ઉત્સવ

પાર્ટી બદલો, મોજ કરો: લોકતંત્રની લવલી લૉન્ડ્રી

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

રસ્તા પર ધંધો કરવાવાળી બિચારી વેશ્યા વારે વારે એક બાજુથી બીજી બાજુ રસ્તા પર લટાર મારતી રહે છે, જેથી કારમાં બેસીને પસાર થતા લોકોની નજર એના પર પડે. આવી જ પ્રવૃત્તિઓ રાજકીય પક્ષના લોકો પણ કરી રહ્યા છે. પેલી વેશ્યાવાળા રસ્તામાં ને રાજાકારણનાં રસ્તામાં ફરક માત્ર એટલો જ કે આ રસ્તો રાજકીય પક્ષના કાર્યાલય તરફ જાય છે. વિપક્ષના કાર્યકર્તાઓ સત્તાવાળા પક્ષમાં જવા માગતા હતા એટલે તેઓ રસ્તાની બાજુમાં ઊભા હતા. એ રસ્તા પરથી બીજા રાજકીય પક્ષના કાર્યકર્તાઓ પસાર થતાં. રાજકીય પક્ષના કાર્યકર્તાઓને જોઈને વિપક્ષના કાર્યકર્તાઓ સ્હેજ હસીને લટૂડા પટૂડા થતા. જવાબમાં સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ પણ સામે હસતા. પણ કોઈ કાર્યકર્તા ખુલ્લેઆમ એવું ના કરી શકે કે સામેનાને કારમાં બેસાડે અને ગળામાં હાથ નાખીને પોતાના રાજકીય પક્ષના કાર્યાલય પર લઈ આવે.

વિપક્ષના કાર્યકર્તાઓ સાથે રાજકીય પ્રેમ જાળવી રાખતા નેતાઓ પણ બધા જ પક્ષના કાર્યકર્તાઓ, દિલ્લીનાં હાઇ-કમાંડથી ડરતા હતા. એ સત્તાધારી રાજકીય ભવનની ધાક છે. એની એક ભવ્યતા છે. એ રાજકીય પક્ષના ભવન તરફ જતા રસ્તા પર મોટા મોટા ચરિત્રહીન કાર્યકર્તાઓ પણ વર્તનનું ડાહ્યું ડાહ્યું પ્રદર્શન કરે છે. આ બધાં ગંદા રાજકારણમાં આટલી બધી અશ્ર્લીલતા, અસભ્યતા હોવા છતાં પણ મામલો એકંદરે જાણે આધ્યાત્મિક હતો. ખુરશી-પ્રેમ જરા છાનો હતો. ઓફ કોર્સ, અશ્ર્લીલતા હતી, પણ એ તો એવી જ હતી જેવી આઝાદીનાં ૭૬ વરસથી હંમેશા રાજકારણમાં જોવા મળે છે.

 એક કાર્યકર્તા રાજકીય પક્ષના કાર્યાલય તરફ જતા જોવા મળ્યા. લોકોએ એમને ઊભા રાખીને પૂછ્યું, શું તમે આ પક્ષમાં જોડાવા માટે જાવ છો?

એમણે કહ્યું, હું એ બાજુ જઈ રહ્યો છું, એનો અર્થ એ નથી કે હું એ રાજકીય પક્ષમાં જોડાવા જઈ રહ્યો છું.

બીજી વખત તેઓ બીજા રસ્તે જતા દેખાય. અમુક લોકોએ પૂછ્યું, ‘શું તમે નક્કી કરી લીધું કે તમે આ રાજકીય પક્ષમાં નહીં જોડાવો?’

એ કાર્યકર્તાએ હસીને જવાબ આપતા કહ્યું, હું આ બાજુ જઈ રહ્યો છું એનો અર્થ એ નથી કે હું એ રાજકીય પક્ષમાં નથી જોડાય રહ્યો. હું ત્યાં જઈ પણ શકું કે ન પણ જોડાઇ શકું, દેશહિત માટે કંઇ પણ કરું!’

 એટલે કે એ ભાઇ, બીજા રાજકીય પક્ષમાં જઈ પણ રહ્યા છે અને નથી પણ. ઈચ્છે તો છે અને પણ સાથોસાથ ‘ઈચ્છા નથી’નું નાટક પણ કરે છે. હકીકતમાં તેઓ નખરાં કરી રહ્યા છે અને નખરાં પણ ત્યારે કરી રહ્યા છે જ્યારે બીજી પાર્ટીમાં કોઈ એમનું આદર સત્કાર નથી કરી રહ્યા. તેઓ રસ્તા પર ક્યારેક આ બાજુ પેલી નવીપાર્ટી તરફ દોડી આવે તો ક્યારેક બીજી બાજુ જાય, ને વળી ક્યારેક ગભરાઈને રસ્તાની વચ્ચે ઊભા રહી જાય, આમ રસ્તો ક્રોસ કરતાં તેઓ ખૂબ હાસ્યાસ્પદ બનીને રહી ગયા છે. તેઓ વારંવાર એવી સ્ટાઇલમાં ઊભા રહી જાય કે જેથી એ રાજકીય પક્ષ એમને જરૂર આમંત્રણ આપશે એવી આશા ઊભી થાય. વળી આ તરફ પાવરફૂલ રાજકીય પક્ષ, પોતે વધુ પાવરફૂલ બનવામાં એટલો વ્યસ્ત છે કે એને બીજા કોઇની જરૂર લાગતી જ નથી. 

 ભારતીય સંસ્કૃતિની શૈલી હંમેશથી એવી રહી છે કે જો તમે કોઇની શરણમાં જવા ઈચ્છો છો તો જલ્દીથી એના પગ પકડી લો અને ત્યાં સુધી એ પગ નહીં છોડો જ્યાં સુધી એ તમને માફ ન કરે ને તમારો સ્વીકાર ન કરે. અંગ્રેજી સંસ્કૃતિની નીતિ એવી છે કે- પહેલા તમારે અરજી આપવાની. પછી સામેના લોકો વિચાર કરીને તમને જવાબ આપશે. જો તમે એ જવાબથી સંતુષ્ટ નહીં હોવ તો તમે ફરી અપીલ કરો.    પણ આપણાં નેતાઓ ન તો પગે પડે છે કે ન તો અરજી કરે છે. તેઓ પાવરફુલ પાર્ટીની આજુબાજુ ધૂમી રહ્યા છે, લલચાવતા ઇશારાઓ કરી રહ્યા છે, જાત જાતના ચાળાઓ અને અંગ ભંગિમા કરી રહ્યા છે, એવા બહાનાં શોધી રહ્યા છે કે કોઈ જરા અમથો સંકેત કરે ને તરત પાર્ટી બદલી નાખે.  

આ રાજકારણની જૂની અને જાણીતી રીત છે. શું કહેવું આવા રાજકીય પક્ષ વિશે? આ પદ્ધતિ દેશનાં ૧૦૦-૧૨૫ વર્ષોનાં રાજકારણ પછી જામી ગઈ છે. અને વળી આવું કલ્ચર, સૌ નેતા જનોને લલચાવે પણ છે. અને હા, એ બધું મારા, તમારા જેવી જનતાના પ્રતાપે.કારણ કે આપણે જ એમને મત આપીએ છીએ જેથી એ નેતાઓ ચુનાવ જીતીને પાર્ટી બદલી શકે. હા, પણ આપણે આપણો વોટ ના બદલી શકીએ!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…