ઉત્સવ

ડેનિયલ કાહન્મન: મગજની ‘બેવકૂફી’ના ગુરુ!

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

પશ્ર્ચિમમાં જે કામ માનસશાસ્ત્રીનું છે. ભારતમાં તે કામ ગુરુઓ- મહાત્માઓ અને સંતોનું છે. આ બંને – માનવીય મગજની વાસ્તવિક પ્રકૃતિની વાત કરે છે. ફર્ક એટલો જ છે કે એક ગુરુ કે સંત ખુદના અનુભવોનું અર્થઘટન કરે છે.

ખુદના વિચારો, વર્તન, લાગણીઓ, ઈચ્છાઓ અને ઇન્દ્રિયોનો અભ્યાસ કરે છે, જયારે એક માનસશાસ્ત્રી બીજાલોકોનાં મનનો, એમના વિચારો, વર્તન અને લાગણીઓનો અભ્યાસ કરે છે. બંને માનવીય વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે, પણ એકનો અભિગમ સબ્જેક્ટિવ છે તો બીજાનો ઓબ્જેક્ટિવ. એટલે હમણાં ૨૭મી માર્ચે અવસાન પામેલા નોબેલ પુરષ્કાર વિજેતા માનસશાસ્ત્રી ડેનિયલ કાહ્નમનને સમાચારપત્રોએ આચરણના ‘ગુરુ’ (બિહેવ્યર ગુરુ) ગણાવ્યા ત્યારે એમાં આશ્ર્ચર્ય થવા જેવું નહોતું. ડેનિયલે એમનું આખું જીવન માનવ મગજ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવામાં વિતાવી દીધું હતું. લોકો જે પણ નિર્ણયો કરે છે તે કેવી રીતે અને શા માટે કરે છે તેમજ આ જટિલ દુનિયામાં તેમના વિચાર-વર્તન શેનાથી પ્રભાવિત થાય છે તે સમજવામાં એમને બહુ રુચિ હતી. ઇઝરાયલી-અમેરિકન કાહ્નમનનો જન્મ ૫ માર્ચ, ૧૯૩૪ના રોજ લિથુઆનિયન યહૂદી પરિવારમાં થયો હતો. એમણે જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. જ્યારે ઈઝરાયલ ૧૯૫૪માં એક અલગ દેશ બન્યો, ત્યારે એમણે ઈઝરાયેલી સેનામાં સેક્ધડ લેફ્ટનન્ટ તરીકે સેવા આપી હતી.

થોડા સમય પછી એમને મનોવિજ્ઞાન
શાખામાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં એમણે માન્યતાના ભ્રમ (ઇલ્યુઝન ઓફ વેલિડિટી) નો સિદ્ધાંત આપ્યો. તેમાં એમણે કહ્યું હતું કે જે વ્યક્તિ એના ઓફિસર વિશે ધારણા બાંધે છે એ વધુ પડતા આત્મવિશ્ર્વાસનો શિકાર બની શકે છે અને તેના કારણે કોઈના વિશે ખોટો નિર્ણય લઈ શકે છે.

પાછળથી આ સિદ્ધાંત બિહેવ્યર સાઈકોલોજીમાં ખૂબ લોકપ્રિય થયો હતો, જેમ કે એક જુગારીને એવો આત્મવિશ્ર્વાસ હોય છે કે એને જુગારનો બહુ અનુભવ છે એટલે એ પરિણામનું સટીક અનુમાન કરવા સક્ષમ છે, પણ હકીકત એ છે કે જુગાર સંયોગ કે નસીબનો ખેલ છે. એવી જ રીતે, શેરબજારના સફળ રોકાણકારને એવો ભ્રમ થઇ જાય છે કે ઉત્તમ શેર ખરીદવાની એનામાં વિશેષ કુશળતા છે, પણ હકીકત એ છે કે મોટાભાગના સફળ રોકાણકારોનું લાંબા ગાળાનું રિટર્ન સરેરાશ કરતાં થોડુંક જ ઉપર હોય છે.

ઈઝરાયલમાં લગ્ન કર્યા પછી, ડેનિયલ યુનાઇટેડ સ્ટેટ્સમાં ‘યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા’માં આવ્યા હતા. અહીં એમણે મનોવિજ્ઞાનમાં પીએચડી કરી હતી. એ ઇઝરાયેલ પરત ફર્યા અને ૧૯૬૧ થી ૧૯૭૭ સુધી ‘હિબ્રુ યુનિવર્સિટી’માં ભણાવ્યું હતું. આ દરમિયાન ઇરા સાથેનાં એમનાં લગ્ન તૂટી ગયાં હતાં. ૧૯૭૯માં એમણે મનોવિજ્ઞાની એની ટ્રેઇઝમેન સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ સાથે મળીને ઘણું સંશોધન કર્યું હતું. એનીનું ૨૦૧૮માં અવસાન થયું હતું.

ડેનિયલ કાહ્નમનનું સૌથી અગત્યનું પ્રદાન માણસની કથિત તાર્કિક શક્તિના ક્ષેત્રમાં છે. આપણે જો અણુથી લઈને પરગ્રહ સુધી જવાની ટેકનોલોજીકલ પ્રગતિને જોઈએ તો એવું લાગે કે માણસની બુદ્ધિ આ ભ્રહ્માંડમાં સૌથી સર્વશ્રેષ્ઠ છે, પરંતુ મનોવિજ્ઞાન, ન્યૂરોસાયન્સ, રાજનીતિ, અર્થશાસ્ત્ર અને અન્ય વિદ્યાઓમાં આવતા સમાચારોને જોઈએ તો એવું લાગે કે માણસ જેવું બેવકૂફ પ્રાણી બીજું કોઈ નથી…!

ડેનિયલે માણસના મગજના આ વિરોધાભાસને સમજાવવા માટે, ૨૦૧૧માં થિન્કિંગ, ‘ફાસ્ટ એન્ડ સ્લો’ નામનું બેસ્ટસેલર પુસ્તક લખ્યું હતું. મનોવિજ્ઞાનીઓએ વર્ષો પહેલાં શોધ્યું હતું કે મગજ બે હિસ્સામાં વહેંચાયેલું હોય છે; ડાબું અને જમણું. જે વ્યક્તિનું ડાબું મગજ વધુ સક્રિય હોય તો, એનામાં તાર્કિક વિચાર કરવાની, વિશ્ર્લેષણ કરવાની અને તથ્યો જોવાની શક્તિ વધુ હોય. જમણું મગજ જો વધુ સક્રિય હોય તો એ વ્યક્તિમાં સર્જનાત્મકતા, કલ્પનાશીલતા, કળાત્મકતા વધુ હોય.

ડેનિયલ કાહ્નમને મગજનાં આવાં વિભિન્ન વિભાજનોને ફાસ્ટ એન્ડ સ્લો (તેજ અને ધીમા)માં વહેંચી નાખીને ઝંઝટ સરળ કરી નાખી હતી. એ કહે છે કે મગજ બે સિસ્ટમ પ્રમાણે વિચારો કરે છે:
સિસ્ટમ-૧ અને સિસ્ટમ-૨.
સિસ્ટમ-૧ ઝડપથી વિચારે છે અને તેની પ્રકૃતિ અચેતન, લાગણીશીલ અને સહજ (કોઠાસૂઝ વાળી) હોય છે. ઝડપી વિચારોનું પરિણામ તાબડતોબ ધારણા બાંધી લેવામાં, પૂર્વગ્રહો કેળવવામાં, રિએકશનમાં- પ્રતિક્રિયામાં આવે છે.

સિસ્ટમ-૨ ધીમી હોય છે અને તેમાં સભાન અને તાર્કિક રીતે વિચારો થાય છે, ચિંતન થાય છે.

ડેનિયલે કહ્યું હતું કે આપણા નિર્ણયો પાછળ આ બંને સિસ્ટમ કામ કરે છે. મોટાભાગના લોકો ધીમી સિસ્ટમને ટાળે છે, એમને ફટાફટ વિચારવાનું અનુકૂળ પડે છે. આપણને સૌને એવું માનવાનું ગમતું હોય છે કે હું તો બહુ તાર્કીક છું અને
વિચાર-મંથન કરીને નિર્ણયો લઉં છું પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટાભાગના કિસ્સામાં આપણે સિસ્ટમ-૧ની ગટ ફીલિંગના આધારે તાબડતોબ ધારણા બાંધીએ છીએ અને પછી સિસ્ટમ-૨ના માધ્યમથી એને તાર્કિક ઠેરવીએ છે.

જેમ કે, કોઈ મેડિકલ ઈમરજન્સીમાં ડોકટર કાચી સેંકડમાં નક્કી કરતાં હોય છે કે એણે શું કરવાનું છે. આગ લાગી હોય તો ફાયર બ્રિગેડના જવાન પળે પળે બદલાતી સ્થિતિમાં વીજળીક ગતિએ નિર્ણયો બદલતા હોય છે. રોડ પર અક્સ્માત ટાળવા માટે એક ડ્રાઈવર વગર વિચારે જ કારને એક તરફ વાળતો હોય છે.

આવી ગટ ફીલિંગવાળી સિસ્ટમમાં ભૂલો થવાની સંભાવનાઓ હોય છે, પણ તેનામાં જોખમોને કે કામના અવસરોને પારખી લેવાની ક્ષમતા પણ હોય છે. દાખલા તરીકે, ન્યુયોર્ક ટ્વીન ટાવર્સ પર હુમલો થયો ત્યારે ઘણા લોકો ૫૦મા કે ૧૦૦માં માળેથી વગર વિચારે કૂદી પડ્યા હતા. તેમાં એમણે મોતથી બચવાની તક જોઈ હતી, પણ અંતત: એ પડીને જ મરી ગયા હતા.

ડેનિયલ કાહ્નમને એ પુસ્તકમાં લખ્યું હતું, આપણામાંથી પ્રત્યેકને આપણે અસલમાં છીએ તેના કરતાં અધિક તર્કસંગત છીએ તેવું લાગતું હોય છે અને આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે જે પણ નિર્ણયો લઈએ છીએ તે લેવા માટે ઉચિત કારણો હોય છે. ઘણીવાર એનાથી ઊંધું હોય છે. આપણે કારણોમાં એટલા માટે માનીએ છીએ , કારણ કે આપણે અગાઉથી જ નિર્ણય લઇ લીધો હોય છે.

આ બંને મગજ વચ્ચે હાવી થવાની લડાઇ કાયમ ચાલતી રહે છે. આ પુસ્તક વાંચવાનો ફાયદો એટલો જ છે કે આપણે કેવી રીતે અમુક પ્રકારના નિર્ણય કરી બેસીએ છીએ, અમુક પ્રકારની ધારણામાં બંધાઈ જઈએ છીએ, પૂર્વગ્રહોને સાચા માનતા થઈ જઇએ છીએ અને કેવી રીતે આપણે આપણા વિશે, બીજાઓ વિશે અને દુનિયા વિશે સ્ટોરી બનાવીને છીએ તે સમજવા મળે છે.
વિચાર કરો કે યુદ્ધો કેમ થાય છે? બજારોમાં મંદી કેમ આવે છે? સામ્રાજ્યો કેમ બને છે અને કેમ તૂટી પડે છે? સમાજમાં અસમાનતા કેમ રહે છે? રાજકરણમાં ધ્રુવીકરણ કેમ થતું રહે છે? ફેક ન્યૂઝ અને પ્રોપેગેંડા કેમ ફેલાતા રહે છે?

બળાત્કારો અને ખૂન કેમ થતાં રહે છે? કારણ કે, આ પુસ્તક સમજાવે છે તેમ, સંજોગો અને અનુભવો બદલાય છે, પણ માણસની પ્રકૃતિ બદલાતી નથી. માણસનું મગજ આજે પણ એ જ રીતે કામ કરે છે, જેવું તે કરોડો વર્ષો પહેલાં ગુફામાં કામ કરતું હતું. આ પુસ્તક આપણને આવેગોમાં આવીને નિર્ણયો લેવાની વૃત્તિ સામે સચેત કરે છે. કાહ્નમન કહે છે તેમ, આપણને આપણા અજ્ઞાનનું જ્ઞાન નથી હોતું. આપણને બહુ ઓછો અંદાજ હોય છે કે આપણે કેટલું ઓછુ જાણીએ છીએ. આપણું મગજ તેનું અજ્ઞાન જાણવા માટે બન્યું નથી. આપણે આપણી ધારણાઓ અને નિર્ણયોમાં અતિ આત્મવિશ્ર્વાસ રાખીએ છીએ….’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza