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી, લેખિત અરજી સ્વીકારીને તેના પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની રહેશે, જેથી કોઈપણ સામાન્ય નાગરિકને પોતાના પ્રશ્નના ઉકેલ માટે ઉપરની કચેરીઓ સુધી જવાની જરૂર જ ન પડે.
ભ્રષ્ટાચારના આક્ષેપની અરજીનો 6 અઠવાડિયામાં નિકાલ કરવો પડશે
અરજીઓના નિકાલ માટે કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત આર્થિક ગુનાઓ, વૈવાહિક કે પારિવારિક વિવાદો, તબીબી બેદરકારીના વિવાદો તેમજ ભ્રષ્ટાચારને લગતા આક્ષેપો ધરાવતી અરજીઓનો નિકાલ 6 અઠવાડિયામાં અચૂક થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે, જ્યારે આ સિવાયની અન્ય તમામ પ્રકારની સામાન્ય અરજીઓનો નિકાલ વધુમાં વધુ 15 દિવસમાં કરવાનો રહેશે.
કચેરીમાં નિયત રજિસ્ટર રાખવા સૂચના
વહીવટી પારદર્શિતા માટે રજૂઆત કરવા આવતા દરેક અરજદારોની વિગતો રાખવા માટે દરેક કચેરીમાં નિયત રજિસ્ટર રાખવાની પણ સૂચના અપાઈ છે. અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન જો કોઈ પણ સંજ્ઞેય (Cognizable) ગુનો બન્યો હોવાનું માલૂમ પડે, તો તે અંગે તાત્કાલિક અસરથી FIR નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાના આદેશ અપાયા છે. જી.એસ. મલિકે દરેક અરજીની તપાસ સંપૂર્ણ તટસ્થ અને ન્યાયિક રીતે થાય તે બાબત પર ખાસ ભાર મૂકીને તમામ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું અચૂકપણે પાલન કરવા કડક આદેશ કર્યો છે.