Mon Sep 07 2026

Logo

કોરિયન કોચના પ્રશિક્ષણમાં અઠવાડિયામાં બીજી ભારતીય બૅડમિન્ટન ખેલાડી જીતી ઐતિહાસિક ટાઇટલ

Asan-si   2026-08-09 19:23:37
Author: Ajay Motiwala
કોરિયન કોચના પ્રશિક્ષણમાં અઠવાડિયામાં બીજી ભારતીય બૅડમિન્ટન ખેલાડી જીતી ઐતિહાસિક ટાઇટલ

તન્વી શર્મા પછી હવે અશ્મિતા ચલીહા જીતીઃ જબરદસ્ત કમબૅક કરીને ચીનની હરીફને હરાવી દીધી

અસાન (કોરિયા): ભારતની 26 વર્ષીય બૅડમિન્ટન ખેલાડી અશ્મિતા ચલીહા (Chaliha)એ અહીં રવિવારે કોરિયા માસ્ટર્સ સુપર-300 બૅડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં પોતાનાથી ચડિયાતા ક્રમની ચીની ખેલાડી હૅન કિઆન શી (XI)ને હરાવીને પહેલી વખત આ સ્તરની ટૂર્નામેન્ટ (બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર)નું ટાઇટલ જીતી લીધું હતું. ગયા રવિવારે ભારતની તાઇપેઇ ઓપનનું ટાઇટલ જીતી હતી. એ સાથે, દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ બૅડમિન્ટન ખેલાડી પાર્ક તાએ-સૅન્ગના કોચિંગમાં અઠવાડિયામાં બીજી ભારતીય ખેલાડી ઐતિહાસિક ટાઇટલ જીતી છે.

રવિવાર, બીજી ઑગસ્ટે 17 વર્ષની તન્વી શર્મા તાઇપેઇ ઓપનનું ટાઇટલ જીતનારી સૌથી યંગેસ્ટ ખેલાડી બની હતી. સપ્તાહ બાદ અશ્મિતા ચલીહાએ હૅન શી સામેની મૅચમાં પ્રથમ ગેમ 14-21થી હારી ગયા પછી જોરદાર કમબૅક કરીને બાકીની બન્ને ગેમ 21-14, 21-14થી જીતી લીધી હતી. આ મૅચ 53 મિનિટ સુધી ચાલી હતી.

અશ્મિતા ચલીહા આસામની છે. બે વર્ષ પહેલાં તેને ઘૂંટણમાં ખૂબ દુખાવો થયો હતો અને પછીથી તેણે સર્જરી કરાવવી પડી હતી જેને કારણે તેની કરીઅર ખોરવાઈ ગઈ હતી. મહિલા બૅડમિન્ટનમાં તેની 50મી રૅન્ક છે અને તેણે 35મા ક્રમની હૅન શીને પરાજિત કરીને મોટી સિદ્ધિ મેળવી છે.

રવિવારની ફાઇનલ પહેલાં અશ્મિતા અને કોચ પાર્ક તાએ-સૅન્ગે ચીનની હૅન શીની મૅચોના વીડિયો જોયા હતા અને તેની ખામીઓ પારખી લીધી હતી અને એ રીતે વ્યૂહરચના નક્કી કરી હતી.