Wed Aug 26 2026

Logo

આણંદમાં મોલની અંદર યુવક પર પૂર્વ પત્ની અને તેના પરિવારે કર્યો જીવલેણ હુમલો

2026-07-02 21:46:52
Author: Devayat Khatana
આણંદમાં મોલની અંદર યુવક પર પૂર્વ પત્ની અને તેના પરિવારે કર્યો જીવલેણ હુમલો

(અમારા પ્રતિનિધિ તરફથી)

આણંદ:
આણંદ શહેરના સોજીત્રા રોડ પર આવેલા મોલમાં કામ કરતા સલીમ ખાન પઠાણ પર તેની પૂર્વ પત્ની અને તેના પરિવારજનો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી હતી. સલીમ ખાન જ્યારે મોલમાં આવેલ તેના સ્ટોર પર ફરજ પર હતા, ત્યારે તેની પૂર્વ પત્ની મહેજબીન તેના પિતા અને ભાઈ સાથે ત્યાં પહોંચી હતી. આ લોકોએ સલીમને સ્ટોરમાંથી ઘસડીને બહાર કાઢ્યો હતો અને લાકડાના બેટ તથા હેલમેટ વડે તેના પર નિર્દયતાથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ થયો હતો.

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સલીમને તાત્કાલિક જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેની નાજુક હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે તેને એક ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પીડિતના જણાવ્યા અનુસાર, મહેજબીન સાથે તેનો છૂટાછેડા થઈ ગયા હોવા છતાં, તે અને તેનો પરિવાર છૂટાછેડાના પૈસાની માગણી કરી તેના પર સતત દબાણ કરી રહ્યા હતા.

સલીમ ખાને આરોપ લગાવ્યો હતો કે હુમલાખોરોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સોનાની ચેઈન તેમજ મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હતા. પીડિતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવીને કડક કાર્યવાહીની માગ કરી હતી. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી અને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી.

વધુ જુઓ...